પ્રેમ

આપણા આત્માનુ જ્યારે બીજી વ્યક્તિના આત્મા સાથે જોડાણ થાય,એક બીજા માટે દિલની અંદર ઘેરો લગાવ હોય,આત્મીયતા હોય,કુણી લાગણી હોય,દિલની અંદર ઉદભવતા આ સારા ભાવો જે આપણું મન અનુભવે,તે પ્રેમ છે.આત્મા સાથે બીજી વ્યક્તિના આત્મા સાથેનું મિલન,આ પ્રેમ શુધ્ધ અને પવિત્ર ગણાય.બાકી બીજી બધી વસ્તુ ફક્ત એક બાહ્ય આકર્ષણ છે,પછી તે વ્યક્તિના સ્વરૂપનુ, તેની બુધ્ધિ પ્રતિભા નુ,તેની આવડત-હોશિયારીનું,તેની ધન-દોલત નુ,કોઈ પણ કારણ હોઈ શકે.ઘણા માણસો એકદમ પ્રતિભાશાળી હોય તેનાથી પણ અંજાઈ ને તેના તરફ આકર્ષણ થાય, વ્યક્તિ સ્વરૂપવાન હોય તો તેના તરફ આકર્ષણ થાય આ બધું પ્રેમ નથી.ખાલી બહારનું આકર્ષણ, મનની ઘેલછા કહેવાય.કોઈ પણ વ્યક્તિના શરીર પ્રત્યે નહીં પરંતું બે આત્મા એક રૂપ થાય, આત્મ પ્રેમ, આત્મ મિલન બે આત્માનુ મિલન એજ અગત્ય નો અને સાચો પ્રેમ છે. અંતઃકરણ-હ્રદય-હૈયું-દિલ તેમાં પ્રેમભાવ પ્રગટ હોવાથી આપણું મન પ્રેમભાવ અનુભવે છે. અંતઃકરણમાં જ પરમાત્મા બિરાજમાન હોય છે. માટે જ પ્રેમ ઈશ્વર સ્વરૂપ છે.
શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે,ભક્તનું મન સતત મારામાં જોડાયેલું હોય, સતત મારા વિશે વિચારે,કર્મ કરે, સાચા ભક્તો મારી સેવાથી દિવ્યાનંદ માણે. ભક્તિની પક્વાવસ્થા એટલે કે ભક્તિ પરિપક્વ થઈને તેની પરમ સીમાએ પહોંચે ત્યારે કૃષ્ણપ્રેમમાં ગળાડૂબ રહે છે. આ સ્થિતિમાં આવ્યા પછીથી તેઓ ભગવાનના પરમ ધામ માં જે પૂર્ણ પ્રેમ હોય છે તે પ્રેમની એટલે કે ભગવાન માટેના સાચા પ્રેમની સ્થિતિ માણે છે. આ પ્રેમ અવસ્થા કહેવાય. જીવનની આ પૂર્વાવસ્થા છે.
આ ઉપરથી આપણને સમજાય પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે એટલે આપણો આત્મા પણ પ્રેમ સ્વરૂપ કહેવાય. કેમકે આત્મા પરમાત્માનું જ સ્વરૂપ છે. આત્મા પરમાત્માથી અલગ નથી.પ્રેમ સ્વરૂપ આત્મા એ મનુષ્ય માટે, પરમાત્માની અણમોલ ભેટ છે અને તેને લીધે જ જીવન સંભવ છે.શ્રી કૃષ્ણ પરમાત્મા પણ મનુષ્યની પ્રેમભક્તિ થી બંધાયેલ છે,ભક્તના પ્રેમથી વશમાં હોય.પ્રેમથી જ બંધાઈ અને પ્રેમથી જ પ્રાપ્ત કરી શકાય.
