સુખ-દુખ/પાપ-પુણ્ય

મનુષ્ય જીવનનો એક જ જીવન મંત્ર અને ઉદ્દેશ હોય છે, જીવનમાં સુખ અને આનંદની શોધ.માણસ આખી જીંદગી સુખ અને આનંદ ની શોધ માં જ વ્યસ્ત રહે છે.આ શોધ માં તે સુખ-દુખ બંનેમાં થી પસાર થાય છે.જીવનની અંદર સુખ અને દુખ એ તાણા વાણા સમાન છે,સુખ-દુખથી જીવન બનેલું છે.સુખ પછી દુખ,અને દુખ પછી સુખ આ સાઈકલ ચાલતી જ રહે છે. સુખ અને દુખ બંને મનની અવસ્થા, મનના ભાવો છે.જે મનને ખુશ રાખે તો મનને નિરાશ પણ કરે.સુખમાં માણસ આનંદિત થઈને ખુશ રહે છે. જ્યારે દુખ માં નિરાશ થઈને દુખી રહે છે. મનની અંદર જે ઈચ્છા હોય તે પુરી થાય ત્યારે સંતોષ થાય અને ખુશી મળે.મનની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ થાય, મનને સંતોષ ના થાય ત્યારે તે નારાજ થઈને દુખી થાય છે.જો મનની અંદર કોઈ વાસના, કામના, ઈચ્છા ન રહે તો પછી મનને સુખ-દુખના ભાવ થતા જ નથી.સુખ-દુખ એ મનના ખેલ છે. એટલે વાસ્તવમાં સુખ-દુખ જેવી કોઈ વસ્તુ છે જ નહી. છતાં પણ દરેક માણસ સુખ-દુખ નો અનુભવ કરે છે.માયાનું આવરણ પરમાત્માએ મૂકેલું છે તેથી તેને સુખ-દુખથી પીડાય છે. મનુષ્યની સામે માયાનો પડદો હોવાથી તે આત્માને સમજી શકતો નથી.આ દેહને સર્વસ્વ માની બેઠો એટલે દુખી થાય છે.
જગત આપણા મનની અંદર રહેલું છે. બહાર કંઈ છે જ નહી.આપણા મનની અંદર રહેલું જે જગત છે તે જ આપણને સુખ-દુખ આપે છે.બહારનું જગત જરાય દુખરૂપ નથી. આપણું મન કાલ્પનિક આભાસ ઉભા કરે છે. જો મન શાંત થાય તો પછી એક પરમાત્મા સીવાય કંઈ જ નથી.મનની અંદર અનેક જન્મના કર્મ બીજ સંગ્રહીત હોવાથી મનને ડહોરી નાખે તેને લીધે જ મન હમેશાં એકજ વિચારમાં એકજ જગ્યાએ સ્થિર નથી રહી શકતું. મનની તૃષ્ણાને કારણ મન સંકુચિત બને છે.તેને લીધે તેનામાં આત્મ પ્રાગટ્ય થતું નથી.મન જેમ જેમ આત્માનુ ચિંતન વિશેષ કરે તેમ તેમ મનના ક્લેષો શાંત થઈને મનના વિકારો દુર થાય છે.મનની અંદર ત્રણ ગુણ છે, સત્વગુણ-રજોગુણ-તમોગુણ. આ ત્રણ ગુણો નુ અરસપરસનું યુધ્ધ હમેશાં ચાલતું હોય છે. જો રજોગુણ અને તમોગુણ જીતશે તો જન્મ-મરણ અપાવે. જો સ્તત્વગુણની જીત થાય તો મોક્ષ અપાવે.આ ત્રણે વ ગુણનું જો સંતુલન જાળવતાં આવડે તો મનમાં ઓછા વિકારો ઉદભવે.
