શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણએ આપણને ઉપદેશ આપીને, જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો. આ માર્ગ દ્વારા આપણે પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ.માર્ગ કઠીન છે પરંતુ આપણા મનની અંદર શ્રધ્ધા, ઈશ્વર પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા અને લગન હોય તો મુશ્કેલ પણ નથી. શ્રીકૃષ્ણ ના મુખમાંથી નીકળેલું એક એક શબ્દ અણમોલ છે, માર્ગદર્શન કરીને શ્રેષ્ઠ રાહ પર લઈ જાય છે.ઈશ્વરે આપણને માર્ગ બતાવ્યો તેના પર ચાલવું આપણું કર્તવ્ય છે.જેમ માતા સંતાન ને શિક્ષણ આપીને સંસ્કારો આપીને સાચી દિશા પર લઈ જાય તેમ ઈશ્વરને પણ તેમના સંતાનો ની ચિંતા છે એટલા માટે જ આપણને શાસ્ત્રો ના ઉપદેશ દ્વારા માર્ગ બતાવ્યો છે.ઉપદેશમાં જે જ્ઞાન છે તે સમજવા ની જરૂર છે. આ જ્ઞાન સમજાય તો માર્ગ કઠીન નથી.
ગીતામાં અઢાર અધ્યાયમાં ત્રણ પ્રકારના યોગ બતાવ્યાં છે,
(૧) કર્મયોગ (૨) ભક્તિયોગ (૩) જ્ઞાનયોગ.
ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ નો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે.જો તેનુ અધ્યયન અને મનન કરીને સમજીને જીવનમાં ઉતારવા માં આવે તો આપણું જીવન સુંદર ઉચ્ચ કોટીનું બની જાય.આ મૃત્યુ લોક માં જ સ્વર્ગનો સુખદ અનુભવ થાય, જીવનમાં ગમે તેવી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં, તેનો સામનો કરવાનુ મનોબળ અને આત્મબળ મળે. આપણો આત્મવિશ્વાસ ક્યારેય નહી ડગશે.
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય-(૧૦) (પરમેશ્વર ની) વિભૂતિ યોગ, શ્લોક -૨૨
“वेदानां सामवेदोअस्मि, देवानामस्मि वासवः
ईन्द्रियाणां मनश्चास्मि, भूतानामस्मि चेतना”
અર્થાત – વેદોમાં સામવેદ હું છું, દેવો માં ઈન્દ્ર હું છું,
ઈન્દ્રિયોમાં મન હું છું, અને પ્રાણીઓમાં ચેતન હું છું.
આપણું અંતઃકરણ, મન, બુધ્ધિ, ચિત્ત, અહંકાર એક બીજા સાથે ઓતપ્રોત થયેલા છે. તેને મન કહો, હૈયું કહો, હ્રદય કહો, અંતઃકરણ કહો એક જ સ્વરૂપ છે, જેમાં ઈશ્વર બેઠેલાં હોય છતાં પણ જ્યારે ખરાબ કાર્ય કરીએ ત્યારે જરાય વિચાર નથી આવતો.જ્યાં ઈશ્વરનો નિવાસ હોય તે જગ્યા નિર્વિકાર અને નિષ્કામ શુધ્ધ હોવી જરૂરી છે, તેનો ક્યારે વિચાર નથી આવતો.
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય –(૧૫) પુરુષોત્તમ યોગ, શ્લોક- ૮
“शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः
गृहीत्वैतानि संयाति वायुर्गंधानिवाशयात”
અર્થાત – જ્યારે જીવ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે ત્યારે, વાયુ જેમ આજુબાજુના પદાર્થો ની ગંધ લઈને આગળ જાય છે, તેમ શરીર છોડીને તેની વાસના ઓ મન અને ઇન્દ્રિયોને સાથે લઈને બીજા શરીરમાં જાય છે.