મનની અંદર જુદા-જુદા ભાવો અને વિકાર જાગી ને બધા કર્મો થતા હોય,સારા- ખોટા કામ થાય.તો સાથે સાથે આત્મા એ પ્રેમ સ્વરૂપ હોવાથી,મનની અંદર એક અતિ આવશ્યક પ્રેમભાવ રહેલો છે, દરેક મનુષ્ય પ્રેમને આધારે જીવે છે. ઘરસંસાર, પરિવાર, સમાજ, પુરુ જગત પ્રેમને આધારે જીવી રહ્યું છે, ટકી રહ્યું છે. નહી તો ઘરની અંદર અને બહાર દુનિયામાં મારો, કાપો સીવાય બીજું કંઈ પણ જોવા ન મળે.જો આ દુનિયામાં પ્રેમ ન હોય તો ?આ સવાલ માત્ર થી સમજાય દુનિયાનું અસ્તિત્વ ન હોઈ શકે,દુનિયામાં કોઈ જીવ પ્રેમ વીના રહી ન શકે. પ્રેમ છે તો મનુષ્ય જીવન,આ સંસાર સાથે રહેવા માટે સંભવ બન્યો. પ્રેમ વીના મનુષ્ય જીવનની કલ્પના ન કરી શકાય. પ્રેમ છે તો દુનિયા સંભવ છે,તેના વીના જીવન નીરસ અને બેજાન લાગે. એક જ ઘરમાં, પતિ-પત્ની, સંતાન સાથે રહી શકે છે, કેમકે બધા પ્રેમ બંધન થી બંધાયેલ હોવાથી પ્રેમ રૂપી સાંકળ થી બંધાયેલ, તેમને એક બીજા સાથે જકડી રાખે છે, આ પ્રેમ રૂપી સાંકળ બહુજ મજબુત હોવાથી એકબીજા સાથે મજબુત રીતે બંધાયેલ એક બીજા વીના રહી ન શકે.મનના ભાવો અને લાલસા ને કારણે લડાઈ ઝઘડો ચાલતો હોય,એક બીજા સાથે વેર-ઝેર હોય, રાગ-દ્વેષ હોય પરંતું, પરમાત્માની અસીમ કૃપાને લીધે,પ્રેમ સ્વરૂપ આત્મા આ દેહની સાથે રહેલો છે.આપણો આત્મા પ્રેમ સ્વરૂપ હોવાથી, દરેક મનુષ્યના રહ્રયમાં એક અતિ આવશ્યક,અણમોલ પ્રેમ મુકાયો અને તેના કારણે જ દુનિયા ટકી રહી છે.પ્રેમ એવો છે જે એક બીજા માણસને એક સાથે જકડી રાખે,જ્યાં પ્રેમ હોય ત્યાં લડાઈ ઝઘડો ઓછો હોય. અત્યારના સમયમાં જ્યારે ઈર્ષા,રાગ-દ્વેષ વધી ગયાં છે,પાપ વધી ગયું છે, છતાં પણ પુરી દુનિયા પ્રેમને લીધે જ ટકી રહી છે.પ્રેમ ના હોય તો દુનિયા ક્યારની ખતમ થઈ જાય.
પ્રેમ ના સ્વરૂપ અલગ અલગ હોવાથી, પ્રેમને તેના સ્વરૂપના આધારે જુદા-જુદા નામ આપ્યા. અને આ નામને લીધે પ્રેમ નુ સ્વરૂપ, ભાવ સમજી શકીએ છીએ. પ્રેમ-પ્યાર-પ્રીત-મમતા-વાત્સલ્ય,વહાલ,હેત, એમ જુદા જુદા નામે જાણીએ છીએ.અને અનુભવ પણ થાય.