સુખ-દુખ નો અહેસાસ કોને નથી થતો, સુખ-દુઃખની પીડા કોણ નથી અનુભવ તું ? જે વ્યક્તિને આત્મજ્ઞાન થાય, સમજે હું આત્મા છું. તે હમેશાં નિજાનંદમાં મ્હાલીને પરમાનંદ નો અનુભવ કરે.આ સ્થુલદેહ જે દેખાય છે તે હું નથી.’હું આત્મા છું’.મન સહિત પાંચ જ્ઞાનેન્દ્રિયો શાંત થઈ જાય અને બુધ્ધિ સ્થિર થાય,આત્માને અનુભવે ત્યારે તેને આત્મસાક્ષાત્કાર થયો કહેવાય. જ્યાં સુધી આ અવસ્થા ન આવે ત્યાં સુધી કર્મો છે, જો કર્મો છે તો જીવનમાં સુખ-દુખ પણ છે જ. આ અવસ્થા, આ દશા સમગ્ર સંસાર ની છે. દરેક મનુષ્ય સુખ-દુખથી પીડાય છે. સંસારમાં એક પણ વ્યક્તિ એવી જોવા ન મળે જે આ પીડા સહન ન કરતું હોય.સુખ-દુખ આ દેહને છે. આત્માને કોઈ સુખ-દુખ છે જ નહી.આ આ વાત સાચી છે છતાં સમગ્ર સંસાર સુખ-દુખ નો અનુભવ કરે છે.તેનુ મુખ્ય કારણ માયાથી જગત બનેલું હોવાથી સમગ્ર સૃષ્ટિ માયાથી ભરેલી છે.માયા મય જગત, માયા મય બનેલો આ દેહ તેથી ઈચ્છા ઓ,કામના, વિકાર બધા ભાવો ઉત્પન્ન થવાના જ છે,તેનો અનુભવ પણ થાય.એટલે મનને સુખ-દુખ નો પણ અહેસાસ અને અનુભવ થયા વીના ના રહે.ભક્તિ કરતા હોઇએ, સત્સંગ કરીએ, ગ્રંથો અને શાસ્ત્રો નુ વાંચન અને મનન પણ થાય. સદગુરુ ના આદેશ પ્રમાણે પણ ચાલીએ, બધુ જ સમજીએ,જાણીએ છતાં પણ મનના ભાવ બદલતાં, મનના વિકારો દુર કરવામાં ઘણી વાર લાગે. તેનુ મુખ્ય કારણ માયાનું બંધન અને અજ્ઞાન.માયા ના બંધનને લીધે મનના વિકારો ઉપર મોટા ઋષિ મુનિથી સંયમ નથી કરી શક્યા, તો સામાન્ય મનુષ્ય માટે સમજવું અને તેના પર નિયંત્રણ કરીને સંયમ કરવો ઘણું જ કઠીન કામ છે.છતાં પણ ધારે તો વિકારો ઓછા થાય. ધીમે ધીમે કાબુમાં પણ લાવી શકાય.
મનની અંદર ચાલતા જે નકારાત્મક વિચારો છે તે હમેશાં દુખ નો અહેસાસ અને અનુભવ કરાવે જ્યારે મનની અંદર ચાલતા હકારાત્મક વિચારો સુખનો અનુભવ કરાવે. એટલે સુખ-દુખ નો અહેસાસ કરાવનાર એ મનના વિચારો માત્ર છે.છતાં પણ જીવનમાં સુખ-દુખ રહેલાં છે.પુરી દુનિયા પીડા ઈ રહી છે.દુનિયામાં હર કોઈ સુખ ઇચ્છે છે. સુખ-દુખને કારણ મનની શાંતિ ચાલી ગઈ છે.હરેક વ્યક્તિ સુખ અને શાંતિની શોધ માં છે. દરેક મનુષ્ય વિચારે છે સુખ ક્યાં મળશે ? શાંતિ ક્યાં મળશે? સમગ્ર સંસારમાં દરેક મનુષ્ય સુખ-દુખ કેમ અનુભવે છે ? કારણ અજ્ઞાનતા,આત્મ જ્ઞાનથી જ સુખ-દુખ નો ભ્રમ દુર થાય. અને મન શાંતિનો અનુભવ કરી શકે.માયાનો પડદો મનુષ્યને ભ્રમમાં નાખે છે. પરિવાર, સમાજ, સંસાર,દુનિયામાં મનુષ્ય માટે જીવન એવી રીતે ગુંથાયેલું છે જ્યાં દરેક, એક બીજાની સાથે રહેતાં, જીવન વ્યતીત કરવા માટે થતાં દરેક કામમાં તેના પરિણામ રૂપ સુખ-દુખ નો અનુભવ થાય છે.જીવન ના જે ચાર સ્તંભ બતાવ્યાં છે, ધર્મ-અર્થ-કામ-મોક્ષ. આ માર્ગ પર ચાલતાં ચારે માંથી જીવન પસાર થાય ત્યારે દરેકને એ સમયે સુખ-દુખ આવવાનાં જ છે.કેમકે તેમાંથી પસાર થતી વખતે સતત કાર્ય રત રહીએ છીએ. એટલે સુખ-દુખ નો અનુભવ થવાનો જ છે.