જ્યારે કોઈ પણ માણસનું મૃત્યુ થાય, કોઈ પણ જીવ હોય, પશુ-પક્ષી, કોઈ પણ યોનિ હોય, મૃત્યુ થાય ત્યારે તેના આત્માની સાથે તેનુ મન અને ઇન્દ્રિયોને સાથે લઈને જાય છે, જ્યારે બીજુ શરીર પ્રાપ્ત કરે ત્યારે તેની સાથે આત્મા, મન, ઈન્દ્રિયો હોય, અને આ બધાની સાથે જ બીજુ નવુ શરીર પામે છે. બીજું શરીર પ્રાપ્ત થતાં તેના આગલા જન્મોનુ વિસ્મરણ થઈ જાય છે, આગલા જનમની એક પણ વસ્તુ યાદ નથી રહેતી.પરંતુ તેના મન, ઈન્દ્રિયો અને તેના કર્મો પણ સાથે લઈને આવે છે.એટલે, કર્મો તેને સુખ અને દુખ આપીને તેના કર્મો ની પ્રતિતી કરાવે છે. હવે આપણને સમજાય છે કે સ્થુલ શરીરને મૃત્યુ છે, નાશ પામે છે. પરંતુ શુક્ષ્મ શરીર જેમાં આત્મા વસે છે તેનો નાશ નથી થતો.શુક્ષ્મ શરીર સાથે જોડાયેલા, આત્મા, મન અને ઈન્દ્રિયો બીજા જન્મમાં નવા શરીરમાં સાથે જ પ્રવેશ કરે છે. આત્મા- અનંત, અવિનાશી, શક્તિશાળી, ગતિશીલ છે. પરંતુ મન તેની સાથે જ જોડાયેલું છે એટલે મન પોતાને શક્તિશાળી માને છે.
આપણે જે પણ કર્મ કરીએ તેની સાથે મન જોડાએલું છે.મનની આસક્તિ અને લાલસા ને લીધે જ દરેક કર્મો થાય છે અને જીવનમાં સુખ-દુખ મળે છે. આ સંસારમાં આપણે ઘણી વખત જોઈએ છીએ, સાદા સીધા માણસો હોય, મન સાફ હોય તો પણ તેઓ ઘણા જ દુખમાં જીવન વ્યતીત કરતા હોય છે અને બીજી તરફ ઘણા માણસો સ્વભાવે ખરાબ હોય, ખરાબ કર્મો કરતા હોય છતાં પણ એ લોકો ઘણા જ સુખી હોય, સુખી દેખાય, એકદમ સુખ વૈભવશાળી જીંદગી ભોગવતા હોય ત્યારે અવશ્ય મનમાં સવાલ ઊઠે, આ માણસ કેટલો ખરાબ છે, છતાં આટલો સુખી કેમ? ઉપરનો શ્લોક જોઈએ તો જો તેનુ મન ખરાબ છે તો ગયા જનમ માં પણ તેનુ મન ખરાબ હતું અને ખરાબ કર્મો કર્યા જ હશે તો પછી આ જનમ માં આટલું સુખ કેવી રીતે ભોગવી રહ્યો છે? તેનુ મન ગત જન્મમાં ખરાબ હતું તો આ એજ મન છે. દરેક કર્મો મનને આધીન થાય છે.જો મન દરેક જન્મમાં સાથે ફરતું હોય, અને તેના સ્વભાવ પ્રમાણે તે ઇન્દ્રિયોને હાંકશે, અને કર્મો કરાવે. તો સારા માણસો સારા જ કર્મો કરશે અને ખરાબ માણસો ખરાબ કરવાના છે, છતાં સારા માણસો દુખી અને ખરાબ માણસો સુખી કેમ? આ પ્રશ્ન જરૂર દરેકને થાય.છતાં પણ જો ગીતાના દરેક શ્લોક ધ્યાનથી વાંચીને સમજીએ તો તેનો ઉત્તર આપણને ચોક્કસ મળે.આપણા બધા જ સવાલો નો જવાબ અને બધી શંકાનું સમાધાન ગીતામાં રહેલું છે, તેને સમજવાની જરૂર છે.