એક માતા તેના સંતાનો માટે પોતાનો પુરો પ્યાર, મમતા અને વાત્સલ્ય ની વર્ષા કરીને સંતાન પર ન્યોછાવર કરી દે છે.માતા બાળકને હેતથી ઉઠાડી, નવડાવે,તૈયાર કરી હસી હસીને ઓવારણાં લે, વહાલી મોઢામાં કોળી યા મૂકે. તો વહાલથી હાલરડું ગાઇને સુવાડે.તેના મનના આ બધા ભાવો પ્રેમ રૂપે પ્રગટ થાય, માતાનો આ પ્રેમભાવ આપણે જોઈ શકીએ. અને સંતાન પણ તેને મહેસૂસ કરે, અનુભવીને માણી શકે.સંતાન મોટા થાય તો પણ તેનો બાળકો પ્રત્યેના પ્યારમાં કોઈ કમી નથી આવતી.તેને મન તેનુ સંતાન કોઈ પણ ઉંમરે તેને તે બાળક જ દેખાય.બસ ખાલી પ્યાર પ્રગટ કરવાની રીત બદલાઈ જાય.માતા પોતાના સંતાન ને ઉમર ભર નિસ્વાર્થ પ્રેમ કરે છે.પરમાત્માએ માતાને તેના સંતાનો માટે અતિ કોમળ અને પ્રેમ-મમતા-વાત્સલ્યથી ભરપૂર દિલ આપ્યું, તેને લીધે જ મા, તેના સંતાન ને અતિશય પ્રેમ કરે છે.માતાનું મન, આ પ્રેમ રૂપી આયનામાં સ્પષ્ટ નજર આવે.દરેક વ્યક્તિનું બીજા તરફનું વલણ, વ્યવહાર, તે તેના મનનો અરીસો છે,વ્યવહારથી જ મનની સ્થિતી સમજમાં આવી જાય.માતા તેના સંતાનો માટે પ્રેમ ન્યોછાવર કરે તો પિતા પણ તેના સંતાનો માટે એટલો જ પ્રેમ ન્યોછાવર કરે છે પરંતું પ્રેમ રજુ કરવા માટે વાત્સલ્ય ની રીત અલગ હોય છે.પિતા પણ તેના સંતાનો ને માતા જેટલો જ પ્રેમ કરે છતાં પણ માતા-પિતા બંનેની, બાળકોને પ્રેમ કરવાની રીત અલગ અલગ છે. પોતાના સંતાનો માટે માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય, એટલા માટેજ માતાનો પ્રેમ ઉચ્ચ કોટી નો શ્રેષ્ઠ ગણ્યો છે,તેને કારણ માતા ભગવાન નો દરજ્જો પામી. પિતા વાત્સલ્ય પ્રેમથી પરિવારનો ભાર માથે ઉપાડી અને દરેકની જરૂરિયાત પુરી પાડે.પ્રેમથી પોતાની જવાબદારી અને કર્તવ્ય નિભાવે છે.
ભાઈ- બહેનનો પ્રેમ પણ નિસ્વાર્થ અને ઘેરો હોય છે એક બહેન ભાઈ ના હાથે રક્ષા દોરી બાંધી ને ભાઈની સલામતી અને તેના સુખી દીર્ઘાયુષ્ય જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.ભાઈ બહેનનો એક બીજા માટે નિસ્વાર્થ પ્રેમ હોય છે.ભાઈ પણ બહેનની રક્ષા અને તેના સુખ-દુખ માં સાથ આપવા માટે હમેશાં તત્પર રહે, તૈયાર હોય.ભાઈ પિતાની ગરજ સારે છે.પુરી જીંદગી બહેનની કાળજી કરીને બહેન તરફ, ભાઈનો કર્તવ્ય ધર્મ નીભાવે છે.તેમાં તેનો પ્રેમ છુપાયેલો હોય.
સંતાન પણ માતા-પિતાની કાળજી રાખીને,સેવા કરીને, તેઓની આજ્ઞા માનીને પોતાનો પ્રેમ પ્રગટ કરે.માતા-પિતાની સેવા કરવી,કાળજી રાખવી એ મારો ધર્મ છે, મારું કર્તવ્ય છે એમ માનીને પોતાના મન વગર જે ફરજો નિભાવે જેમાં પ્રેમભાવ જરાય ન હોય તો તે વ્યર્થ છે.કર્તવ્ય નિભાવે પરંતું સાથે સાથે પ્રેમ હોવો જરૂરી છે.પ્રેમથી માતા-પિતાની સેવા કરે, આદર-સન્માન આપે,તેમની આજ્ઞાનું પાલન કરે,કાળજી રાખે,માતા-પિતાના દુખને સમજે તો સોના માં સુગંધ રૂપે તેની માતા-પિતા તરફની ફરજ, તેનો કર્તવ્ય ધર્મ દીપશે.માતા-પિતાની સેવા માટે શ્રવણ નુ શ્રેષ્ઠ ઉદાહરણ જાણીએ છીએ, જેણે આંધળા માતા-પિતાને, કાંધે કાવળમાં બેસાડી ને જાત્રા કરાવી અને જાત્રા કરાવતાં જ રસ્તામાં જ પોતાના પ્રાણ ગુમાવ્યા, અને શ્રવણ દુનિયામાં અમર થઈ ગયા. વિઠોબા જેઓ પિતાની સેવા કરતા હતા અને ત્યાં આગળ શ્રી કૃષ્ણ પધારે છે, તેમને પણ વિઠોબા એ એક ઈંટ આપીને તેની ઉપર ઉભા રહીને રાહ જોવાનું કહ્યું, જેથી પિતાની સેવામાં કોઈ ખલેલ ના પડે. આજે પણ મહારાષ્ટ્ર માં પંઢરપુરમાં શ્રી કૃષ્ણનું વિઠોબા ના નામે મંદિર છે. શ્રી રામ માતા-પિતાની આજ્ઞાને માન આપીને ૧૪ વર્ષનો વનવાસ ભોગવ્યો હતો.આ વસ્તુ બતાવે છે સંતાનોનો માતા-પિતા તરફ તેમની સેવા, તેમનું કર્તવ્ય, તેમનો ધર્મ, તેમનો પ્રેમ.સંતાન ના માતા-પિતા તરફના કર્તવ્ય અને પ્રેમ ના અનેક ઉદાહરણો અને દ્રષ્ટાંતો આપણી સમક્ષ છે.