જીવનમાં સુખ-દુખ આવવાનું મુખ્ય કારણ મનુષ્યના કર્મો છે.કર્મો મનની ઈચ્છાઓ અને વાસનાઓને કારણ કરીએ છીએ.સારા-ખોટા બંને કર્મોનું ફળ અવશ્ય મળે જ, પરંતુ માણસના મૃત્યુ પછીથી તેના આગલા જન્મનું કોઈ વસ્તુ યાદ હોતી નથી.તેનુ વિસ્મરણ થઈ જાય છે. એટલે તેને ખબર નથી ક્યારે કેવા અને કેટલા કર્મો કરેલા છે.જો મનુષ્ય જન્મમાં તેને ખબર છે, દરેક કર્મોનું ફળ અવશ્ય મળે છે, તે છતાં ખોટાં કર્મો કરે જાય છે. જ્યારે જીવનમાં દુખ આવે ત્યારે ભગવાન ને પૂછે, સવાલ કરે, તેં મને દુખ કેમ આપ્યું ? હવે દોષ પોતાનો જ છે એમાં ઈશ્વર શું કરે ? ઈશ્વર તો જ્ઞાન આપીને કર્મ માર્ગ બતાવી અને માર્ગ દર્શન કર્યું તેના પર ચાલવું એ આપણી જવાબદારી છે.ઉચ્ચ જીવન જીવવા માટે તો કેટલાં બધા ગ્રંથો, શાસ્ત્રો ની રચના કરવામાં આવી છે. શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળેલ એક એક શબ્દ અમૃત વાણી, તેમનો ગીતા ઉપદેશ ! તેમણે સમગ્ર સંસારને માર્ગ બતાવ્યો જીવન રાહ સરળ બનાવી છતાં પણ કોઈ સમજવા માટે તૈયાર નથી. અને જ્યારે જીવનમાં દુખ આવે ત્યારે ઈશ્વરને દોષી માને.શ્રી રામ પણ મનુષ્ય અવતાર લઈને અસહ્ય દુખ વેઠ્યું છે. અને તે પણ ચૌદ વર્ષ ! જીસસને જીવતાં જ ક્રોસ પર લટકાવીને ખીલા મારીને કાંટા નો તાજ પહેરાવ્યો ! આ શારીરિક વેદના કેટલી બધી ત્રાસ જનક અસહ્ય હશે, જે ઈશુ એ સહન કરી તે વેદના, તે દુખ તેમના સીવાય કોણ સમજી શકે.હરિશ્ચંદ્ર-તારામતિએ સત્યને માટે દુખ વેઠ્યું.સતી દ્રૌપદી નુ ભરી સભામાં વસ્ત્ર હરણ થયું ! તે વખતે દ્રૌપદી ને કેટલું અસહ્ય માનસિક કષ્ટ, વેદના, દુખ થયું હશે. તે અસહ્ય દુખ દ્રૌપદી ને જ સમ જાયું હશે. બીજું કોણ સમજી શકે ! ભિષ્મપિતામહ જેમને ઈચ્છા મૃત્યુ વરદાન હતું, જ્યારે બાણશૈયા પર સુતા હશે ત્યારે તેમના શરીરને કેટલી બધી વેદના અને કષ્ટ થયું હશે ! એ પણ મોટું દુખ જ કહેવાય.શ્રવણ તેના આંધળા માતા-પિતાને જાત્રા કરાવવા નીકળ્યો છે અને રસ્તામાં તેઓને તરસ લાગે છે એટલે નદીમાંથી પાણી લેવા જાય છે, ત્યાં અજાણ થી રાજા દશરથ નુ તીર શ્રવણ ને વાગે છે ત્યારે આંધળા માતા-પિતાનો એક માત્ર સહારો શ્રવણ નુ મૃત્યુ થાય, ત્યારે આંધળા માતા-પિતાને કેટલું મોટું દુખ થયું હશે.આંધળા માતા-પિતાના દિલની દશા અને વ્યથા કેવી હશે ? અંતે મૃત્યુને ભેટ્યા !આવા તો કંઈ કેટલા માણસો છે જેણે પહાડ સમાન દુખ વેઠ્યા છે. સંસારમાં જોઈએ છીએ આજે પણ કેટલા લોકો એવા છે જે દુખ વેઠીને, દુખ સહન કરે છે.ભાગ્યમાં જે લખાયું છે તે થઈને જ રહે છે.જે સુખ-દુખ ભાગ્યમાં લખ્યા છે તે આવે ત્યારે તે ભોગવવા જ પડે છે.તેમાંથી કોઈ બાકાત ન રહે.ભક્ત નરસિંહ મહેતા એ ગાયું છે,