આપણું જીવન એવું છે, કોઈ ક્રિયા (કર્મ) કર્યા વીના આપણે એક મિનિટ બેસી ન શકીએ. રોજની દિનચર્યા હોય ધારો કે ઊઠીને બ્રશ કરીને મોં ધોયુ એટલે આપણા દાંત અને મોં સાફ થઈ ગયા. સ્નાન કર્યું એટલે શરીર ચોખ્ખું થઈ ગયું. આ કર્મો તરતજ તેનુ ફળ આપે.આ બધા ક્રિયા કર્મો છે. ક્રિયા કર્મો એવા હોય તેનુ તરતજ ફળ મળે. અને આ ક્રિયા કર્મથી કોઈ પાપ પુણ્ય નથી ગણાતા, કેમકે તે અનિવાર્ય છે અને તેને લીધે આપણે કર્મ બંધનમાં નથી બંધાતા.જ્યારે સંચિત કર્મોનું ફળ તરત જ નથી મળતું. કર્મ જ્યારે પાકે તેનો સમય આવે ત્યારે ફળ આપે. સંચિત કર્મો પ્રારબ્ધ બનીને જીવનમાં આવે અને તેનો સમય આવે તેમ ફળ સ્વરૂપે સુખ-દુખ આપે.સારા ખોટા દરેક કર્મનું ફળ તો અવશ્ય મળે છે, દરેક વ્યક્તિએ તે કર્મ તેનો સમય આવે ત્યારે ભોગવવા જ પડે છે.
દરેક માણસનું મન એક સરખું ન હોય છતાં પણ દરેક વ્યક્તિ હાલત અને સમયને અનુલક્ષીને કામ કરે, ઘણી વખત જીવનમાં એવી પરિસ્થિતી ઊભી થાય ત્યારે, સાફ મન વાળી વ્યક્તિ તે વખત ની પરિસ્થિતિને આધારે મજબૂરીમાં કોઈ અનુચિત કામ કરી બેસે. તે વ્યક્તિનું મન કાયમ માટે સાફ હોય, પરંતું તેનો સમય સારો ના હોય તો, એટલા સમય માટે તેનુ મન ચલિત થાય અને તે મજબૂરીમાં ન કરવાનુ કામ કરી બેસે, અને કર્મ બંધનમાં બંધાઈ જાય, તેને આજે નહી તો કોઈ પણ જન્મમાં આ કર્મો તો ભોગવવાના છે.સારા અને ખરાબ દરેક,માણસોને તેમના સંચિત કર્મો પાક્યા અને પ્રારબ્ધ રૂપે તે ભોગવી રહ્યા છે. આપણને આ નિયમ સમજાતો નથી અને સુખ-દુખ માટે પ્રશ્ન થાય છે.પરંતુ દરેક વ્યક્તિ આગલા જન્મના વિસ્મરણ ને લીધે વ્યથિત થઈ જાય છે.પોતાની જાતને સવાલ કરે હે પ્રભુ મેં આ જન્મમાં કોઈ ખરાબ કામ નથી કર્યાં તો આ કયા જન્મના કર્મો ભોગવી રહ્યો છું?
જ્યારે બીજી તરફ ગમે તેટલો ખરાબ માણસ હોય તેણે જાણે અજાણે કોઈ સારા કામ કર્યા હોય અને તે પણ કર્મ બંધનમાં બંધાઈ જાય, તેને તેનુ સારું ફળ મળે.અને સુખ કોઈ પણ જન્મમાં ભોગવે છે.સારા અને ખરાબ દરેક કર્મોનું ફળ અવશ્ય મળે, તે પ્રારબ્ધ બનીને જીવનમાં આવીને ઉભાં રહે, તેને ભોગવવા પણ પડે. દરેક મનુષ્ય જાણે અજાણે સારા- ખોટા કામ કરતા જ હોય છે.મનુષ્યના કર્મો, એક જન્મના નથી હોતા. જન્મો-જન્મના અગણિત ભેગા થયેલા હોય છે. એટલે આ જન્મમાં આપણે જે ભોગવી રહ્યા છીએ તે કયા જન્મ નુ છે તે આપણને પણ ખબર નથી. અને વ્યાકુળ થઈ જઈએ છીએ.