આપણા ગ્રંથો-શાસ્ત્રો એ સંસાર ની અંદર ધર્મ વ્યવસ્થા જળ વાઈ રહે,સુખ શાંતિ બની રહે એટલા માટે માનવ જાત માટે લગ્નની વ્યવસ્થા કરી અને સદીયોથી આ પ્રથા ચાલી આવી છે અને કાયમ બની રહેલી હોવાથી ધરતી પર કોઈ પણ દેશ-પ્રદેશ હોય, કોઈ પણ જાત હોય,લગ્ન પ્રથા અપનાવી હોવાથી તે શાસ્ત્રો ના આદેશ પ્રમાણે ચાલે છે. આપણા શાસ્ત્રમાં જે સોલ સંસ્કાર બતાવ્યાં છે, તેમાં લગ્ન સંસ્કાર પણ અગત્ય નો હોવાથી તેનુ ઘણું જ મહત્વ છે. દરેક જાતિમાં લગ્ન વિધી અને લગ્નની રીત અલગ અલગ હોઈ શકે પરંતું લગ્ન સંસ્કાર આપવામાં આવે છે.સ્ત્રી અને પુરુષ લગ્ન સંસ્કાર થી પતિ-પત્ની સંબંધ તરીકે જોડાઈ ને એક થઈ જાય, અને પતિ-પત્ની તરીકે ઓળખાય છે.એક સ્ત્રી અને પુરુષ આ લગ્નગ્રંથી સંબંધ, પ્રેમથી પુરી જવાબદારીથી નિભાવવાનો હોય.પતિ-પત્ની પ્રેમથી અને એક બીજાને અનુકુળ થઈને એક બીજાને સમજીને રહે તો તેમનો ઘર સંસાર સ્વર્ગ સમાન બની રહે. તેનો એકજ ઉદેશ્ય હોય સુખી દાંપત્ય જીવન.તેઓના સંતાન જે આવનાર પેઢી છે તે પણ સમજદાર બને.જે લગ્ન જીવન છે તેમાં બંને વચ્ચે પ્રેમ બહુજ જરૂરી છે, જો પ્રેમ હોય તો બંને ના મન મળે, નહી તો મન મેળ ના પડે. પ્રેમથી જ ઘર સંસાર સુખી બને,પ્રેમ વીના તેઓ નુ જીવન નીરસ બની જાય. એક યુવતી અને યુવાન લગ્ન ગ્રંથથી જોડાય ત્યારે તેમનું એક જ લક્ષ્ય હોય લગ્ન જીવન મંગળમય હોય. જીવનમાં સુખ શાંતિ હોય.અને આ વસ્તુ એક બીજા માટે પ્રેમ, વિશ્વાસ અને સમજદારી હોય,એક બીજાને અનુરૂપ થાય તો જ સંભવ બને.લગ્ન જીવન એ વિષય ભોગ માટે નથી પરંતું વિવેક, વિનય, સમજદારી પૂર્વક પ્રેમથી જીવવાનું દાંપત્ય જીવન છે.આ જાતનું જીવન સુખી દાંપત્ય જીવન કહેવાય. આ જાતના જીવનથી જ ઘરસંસારમાં શાંતિ બની રહે છે.મનુષ્ય જીવનમાં મનની શાંતિની બહુજ જરૂર છે. અશાંત મન એ દુખ પેદા કરે,દુખી માણસ સદા ઉદાસ જ રહ્યા કરે.ઉદાસ મન કંઈ પણ કામ કરવા માટે કાબેલ ના હોય.ઉદાસી એ મનની અવસ્થા કહેવાય. બધાજ સુખ-દુખ,ખુશી, આનંદ,ઉદાસી,વગેરે ભાવો મનની અંદર જ ભરેલ છે.લગ્ન જીવનનો પુરો આધાર પણ માણસના મન ઉપર છે,જીવન સ્વર્ગ બનાવવું કે નર્ક બનાવવું તે તેના જ હાથમાં જ હોવાથી, મનને સમજ જરૂરી છે.