“સુખ-દુખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયા
ટાળ્યા તે કોઈના નવ ટળે રે રઘુનાથ ના જડિયા”
જીવનમાં દુખ આવ્યું છે તો તેને સહન પણ કરવું પડે. દુખી થવાથી તે ઓછું નથી થવાનું.દુનિયામાં એક પણ માણસ એવું શોધવું મુશ્કેલ છે જેને જીવનમાં દુખ ન આવ્યું હોય.જો આ સંસાર છે, જીવન છે તો પછી સુખ-દુખ આપણી સાથે રહેવા ના જ છે.તેમાંથી કોઈ બચી ન શકે.કારણ ઈશ્વરે મનુષ્યની રચના જ એ રીતે કરી છે. એટલે સુખ-દુખ દરેક ના જીવનમાં સ્વાભાવિક ગણાય. જેણે ઈન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, મન શાંત થયું છે તો પછીથી સુખ-દુખ નો અહેસાસ ઓછો થાય છે. ઈન્દ્રિયો ઉપર વિજય પામવું તે બહુજ મુશ્કેલ કામ છે. બધા માણસો માટે આ સંભવ નથી.દરેક ના જીવનમાં સુખ-દુખ આવે છે. બધા તે સહન કરે તેની ફરિયાદ કરે જીવન ચાલતું રહે છે. જીવન અટકી નથી જતું. જેમ પરિસ્થિતી બદલાય તેમ મનના વિચારો બદલાય. સુખ આવે એટલે દુખના દિવસો ભુલાઈ જાય. નવો દિવસ નવું જીવન શરુ થાય.માણસનું જીવન ચક્ર ચાલતું જ રહે છે.દુખ આવે ત્યારે ભગવાન વધારે યાદ આવે.લોકો દુખ માં ભગવાન ને વધારે યાદ કરે.સુખ હોય ત્યારે તે ભોગવવા માં લોકો એટલા તલ્લીન થઈ જાય ઈશ્વરને યાદ કરવાનો સમય તેમની પાસે હો તો નથી.વૈભવ સુખ ભોગવનારને, સુખનો નશો ચડે એટલે બીજું કંઈ યાદ ન રહે.કોઈ વીરલાજ હોય જે સુખ-દુખ બંને પરિસ્થિતિમાં ભગવાન ને યાદ કરે છે. ભગવાન ને ભુલતા નથી.
“दुखमे सुमिरन सब करें, सुखमे करें न कोई
जो सुख में सुमिरन करें तो दुख काहे को होई “
મહાભારત માં, આપણે જાણીએ છીએ જ્યારે શ્રી કૃષ્ણએ માતાકુન્તીને કંઈ માવાનું કહ્યું ત્યારે માતાકુન્તીએ શ્રી કૃષ્ણ પાસે દુખ માગ્યું હતું. તેમણે કહ્યું હે કૃષ્ણ તમે જો મને કંઈ આપવા જ માગતા હોય તો મને દુખ આપો જેથી હું તમને નિરંતર યાદ કરું. જો મને દુખ હશે તો તમે મારા મનની અંદર મારા હ્રદયમાં હમેશાં સાથે હશો. મને દુખ સહન કરવાનુ બળ મળશે.આ ધરતી પર માતાકુન્તી જ એવા પહેલા મનુષ્ય છે જેમણે પરમાત્મા પાસે દુખ માગ્યું છે. નહી તો દરેક માણસ ઈશ્વર પાસે સુખની જ માગણી કરે.