આમ જોઈએ તો જીવનમાં કોઈ સુખ-દુખ જેવું છે જ નહીં. આપણી સામે જે પરિસ્થિતિ આવે જો તેમાં મન ખુશ હોય, એ પરિસ્થિતિ મનને ફાવે તો મનને માટે એ સુખ છે.અને એ પરિસ્થિતિ મનને ન ફાવે, અકળાઈ ઊઠે, તો તેને માટે એ દુખ. એટલે સુખ અને દુખ એ તો મનના ખેલ છે.સુખ અને દુખ એ મનસ્થિતિ, મનની અવસ્થા છે, આત્માને તો કોઈ દુખ જેવી વસ્તુ જ નથી, તે સુખ-દુખથી પર છે, તે હમેશાં આનંદ મય, પ્રેમ સ્વરૂપ, ચેતનમય, આત્માનુ સ્વરૂપ છે ‘સત્ત-ચિત્ત-આનંદ’. મનુષ્ય દેહમાં, તેના જીવનમાં આત્મા સર્વસ્વ હોવા છતાં પણ મન પોતાને સર્વસ્વ માને છે, મન જડ, મુઢ છે અને તેની મુઢતાને કારણ તે મનુષ્યના જીવન ઉપર તેનુ રાજ કરે છે. દરેક માણસ સારી રીતે જાણે છે પાપ પુણ્ય કયાં કાર્યો કરવાથી મળે,પાપ-પુણ્ય ક્યાં સમાયેલાં છે, જાણવા છતાં પણ ન કરવાના કામો કરે અને લાલસા ને વશ થઈ તે કામ કરે.એ જાણે છે,તે જે કરે છે તે પાપ કર્મ છે.છતાં પણ તેને તે પાપ નથી માનતો,તેને તેમાં પાપ નથી દેખાતું. કેમ કે અહિયાં તેનો સ્વાર્થ સમાએલો છે. સ્વાર્થી માણસ લાલચ માં આંધળું થઈ જાય છે.વિચારે છે કર્મો ભોગવવા પડશે, આવતો ભવ કોણે જોયો છે, અને ત્યારે મને આ બધું થોડું યાદ રહેવાનું છે? હું માણસ જ બનીશ એની શું ખાતરી? ભગવાન મને કોઈ પણ યોનીમાં મુકી શકે.અને આવતી કાલ નુ વિચારી ને આજે શું કામ દુખી થવું? આજ ને તો સુખે થી માણી લઇએ, આવતી કાલ જોઈ લઈ શું, આવતી કાલ કોણે દીઠી? ભવિષ્યનું વિચારી ને આજે શું કામ દુખી થવું? આવા માણસો આજ માં જ જીવતા હોય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુમાં મન આસક્ત બને.ત્યારે આસક્તિ ને લીધે મનની અંદર તેને માટે લોભ-મોહ અને લાલસા જાગે છે.આ લાલસા ને લીધે માણસ સારા ખોટા કર્મો કરે જાય છે.દરેક માણસ, રજસ-તમસ-સત્વ આ ત્રણ ગુણો ને આધીન તેના મનમાં જુદા જુદા ભાવો અને વિકાર જાગે તેને આધારે કાર્ય કરે છે.ત્રણ ગુણ સ્વાભાવિક હોવાથી તેને આધારે માણસ કાર્ય કરે એ પણ સ્વાભાવિક છે,તેમાંથી કોઈ બાકાત ન રહે. કાર્ય કરવાની સમજ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તેને નિયંત્રણ કરવાની જરૂર છે, જો ત્રણ ગુણને બૅલેન્સ કરતાં આવડે તો પાપ કર્મો ઓછા થાય.
દરેક વ્યક્તિ ત્રણ પ્રકારે કર્મ કરે છે, વાચીક-માનસી-કાંઈક.
વાચીક કર્મ — (જે આપણી વાણી થી થાય)
ત્રણ પ્રકારની વાણી છે.
સ્થુલ શરીરને – વૈખરી વાણી. (સાંભળી શકાય)
શુક્ષ્મ શરીરને -પરા વાણી. (અવાજ કર્યા વીના બોલવું, ખાલી હોઠ ફફડે)
કારણ શરીરને – અપરા વાણી. (હોય પરંતુ ન બરાબર) કારણ શરીર એ દેહની સુષુપ્ત અવસ્થા, અજ્ઞાન અવસ્થા છે. માટે શબ્દો છે, પરંતું વાણી નથી.