ઘણી વખત આપણે સાંભળીએ છીએ અને જોઈએ છીએ પતિ-પત્ની સાથે રહેતા હોય પરંતું બંને ના મનમાં, બંને ના દિલમાં એક બીજા માટે બિલકુલ પ્રેમ ન હોય છતાં પણ આખી જીંદગી નીકળી જાય અને બંને અજાણ હોય કે એક બીજા માટે પ્રેમ જેવી વસ્તુ છે જ નહી અને જીવન વીતાવી રહ્યા છે. તેઓ લગ્ન જીવન એ એક બીજાની જવાબદારી છે, સાથે રહેવું તેમનો ધર્મ છે એમ સમજીને જીવન જીવતા હોય, અને આખી જીંદગી નીકળી જાય, છતાં એક છત નીચે સાથે રહેતા હોય. અત્યારે સમય બદલાઈ ગયો છે. પ્રેમ ના હોય એક બીજાને અનુરૂપ ના હોય,અનુકુળ ના હોય તો ચાલો છુટા પડો, છુટા છેડા લઈને લગ્ન બંધન તોડી નાખો, પછીથી બંને સ્વતંત્ર, એક બીજા માં દખલગીરી નહી.પતિ-પત્નીના મન ના મળતાં હોય તો સાથે નથી રહી શકતાં.દરરોજના ઝઘડો-કંકાસ જ હોય, તેમના જીવનમાં શાંતિ ના હોય.સુખ-શાંતિ વાળા જીવન માટે બંને ના દિલમાં પ્રેમ અને બંને ના મન મેળ હોવો જરૂરી છે.
એક યુવાન અને યુવતી તેઓના પ્રેમની પરિભાષા સાવ જુદી છે. બંને ના દિલમાં એક બીજા માટે પ્રેમ હોય એટલે, ના દુનિયાની પરવા, ના પોતાની જાતની પરવા. બસ પોતાનુ ભાન ભુલીને પ્રેમ રસમાં તરબોળ તેમની મસ્તી માં હોય, એક અલગ દુનિયામાં જીવતાં હોય. એટલા માટે જ કહ્યું, પ્રેમ આંધળો છે. પ્રેમ માં એટલી બધી દિવાનગી આવી જાય, દુનિયાનું ભાન ભુલી જાય,મનની સ્થિતી પાગલ જેવી દેખાય.મન કાબુમાં ના રહે એ ઉંમર પણ એવી છે જ્યાં પ્રેમ માં કોઈ વસ્તુનું ભાન ના રહે. ઘણી વખત ઓછી સમજ અને ધીરજ ના હોય તો આ જાતનો પ્રેમ તૂટી પણ જલ્દી જાય. ત્યાં ખાલી એક બીજાનું બાહ્ય આકર્ષણ વધારે હોય.બે યુવાન હૈયું જ્યારે એક બીજાની સાવ નજીક પોતાને એક સ્વરૂપ મહેસૂસ કરે, અલગ અલગ હોવા છતાં ‘दो जीस्म एक जान’ હોવાની પ્રતિતી થાય, ત્યારે તેમના બે આત્માનુ એક સ્વરૂપ થાય અને આ સાચું પ્રેમ સ્વરુપ છે.સાચો પ્રેમ ગણાય, એક વ્યક્તિના આત્મા સામેની વ્યક્તિના આત્મા સુધી પહોંચે અને એકજ સ્વરૂપ અનુભવે ત્યારે જ તે સાચો પ્રેમ અને શ્રેષ્ઠ પ્રેમ ગણ્ય છે. જ્યાં નથી કોઈ સ્વાર્થ,લાલચ, નથી કોઈ શરત, એક બીજા માટે ફક્ત પ્રેમ-પ્રેમ-પ્રેમ ! અને જરૂર પડે તો પોતાનો જીવ પણ અર્પણ કરવા માટે તૈયાર થઈ જાય. ઘણા પ્રેમી યુગલ એ ઇતિહાસ રચ્યા અને દુનિયામાં મશહુર થઈ ગયા. આજે પણ જ્યારે સાચા પ્રેમની વાત થાય, લયલા-મજનૂ અને હિર-રાંઝાના નામ ચોક્કસ યાદ આવે.