જાણે અજાણે સારા ખોટા કર્મો થવાના જ છે. એનુ નામ તો જીવન છે પરંતું દરેક કર્મ માટે આપણી ઈન્દ્રિયો ઉપર નિયંત્રણની જરૂર છે.સારા-ખોટા કર્મને લીધે જ સુખ-દુખ, પ્રાર્બધ્ધ રૂપે ભોગવવા પડે. દરેકને ખબર છે. છતાં પણ કોઈ તેના માટે સાવધાન નથી થતું. ખબર હોય એક દિવસ ઘડપણ આવવાનું છે,ઘડપણમાં હાથ-પગ ચાલે નહી એટલે તેના ભવિષ્ય માટે વિચારી ને તે બૅન્ક બૅલેન્સ ભેગું કરે. પોતાના સંતાનો માટે મુડી ભેગી કરે.પરંતુ મૃત્યુ પછીથી જે બીજો જન્મ આવવા નો છે, તેના માટે કોઈ તૈયારી નથી કરતું. બીજા જનમ નુ ભાથું, જે સાથે લઈ જવાનું છે તેની તૈયારી કોઈ કરતું જ નથી. દરેક મનુષ્યની કેટલી બધી દયા જનક સ્થિતી છે. ધન-દોલત-સંપતિ ભેગી કરીને અમીર તો બન્યો પરંતું મનથી ગરીબ છે. વિચારથી, સદબુધ્ધિનો અભાવ, મનની તૃષ્ણા, લાલસા, વિકાર ને લીધે તે મનથી ગરીબ છે.જીવન નિર્વાહ ચાલે એટલું જ ધન ભેગુ કરે તો તેમાં કોઈ ખોટું નથી પરંતું લાલચ માં આવીને ધન ના મોટા ઢગલો કરવામાં લાગી જાય ત્યારે તેના હાથે જાણે અજાણે અસંખ્ય પાપ કર્મો થાય. કેમકે ધન ભેગુ કરવા માટે અનિતી કરવી જ પડે. ઈમાનદારી થી વધારે પૈસા ન મળે.અનિતી એ અધર્મ કહેવાય. જે ધર્મના માર્ગ પર ન હોય તે પાપનું પોટલું મોટું કરે છે. જીવન રાહ સરળ બને, પાપ વધે નહી એટલે જ શાસ્ત્રો એ જીવન ના જે નિયમ બનાવ્યા છે તેને ધ્યાનમાં રાખીને કામ કરે તો માણસના પાપ કર્મો ઓછા થાય અને સંસારમાં શાંતિ સચવાઈ રહે.
જીવનમાં જ્યારે અતિશય સુખ આવે તો માણસનું મન છકી જાય.સુખ ના નશામાં બીજા તુચ્છ લાગે તેને અભિમાન આવી જાય. સુખ પણ ભોગવીને તેમાં સમતુલિત રહેવું, સુખ પચાવી જાણવું એ પણ જીવન જીવવાની એક કલા છે.જેમ દુખ સહન કરવાનુ હોય તેમ સુખને પચાવવું હોય છે.સુખ અને દુખ બંનેમાં આપણી મતિ સ્થિર રહેવી જોઈએ.મતિ સ્થિર હોય તો સુખ-દુખ બંનેમાં સમતા ભાવ રહે.
શ્રી કૃષ્ણ ગીતાના ૧૨ મા અધ્યાય, શ્લોક -૧૮માં કહે છે,
समःशत्रौ च मित्रे च तथा मानापमानयोः
शीतोष्ण सुख दुःखेषु समःसंग विवर्जितः
અર્થાત- જે શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન રીતે વર્તે છે.માન અપમાનમાં જેને સમભાવ છે.ટાઢ-તડકો, સુખ-દુખ વગેરે દ્વંન્દ્વો પણ જેના મનને સમાન છે.
શ્રી કૃષ્ણએ કહ્યું છે, જેની બુધ્ધિ મિત્ર અને શત્રુ બંને માટે સરખી હોય,બંને માટે કોઈ ભેદ ભાવ ન હોય, જેને માન અપમાનની કંઈ પડી ન હોય માન અપમાનની તેના મનને કોઈ અસર ન થાય,કોઈ પણ ઋતુમાં ટાઢ-તડકામાં અકળાઈ ન ઊઠે.દરેક વસ્તુ અને પરિસ્થિતિમાં સમભાવ માં રહે.સુખ-દુખ માં સમાન રહે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય. કોઈ વસ્તુ તેના મનને વિચલિત નથી કરી શકતી. સુખ અને દુખ બંનેમાં તે સમભાવ માં રહે છે,તેના ભાવો બદલતાં નથી. તેની મતિ બંને અવસ્થામાં સ્થિર રહે છે.આ મનની સ્થિતપ્રજ્ઞ અવસ્થા કહેવાય.આ અવસ્થા ક્યારે આવે જ્યારે આપણી મતિ પરમાત્મા ના પ્રેમ માં હોય,પરમાત્મા માટે અનુરાગ હોય, ઈશ્વરનું જ ચિંતન હોય. ત્યારે તેને કોઈ સુખ-દુઃખની અસર ન થાય.ઈશ્વરની લગની લાગે પછીથી તેને આ દુન્યવી વસ્તુની કોઈ અસર થતી નથી.