કોઈ વખતે બિભત્સ શબ્દો બોલીને આપણે સામી વ્યક્તિને અપમાનિત કરીએ.તેને ગમે તેમ બોલીએ તો તેના દિલને ઠેસ પહોચ છે.તેના દિલને દુખ થાય છે. અને બીજા માટે બોલાયેલી ખરાબ વાણી પાપ કર્મ બની જાય છે.કોઈ નુ દિલ દુભાવવું એ તો બહુ મોટું પાપ કહ્યું છે.બીજાની નિંદા કરવી, અને ખાસ કરીને સાધુ-સંત અને ગુરુ ની નિંદા કરવી, તેઓના માટે ખરાબ બોલવું એ તો બહુજ મોટો અપરાધ છે. એને મોટું પાપ કહ્યું છે.તીર્થ સ્થળ માં કોઈની નિંદા કરવી એ પણ બહુ જ મોટું પાપ કહ્યું છે.આપણું ધ્યાન ન હોય પરંતું આપણે વાણી થી પણ જાણે અજાણે પાપ કર્મ કરી બેસીએ છીએ.આપણા ગુરુ, જ્યાં નિંદા ચાલતી હોય ત્યાં મૌન રહેવાની સલાહ આપે છે,બીજું કોઈ નિંદા કરતું હોય તેમાં સાથ પણ નહી આપવાનો. મૌન રહેવું અથવા એ જગ્યાએથી ચાલી જવું.નિંદા કરવી અને સાંભળવી બંને પાપ કર્મ છે.બોલનાર અપરાધી છે તો સાંભળનાર પણ એટલો જ અપરાધી છે.બંને એટલા જ પાપ કર્મના સરખા ભાગીદાર છે. એટલા માટે સાધુ-સંત, આપણને સમજાવે છે
“ऐसी वाणी बोलिए, मन का आपा खोय
औरनको शीतल करें, आपहुं शीतल होय.”
હમેશાં વાણીમાં વિવેકની જરૂર છે. વાણીમાં વિવેક અને મર્યાદા હોય તો વાણીમાં મધુરતા આવી જાય.આ વાણી અમૃત સમાન બની જાય.વાણી અમૃત ઝરણું બનીને, દરેક ના દિલને ઠંડક પહોચાડે અને સાંભળવી પણ ગમે.વાણીની મર્યાદા અને વાણીનો વિવેક એ વાણીનું તપ કહ્યું છે.વાણીનો પ્રભાવ સામેની વ્યક્તિ ઉપર પડતો હોય. આપણે જેવું બોલીયે તેના ઉપરથી આપણી બુધ્ધિ પ્રતિભા, આપણા વિચારો, આપણા સંસ્કારો સામેની વ્યક્તિ આગળ પ્રગટ થતા હોય છે.આપણી વાણી જ આપણું વ્યક્તિત્વ સામા માણસ આગળ રજુ કરી શકે છે. એટલા માટે બોલવા માં બહુજ સાવચેતી અને ધ્યાન રાખવું જોઈએ.
ઘણી વખત માણસ મનમાં પણ બોલે છે, જે બહાર કોઈ સાંભળી ન શકે.ભગવાન બુધ્ધની સભામાં હજારો માણસ બેસતા હતા. ભગવાન બુધ્ધ કંઈ બોલે નહી, મૌન થી બધાના પ્રશ્નોનુ નિરાકરણ થતું હતું.તેમાં કોઈ વાણી ન હોય. સમાધિની મૌન ભાષા જે સાધક જ સમજી શકે.
સામાન્ય માણસો માટે આ મૌન વાણી થી પણ, સારા ખોટા વિચારોનો લીધે કર્મ બંધનમાં બંધાઈ જવાય છે.મનની અંદર વિચારો દ્વારા આપણી વાણી બોલાતી હોય જે બહાર કોઈને ખબર ન પડે.પરંતુ મનની અંદર ઘણી બધી વાતો ચાલતી હોય.મનમાં જ કોઈના વખાણ કરે,તો મનમાં કોઈને ગાળો બોલતાં હોય.મનની વાણી કોઈ નુ સારું ઇચ્છે તો કોઈ નુ ખરાબ ઇચ્છે.મન જ્યારે વિચારે ત્યારે આ વિચારો ને શબ્દ તો જરૂર હોય, વાચા નથી હોતી.
અપરા વાણી તે આપણી સ્વપ્ન અવસ્થા છે જેમાં આપણી ઈન્દ્રિયો અને મન શાંત હોય.સ્વપ્ન દેખાય એટલે એ સ્વપ્નનો જે પ્રસંગ હોય તેના માટે શબ્દો હોય પરંતું તે કહેવા માટે વાણી ન હોય. કેમકે તે સુષુપ્ત અવસ્થા છે.સુષુપ્ત અવસ્થામાં આપણે તે વખતે બોલી શકતા નથી.