પ્રેમ માં મનની અંદર પ્રિય જનનો વિયોગ અને તડપ બંને હોય.દિલમાં વેદના ભરેલી હોય.પ્રિય વ્યક્તિ દુર હોય ત્યારે તેની યાદ સતાવશે, કોઈ જગ્યાએ દિલ લાગે નહી, કોઈ પણ વસ્તુમાં મન લાગે નહી,કંઈ સારુ ન લાગે ત્યારે તે વ્યક્તિ માટે જેને પ્રેમ કર્યો હોય તેના માટે મનમાં જે દુખ થાય તે તડપ અને વિરહની વેદના છે.મનની વિરહ વેદના કઠીન દુખ દાયક હોય છે.પ્રેમી પંખીડાં બોલતાં સાંભળ્યા છે હું તારા વીના જીવી નહી શકું તારા વીના હું મરી જઈશ પરંતું મૂઆ પાછળ જતું આજ સુધી કોઈને જોયું નથી.
બે મિત્રો વચ્ચે મિત્રતા હોય તો તેઓ પ્રેમથી નિભાવે,સાચો પ્રેમ હોવાથી,મનથી સાચા દિલથી દોસ્તી નિભાવે. આમ બે મિત્રો બે સહેલીયોમાં પણ પ્રેમની ગાઢ આત્મીયતા હોય.અને ઉમર ભર તેમની દોસ્તી ટકી રહે છે. મિત્રતા વચ્ચે પણ પ્રેમ સંબંધ જ હોવાથી મિત્રો પણ મિત્ર રૂપી પ્રેમબંધનથી બંધાયેલ કહેવાય. સુદામાનો અને શ્રી કૃષ્ણ નુ ઉદાહરણ એક સજોડ અને અવિસ્મરણીય મિત્રતાનું ઉદાહરણ છે.
એક અતિશય ઉચ્ચ કોટી નો શુધ્ધ પવિત્ર પ્રેમ તે રાધા-કૃષ્ણનો પ્રેમ, જ્યાં ફક્ત આત્મા અને પરમાત્મા. આત્મા-પરમાત્માનું મિલન. ત્યાં પ્રેમ સીવાય બીજું કંઈ નથી.શ્રી કૃષ્ણ અને ગોપીઓનો પ્રેમ શુધ્ધ-પવિત્ર ઘણો ઉચ્ચ કોટી નો હતો. સાચા ભક્ત અને ભગવાન નો પ્રેમ ઊંચો હોય.જગજીતસિંહના એક ભજન ના શબ્દો છે,
‘सबसे उची प्रेम सगाई…
दुरियोधनके मेवा त्यागे, साग वीदुर घर खाई
जुठे फल शबरीके खाये, बहु विधी प्रेम लगाई
प्रेमके बस अर्जुन रथ हांक्यो, भुल गये ठकुराई
ऐसी प्रीत बढी वृंदावनमे, गोपीयन नाच नचाई
सूर तृर ईस लायक नाही, कहन के करे बडाई
सबसे उंची प्रेम सगाई …….’
તેમાં ભક્ત અને ભગવાનના પ્રેમ સંબંધનું વર્ણન કર્યું છે. દુનિયામાં ગમે તેટલા બંધન હોય તેમાં પ્રેમ બંધન એ સુંદર અને ઊંચુ માનવા માં આવે છે.એક બાજુ મનના અનેક ભાવો અને વિકારો છે, તે સર્વે પ્રેમ આગળ જાંખા પડે. પ્રેમની સામે તે વિકારો ની કોઈ કિંમત નથી. તે બધાથી પ્રેમ સર્વોત્તમ ગણાય.પ્રેમ ઈશ્વર સમાન છે એટલે ઈશ્વર સત્ય છે તો પ્રેમ સત્ય છે.પ્રેમથી જ જીવન અને આ સંસાર શક્ય બન્યા છે.સમગ્ર સૃષ્ટિમાં દરેક જીવ-પ્રાણી માત્ર પ્રેમને આધારે જીવે છે.