સુખ અને આનંદ શે માં સામેલ છે, ધન-દોલત-વૈભવ-પોતાના સંતાનોમાં,પ્રકૃતિમાં,સંગીતમાં,આ સંસારમાં? સાચું સુખ ક્યાં છે અને શે માં સમાયેલું છે? મનુષ્ય જીવનનું એકજ ધ્યેય છે સુખ,આનંદ ! સાચું સુખ તે પરમાનંદ છે. તે સુખ આત્મસુખ છે. આત્મા પ્રેમાનંદ, સ્વરૂપ પરમાનંદ હોવાથી સાચું સુખ આપણી અંદર જે આત્મા બેઠો છે,તેમાં જ છે છતાં આપણે સુખ બહાર શોધી એ છીએ જે ક્ષણીક છ. જે ભોગવ્યા પછીથી દુખ સીવાય કંઈ નથી.આત્મ સુખ અનંત છે.જેને આત્મજ્ઞાન થાય,જ્યારે અંતરની અંદર જ્ઞાનની સ્ફુરણા થાય,ત્યારે જ તે સમજી શકે અને પરમાનંદ,નિજાનંદમાં મહાલી શકે.આત્માને કોઈ રૂપ નથી એટલે કોઈ જોઈ શકતું નથી.જે દેખાય જ નહી તેને કોણ સાચું માનવા માટે તૈયાર થાય.કેવી રીતે વિશ્વાસ કરે ?જે સામે દેખાય છે તેને જ સાચું માની ને તેમાં જ સુખ શોધે.સંસાર આંખો આગળ દેખાય છે એટલે તો તે સાચો લાગે, આ દેહ જોઈ શકાય એટલે તે સાચો લાગે.આપણે બધું જ જોઈ શકીએ છીએ આત્મા અને પરમાત્માને આપણે જોઈ શકતા નથી. જે સર્વસ્વ, સત્ય, નિત્ય, અનંત છે તેને આપણે જોઈ શકતા નથી ,જાણી શકતા નથી. જ્યારે તેને જાણીએ અને સમજી શકીએ, પછીથી આ દુનિયામાં જે દેખાય છે તે બધુ જ તુચ્છ લાગે. મનને દુન્યવી વસ્તુ સારી ન લાગે.અંદર જ આનંદ! આનંદ! આનંદ, પરમાનંદ ! આ છે સાચું સુખ. કેટલા લોકો આ સુખ માણી શકે છે. બહુ જ ઓછા માણસો આ સુખ સમજીને માણી શકે છે.કારણ અજ્ઞાનતા,જે જ્ઞાની હોય તે જ સમજીને પરમાનંદ માણી શકે.
પૈસા થી, ધન-દોલત થી આ સુખ ખરીદી શકાતુ નથી. નિજાનંદ માટે કોઈ પૈસા ખર્ચવા પડતા નથી.બહાર દોડ ભાગ નથી કરવી પડતી.ઘરમાં એક ખૂણામાં બેસીને પણ આ સુખ પામી શકાય.તેને સમજવા માટે, તેને પામવા માટે ફક્ત આત્મજ્ઞાનની જરૂર છે. આ જ્ઞાન આપણા શાસ્ત્રો અને ગુરુ આપી શકે. તે સમજીને તેનુ મનન કરીને જીવનમાં ઉતારી તેનો નિત્ય અભ્યાસ કરી જીવન જીવી એ તો સત-ચિત-આનંદ શક્ય છે.પછીથી જીવનમાં સુખ સીવાય બીજું કંઈ નથી. આ સાચું સુખ તે પરમાનંદ !
આપણા શાસ્ત્રો એ ધર્મના રક્ષણ માટે જે કાયદા બતાવ્યાં, તેમાં જે નિતી નિયમ છે તેની વિરૂદ્ધ કોઈ પણ કામ કરીએ તે પાપ ગણાય.ધર્મની રાહ પર ચાલીને જે કામ કરીએ તે બધા પુણ્ય ગણ્યા છે.લોકો પાપ અને પુણ્ય બંને કામ કરતા હોય છે.રજોગુણી અને તમોગુણી વધારે પાપ કર્મ કરે. જ્યારે જે સત્વ ગુણી હોય તે સદાચારી હોય એટલે તે હમેશાં ધર્મના માર્ગ પર ચાલે એટલે તે પુણ્ય કર્મ વધારે કરે.દરેકમાં આ ગુણો જેનામાં વધારે ઓછા પ્રમાણમાં હોય તે પ્રમાણે કર્મો કરે.એટલે દુનિયામાં દરેક માણસ પાપ-પુણ્ય કરવાના જ છે એ સ્વાભાવિક છે.
અસત્ય,ચોરી,હિંસા,અનિતી,છળ,કપટ,રાગ-દ્વેષ,ઈર્ષા,અધર્મનું આચરણ વગેરે ને પાપ કહ્યા છે.