માનસી કર્મ —
માનસી કર્મ જે આપણે મનથી કરીએ છીએ, જે કાર્યમાં લાવ્યા નથી પરંતું જેના માટે વિચારી રહ્યા છીએ. તેના માટે તો ઘણા નો અભિપ્રાય છે, વિચારેલુ જ્યાં સુધી તેને કાર્યમાં ના લાવીએ ત્યાં સુધી તે પાપ કર્મ નથી. કેમકે તે કર્મ હજુ કર્યું નથી. તો કોઈ વળી કહે છે મનથી ખરાબ વિચાર આવે,તે કરવાની વ્યૂહરચના બનાવી એ અને પછી અમલમાં મુકવાની ઈચ્છા કરીએ, તે પણ પાપ કર્મ જ કહેવાય. એટલે ઘણા બધા લોકો ના માનસી કર્મ માટે અલગ અલગ અભિપ્રાય છે.પરંતુ વૈષ્ણવ સંપ્રદાયે તો માનસી પુજા ઉપર ભાર મૂક્યો છે. આપણી માનસી પુજા ભગવાન સ્વિકારે છે.અને માનસી પુજા ને શ્રેષ્ઠ ગણી છે.જો મનથી કરેલ સારું કર્મ સ્વીકાર્ય છે, તો મનથી કરેલ પાપ કર્મ પણ કદાચ ભગવાનના દરબારમાં, પાપ કર્મ રૂપે સ્વીકાર્ય થતું હશે. એમ હું માનું છું, આ વસ્તુમાં દરેક ના વિચાર અને માન્યતા જુદી જુદી હોઈ શકે, બે મત હોઈ શકે, દરેકનું વિચારવા નુ અલગ હોઈ શકે.આપણા શાસ્ત્રો, વેદ-વેદાંત, ઉપનિષદોએ તો આપણને માર્ગ બતાવ્યાં પરંતુ દરેક તેનુ કેવી રીતે અર્થઘટન કરે છે, અપનાવે છે, તે વ્યક્તિની સમજ અને વિચારો ઉપર આધારિત છે. આપણા જીવનમાં આપણે બધાને અનુભવ થયો હોય છે, ઘણી વખત આપણે કોઈના માટે વિચારતાં હોઇએ અને એ વ્યક્તિ નો ફોન આવે તેનો સંદેશ મળે.જે વ્યક્તિને આપણે મનથી યાદ કરતા હોઇએ અને એ વ્યક્તિ એજ સમયે આપણાથી દુર હોય તો પણ આપણા માટે વિચારે.આ ને આપણે ટેલિપથી કહીએ છીએ.આપણા મનનો વિચારવા નો પ્રભાવ કેટલો બધો પડે છે. ઈન્ગલીશ બુક ‘The Secret’ માં લખ્યું છે, આપણે જે વિચારીએ તે વિચારો ને, યુનિવર્સ ડબલ ફોર્સમાં આપણા જીવનમાં પાછા મોકલે છે. એટલે એનો અર્થ એટલો જ છે જેવું વિચારીયે તેવુ તેનુ પરિણામ આવે.ભગવાન ને મનથી કરેલ પ્રાર્થનામાં કેટલી બધી શક્તિ સમાએલી છે.સાચા મનથી કરેલ પ્રાર્થના પણ ઈશ્વર જરૂર સાંભળે છે.મનની અગાધ શક્તિને વાપરવાનું યોગ્ય જ્ઞાન માણસ પાસે હોવું જરૂરી છે.કોઈ પણ વસ્તુ માટે આપણે સારું વિચારી એ, હકારાત્મક વિચારો ધરાવતા હોઇએ તો બધું સારૂં જ થાય. જોઈ કોઈ વસ્તુ માટે નકારાત્મક વિચારો હોય ખોટું વિચારતાં હોય તો તેનુ પરિણામ સારું ન આવે.