કોઈ વ્યક્તિ આધ્યાત્મિક ભક્તિ માર્ગ પર હોય ત્યારે, પરમાત્માની ભક્તિમાં,ભક્તિ રસમાં પરમાત્મા ના પ્રેમ માં જ્યારે પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે માણસ પાગલ જેવું જ થઈ જાય.તે વ્યક્તિના મનની સ્થિતી પાગલ જેવી દેખાય. ભક્તમીંરાબાઈ કૃષ્ણ ભક્તિ અને તેમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો, કૃષ્ણ પ્રેમ માં,પ્રેમરસ માં તરબોળ મીંરા તેમની મનસ્થિતિ પાગલ જીવી દેખાતી હતી.અને લોકો તેમને મીંરા પ્રેમ દિવાની,પાગલ એમ કહીને બોલાવતાં.પ્રેમ માં આંધળા થવાય તો પ્રેમ માં પાગલ પણ બને.પાગલપણ એ મનની સ્થિતી છે.મન સુજ બુજ ખોઈ બેસે છે.પરમાત્મા માટે ભક્તની ભક્તિ અને ભક્તનો પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે બધી હરકત એવી થતી હોય જ્યાં મનની સ્થિતી પાગલ જેવી દેખાય.ખરેખર એ વ્યક્તિ પાગલ નથી, ભાન ભુલ્યુ છે એટલે પાગલ જેવું દેખાય. ભક્તિની દિવાનગી વધી તેને લીધે એવું દેખાય છે. મન સતત ભગાવનમાં રાચતું હોય, ભગવાન સીવાય બીજું કંઈ પણ ન દેખાય,મનની અંદર એક ઈશ્વર સીવાય બીજા કોઈના વિચાર ન આવે.ભક્ત અને ભગવાનના શ્રેષ્ઠ પ્રેમબંધનના ઉદાહરણો છે,
મીંરાબાઈ, નરસિંહ મહેતા, ધ્રુવ, પ્રહલાદ અને બીજા અનેક સાચા ભક્તો જેમની ભક્તિ અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. અને પરમાત્મા ના પરમધામ ને પામ્યા હતા.
દુનિયામાં એક ઘરના બધા સદસ્ય સાથે રહી શકે છે, સગાં, પરિવાર, મિત્રો,પડોશી,સમાજ, એક બીજા સાથે સતત જોડાયેલા હોય છે. કઈ વસ્તુ બધાને એકત્ર કરીને રાખે છે ?કયું બંધન એકબીજાને બાંધી રાખે છે?આપણે માનીએ કે ન માનીએ કંઈ કોઈ જગ્યાએ ઘણી વખત બધા વચ્ચે પ્રેમ બંધન છે, તો ઘણી વખત સ્વાર્થ પણ હોઈ શકે, તો કંઈક પામવા ની લાલસા પણ હોઈ શકે. ઘણી વખત આમાં નુ કંઈ પણ ના હોય નિસ્વાર્થ સંબંધો પણ લોકો નિભાવ તા હોય.જીવન જીવતાં મિત્રો, પડોશી, સગાંસંબંધી, સમાજ બધાની જરૂર છે.આ બધા વીના પણ જીવન ઘણી વખત નીરસ લાગે,જીવનમાં ઘણા બધા કાર્ય એવા છે જેમાં આ બધાની જ જરૂર પડતી હોય. સમાજની રચના એવી છે, જ્યાં જીવન આ રીતે જ જીવાય.આ સંબંધો પ્રેમથી નિભાવાય અથવા મનથી કે ક મનથી નિભાવાય.
આપણા શાસ્ત્રો એ તો દરેક જીવ પ્રાણી માત્ર પર પ્રેમ અને દયા રાખવાની કહ્યું છે. દરેક જીવમાં ઈશ્વર છે. એટલે જ્યારે દરેકમાં ઈશ્વરના દર્શન થાય તો જ ઈશ્વર પ્રત્યે આપણી સાચી ભક્તિ અને પ્રેમ છે એમ જણાય. પશ્ચિમી દેશોમાં લોકો પોતાના સંતાન કરતાં પણ વધારે કાળજી અને પ્રેમ પ્રાણીઓને કરે છે.એટલે જ ઘરની અંદર કુતરાં, બિલાડી, જાત જાતના પશુ પક્ષી અને જીવ જંતુ રાખતા હોય છે. ખબર નથી આ પ્રેમ છે, કે પછી એક શોખ છે.