આ કળિયુગમાં લોકો ના પાપ કર્મો વધી ગયેલાં છે. લોકો પોતે શું કરે છે તે પોતાને પણ ભાન નથી.જેટલો વસ્તી વધારો થયો એટલી એક બીજા માં ધન-દોલત કમાવવા માટે હરીફાઈ વધી ગઈ છે.તેનુ પરિણામ શું આવે તે આપણી જાણીએ છીએ. ધર્મના માર્ગ પર કોઈ ચાલતું નથી. અત્યારે બધા બોલતાં સાંભળ્યા છે. ‘Everything is fair in Love and War’. જીંદગીની કોઈ પણ લડાઈ હોય, પૈસા કમાવવા માટે હોય, કોઈ પણ જાતની પ્રતિસ્પર્ધા હોય તેમાં અધર્મ કરવો કંઈ ખોટું કામ નથી એમ માને.એટલે લોકો આ જીંદગીની જંગમાં ગમે તેવુ ખરાબ કામ કરતાં ડરતા નથી.જંગ જીત વા ગમે તેવા કાવા દાવા કરવા માટે તૈયાર હોય.અત્યારે તો એક જ ઘરમાં રહેતા ભાઈઓ માં ધન-દોલત માટે જંગ ચાલે છે.એક જ છોકરીને યા તો સ્ત્રીને બે પુરુષો પ્રેમ કરતા હોય તેને પ્રાપ્ત કરવા માટે બીજા પુરુષનું ખૂન પણ કરી નાખે. ઈતિહાસમાં આપણે જાણીએ છીએ સ્ત્રીઓ ને લીધે કેટલા મોટા યુધ્ધ થયા હતા.અત્યારે તો પાપ-પુણ્યની પરિભાષા બદલાઈ ગઈ છે. પોતાની અનુકૂળતા પ્રમાણે, સગવડ પ્રમાણે શાસ્ત્રો ની પરિભાષા બદલતાં હોય છે. આપણે એક સાદી સીધી વાત જાણીએ છીએ હમેશાં અધર્મની સામે ધર્મની જીત થાય.પરંતુ પાપી લોકોએ તો તેની પરિભાષા બદલી નાખી છે.જે પૈસે ટકે બળવાન,જેનું પીઠબળ મજબુત તેની જીત થાય.જેની લાઠી ભારી તે જીતશે.પાપી લોકોની આ ભાષા અને નિયમ છે.અધર્મી માણસો ખોટા જ કામ કરતા હોય, પરંતું ખોટું કાર્ય કરવામાં એમને કોઈ દોષ ન દેખાય કારણ લાલચ માં પોતાનુ ભાન ભુલી ગયા છે.
સદાચાર,નિતી,ધર્મ,સત્ય,દયા,અહિંસા,પરોપકાર,નિસ્વાર્થ જનસેવા,વિવેક,વિનય વગેરે ને પુણ્ય કહ્યાં છે.
પુણ્ય કરવા વાળા જુદા જ હોય. તેઓ અનિતી અને અધર્મથી દુર રહે, કેમકે એ તેમનો સ્વભાવ નથી.ખોટા કામ કરવા માટે તેમનું મન તૈયાર ન હોય. નિતી,સદાચાર,વિવેક,અને ધર્મના માર્ગ પર જ ચાલે.પુણ્યશાળી લોકો ના જીવનમાં નિતી-નિયમ હોય, એ રીતે જીવન જીવે. એ લોકોનું જીવન ઉચ્ચ કોટી નુ હોય.તેમના કર્મથી પુણ્યશાળી માણસ ઓળખાય.લોકો તરત જ બોલે આ તો પુણ્યાત્મા છે.