જ્યારે દિલમાં પ્રેમ હોય ત્યારે પુરી દુનિયા આનંદ મય લાગે. મન હમેશાં ખુશી આનંદ માં રહે, મનને એક અલગ જ રોમાંચ નો અનુભવ થાય.કોઈના પણ માટે દિલમાં પ્રેમભાવ હોય તે મનના હકારાત્મક વિચારો છે. આ વિચારો પવિત્ર પણ ગણાય કેમકે સાચો પ્રેમ હોય ત્યાં આગળ મનમાં કોઈ પણ ખોટા વિકારો હોતા નથી. ત્યાં મનમાં શુધ્ધ પ્રેમ સીવાય બીજું કંઈ હોતુ નથી.શુધ્ધ પ્રેમ એ પવિત્ર અને ઉચ્ચ કોટી નો પ્રેમ છે. શુધ્ધ પ્રેમ હોય ત્યાં આગળ લડાઈ-ઝઘડો ઓછા હોય.શુધ્ધ પ્રેમ એ મનની એવી અવસ્થા છે જ્યાં મન ખુશી આનંદ અને શાંતિનો અનુભવ કરે છે.જ્યાં પ્રેમ નથી ત્યાં જીવન નીરસ થઈ જાય. જીવન જીવવા માટે પ્રેમ જરૂરી છે.પ્રેમને આધારે જ માણસ જીવી શકે છે. નાના બાળકથી માંડીને વૃદ્ધ દરેક પ્રેમ ઝંખે છે.પ્રેમ એ આત્માનુ સ્વરૂપ હોવાથી જ પ્રેમ પવિત્ર ગણાય. બધાજ વિકારો અને નકારાત્મક ભાવો મનમાં ભરેલ છે.પરંતું મનુષ્ય દેહમાં પરમાત્મા આત્મા રૂપે બિરાજમાન હોવાથી દિલની અંદર પ્રેમભાવ ઉદભવ થાય છે. તેને કારણે જ આ જીવન જીવવા માટે શક્ય બન્યુ. કોઈ પણ સમસ્યા હોય તેનુ સમાધાન જો ગુસ્સાથી અને ક્રોધથી કરવામાં આવે તો તેનો ઉકેલ ક્યારેય ન આવે,પરંતું પ્રેમથી સમાધાન કરવામાં આવે તો તેનો ઉકેલ શાંતિ પૂર્વક જલ્દી આવે.
સમગ્ર સંસારમાં ઈશ્વરે પ્રેમ રૂપી ગંગા વહેતી મુકી છે, તેમાંથી એક અંજલિ ભરીને પ્રેમરસ પીવાની જરૂર છે.પ્રેમરસ ચાખીએ તો સંસાર મીઠો લાગે. પ્રેમરસ માણીએ તો જીવનમાં સુખ અને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય. ઈશ્વર કણ કણ માં વસે છે, દરેક જીવમાં ઈશ્વરનો વાસ છે. આપણને જો દરેકમાં ઈશ્વરના દર્શન થાય તો પછી આ ધરતી પર પ્રેમ સીવાય બીજી કોઈ વસ્તુ છે જ નહી.પરંતું આપણી પાસે પ્રેમ દ્રષ્ટિ નથી તેને કારણ ક્યાંય પ્રેમ નજર નથી આવતો. આખી દુનિયા ખરાબ દેખાય છે. કારણ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ !
કણ કણ માં ઈશ્વરનો વાસ હોવાથી ,જ્યાં ઈશ્વર છે ત્યાં પ્રેમ છે અને પ્રેમને લીધે જ આ દુનિયા ટકી રહી છે.
પ્રેમ છે તો, સમગ્ર સંસાર છે.

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

1 Response to પ્રેમ

 1. Devji parshottam poriya ( RAJU) કહે છે:

  Hemaben tamne pranam.
  Khubaj sundar chintan che.
  Sundar vichar che.
  Sacho prem jivan ne sarthak kare che.
  Niswarth prem ej parmatma nu prtibimb che.
  Pavitra ane nirmal prem ej parmdham ma paramatma ma samarpit karave che
  JAY shree krishna.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s