જે પુણ્યશાળી લોકો હોય તેમાં ઘણા માણસો એવા હોય તે માનવ સેવા કરે તેમાં તેમના મનને આનંદ મળતો હોય. કોઈ ઈશ્વર અર્થે કામ કરે, મંદિરમાં સેવા આપીને તેને આનંદ મળે.હોસ્પિટલમાં પણ નિસ્વાર્થ સેવા આપતા હોય. ભારત દેશમાં કેટલા ડૉક્ટરો એવા જોયા છે જેઓ કોઈ ગરીબ દર્દી હોય તો વીના મૂલ્ય તેનો ઉપચાર કરતા હોય છે.બીજા દર્દીઓ પાસેથી પણ મામૂલી ફી લઈને ઉપચાર કરે.ડોક્ટરની આ પણ એક માનવ સેવા જ કહેવાય.દરદીને સાજો કરે પરંતુ તેનુ ખિસ્સું ખાલી કરી નાખે તો પછી એ તો ખુલ્લે આમ લૂંટ જ કહેવાય.કોઈ દાન કરીને આનંદ અનુભવે. તો વળી ગુપ્ત દાન કરીને આનંદ અનુભવે.કોઈ વિદ્યાદાન કરીને આનંદ અનુભવે.આમ જુદા જુદા માનવ સેવા ના કાર્ય અને દાન કરીને ખુશી મળતી હોય.સગાં સંબંધી, પડોશી વગેરે એકબીજાને સુખ-દુખ માં સાથ આપીને મદદ કરીને આનંદ અનુભવતાં હોય છે, તેમાં તેમને મનની અંદર શાંતિ અને આનંદનો અહેસાસ થતો હોય છે.કેટલા બધા લોકો હજુ આજે પણ દુનિયામાં જોવા મળે છે, જેઓ પોતાની આખી જીંદગી નિસ્વાર્થ માનવ સેવા અર્થે વિતાવી હોય છે,તેમાં તેમને ખુશી અને આનંદ મળે. જુના જમાનામાં આપણને ખબર છે જ્યારે અત્યારના જેવી આધુનિક સગવડ હતી નહી ત્યારે ઘણા સેવાભાવી લોકો,વટેમાર્ગુ માટે રસ્તામાં પાણીની પરબ બંધાવતા હતા. જેથી મુસાફરોની સેવા થઈ શકે.તો કોઈ ધર્મશાળા બંધાવતું હતું જેમાં યાત્રાળુ વીના મૂલ્ય નિવાસ કરી શકતા હતા.અત્યારે જમા ના પ્રમાણે પરિસ્થિતી બદલાઈ ગઈ છે.
મનુષ્યના મનનુ જીવનમાં મહત્વ વધારે છે.ત્રણ ગુણ જે રજોગુણ,તમોગુણ,સત્વગુણ અને તેમાંથી ઉદભવતા ભાવો જે આશા-નિરાશા,ઈચ્છાઓ,કામના,વાસના,લાલસા,સુખ-દુખ,આનંદ,લોભ-મોહ,કામ, ક્રોધ, ભય,આસક્તિ જે આપણી ઈન્દ્રિયો અને મનને આધીન છે. જુદા જુદા ભાવો ને લીધે મનની અંદર અનેક વિકારો ઉદ ભવે છે. બધા વિકારો મનની અંદર જ હોવાથી આ બધા વિકારો તે મનની અવસ્થા કહેવાય. બધાજ વિકાર નુ કારણ મન છે.આ વિકાર ને કારણ સારુ ખોટુ બધુ જ મન આપણને કરાવે. સદબુદ્ધિ હોય તો મન સારું જ વિચારે જેથી વિકારો ઓછા થઈને મન શાંત પડે.મનને શાંત પાડવાનો એક જ ઉપાય છે,નિયમિત ધ્યાન કરવામાં આવે તો જેમ જેમ ધ્યાન સાધના વધે તેમ મન સ્થિર થાય છે.મન એક જ જગ્યાએ સ્થિર થઈને શાંત થાય છે.મન જ્યારે શાંત પડે પછીથી તેમાં કોઈ કામના નથી રહેતી.દરેક વસ્તુની આસક્તિ ઓછી થાય એટલે વિષય વાસના,વિકારોનો નાશ થાય છે.મન નિર્વિકાર બની શુધ્ધ બનીને સ્થિતપ્રજ્ઞ થઈ શાંતિ અનુભવે.મન શાંત થવાથી અંતર્મુખ દશા આવી જાય. આ મનની ધ્યાનસ્થ અવસ્થા છે. તેમાં મન એકદમ પરમ શાંતિ અને આનંદનો અનુભવ કરીને નિજાનંદમાં રાચતું હોય. આત્માનુ જે સ્વરુપ સત-ચિત્ત-આનંદ છે તેનો અનુભવ થાય. આત્મસાક્ષાત્કાર થાય પછી નથી આ દેહ કે નથી મન. દેહની મુક્તિ થાય જે મોક્ષ છે. હવે કોઈ વસ્તુ રહેતી નથી.
ન જન્મ ! ન મૃત્યુ ! ચિદાનંદ રૂપઃ શિવોહમ, શિવોહમ ! હવે ફક્ત,
‘અહમ બ્રહ્માસ્મિ’ આત્મા અને પરમાત્મા સીવાય અહીંયાં બીજું કંઈ શેષ રહેતું નથી!!!
ૐ શાંતિઃ ૐ શાંતિઃ ૐ શાંતિઃ

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

1 Response to સુખ-દુખ/પાપ-પુણ્ય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s