મોટા ભાગના દરેક કર્મો તો મનથી જ થતા હોય છે.આપણે કોઈના માટે રાગ-દ્વેષ કરીએ છીએ તે મનથી કરીએ છીએ. કોઈને ધિક્કારીએ, કોઈની ઈર્ષા કરીએ તે મનથી જ કરીએ છીએ. આપણી દરેક કાર્યની સાથે સીધી રીતે જ મન જોડાએલું છે. પછી તે સારું કાર્ય હોય અથવા તો ખરાબ કાર્ય હોય. દરેક કાર્યમાં મનની શક્તિની જરૂર છે. મન જેમ ઇચ્છે તેમ મનની ઇચ્છાથી જ દરેક કામ થાય.મન સારા ખોટા કાર્યો કરાવે છે, મન માણસને પાપ અને પુણ્યમાં નાખી અને કર્મ બંધનમાં જકડીને, પછી પ્રારબ્ધ ને આધીન કરે છે.મન જ માનવી ને માનવ બનાવી શકે, અને દાનવ બનાવી શકે, પશુ સમાન પણ બનાવી શકે છે.મનથી તો આપણે સારા ખોટા અસંખ્ય કર્મ કરીએ છીએ જે બહાર કોઈને ખબર નથી પડતી ખાલી આપણું મન જાણતુ હોય.ઈશ્વરને પ્રેમ, સ્મરણ અને ચિંતન મનથી થાય છે.
કાઈક કર્મ —
આ કર્મ જ્યારે કરીએ ત્યારે બધા તે જાણી શકે છે અને જોઈ શકે.આ કર્મો જ બહુ મોટા છે અને આ કર્મો જ સુખ-દુખ માટે જવાબદાર છે.માણસ જ્યારે બાળપણ વીતાવીને ભણી ગણીને તૈયાર થાય, એટલે ત્યાર બાદ તેનો વિવાહ સંપન્ન થાય છે.તેની જવાબદારી વધી જાય છે.હવે તેને પોતાના પરિવાર તરફ જવાબદારી શરૂ થાય છે, તેના માટે અર્થ વ્યવસ્થા, આ માટે તો, રાત-દિવસ એક કરીને ખુબજ મહેનત કરે છે.કુટુંમ્બનુ ભરણ પોષણ ની જવાબદારી તેના માથા પર છે.વૈભવશાળી જીવન જોઈએ. સુખ-સંપત્તિ અને વૈભવશાળી જીંદગી માટે, અહિંયાથી શરુઆત થઈ જાય અનિતી અને અધર્મ.પૈસા કમાવવા માટે ગમે તેવા કામ કરવા તૈયાર થાય છે.મનની લાલચ અને લાલસા ને કોઈ અંત હો તો નથી.મન, ધન-દોલત માટે આસક્ત થાય એટલે જ મનમાં લાલચ જાગે.લાલચ માં, પૈસા ના મોહ-માયામાં માણસ આંધળું બની જાય છે. મનની અંદર,કાવા-દાવાના દાવ પેચ,જુઠ-ફરેબ-દગો કરતાં પણ નથી ખચકાતો.હવે શરૂ થાય છે,અધર્મ અને અનિતી ! અનીતિનો પૈસો ઘરમાં આવવા નો શરૂ થાય છે. પૈસા માટે કેટલા પાપ કર્મો કરવા પડે છે.માણસ બધુ જ જાણે છે, સમજે છે, છતાં પણ ખોટા કર્મો કરતાં જરાય ડર નથી લાગતો.તેને કોઈ ભય નથી. તેના મનમાં બસ પૈસા કમાવવાનો નશો રડ્યો હોય છે.મોહ ને લીધે સારુ-ખોટું વિચારવા માટે બુધ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે.પૈસા ના લોભ માં બુધ્ધિ ભ્રમિત થઈ જાય છે.મનને તો જોઈએ છે,ખુશી આનંદ! મન, ખુશી-આનંદ પૈસા માં અને વૈભવ માં શોધે છે.સાચી ખુશી ક્યાં છે? શે માં છે, તે મનને સમજાતુ નથી.
દરેક વ્યક્તિને પોતાના હાથમાં છે,પોતાનુ પ્રારબ્ધ જાતે બનાવી શકે છે.આપણા જન્મ પહેલાં તો આપણે આપણું પ્રારબ્ધ લખી દીધું હોય છે. ઈશ્વરના હાથમાં કંઈ નથી. આપણે આપણા પ્રારબ્ધ માટે વિધાત્રી ને દોષ દઈએ છીએ. વિધાત્રી શું કરે? તેમને તો ઈશ્વરે લખવા નુ કામ સોંપ્યું છે.એ તો આપણા સુખ-દુઃખની વ્યવસ્થા કરી રહ્યાં છે. ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપ્યો, કર્મ-ભક્તિ-જ્ઞાન માર્ગ બતાવ્યો જીવન સરળ બનાવીને જીવતાં શીખવાડ્યુ.ઈશ્વર આપણા કર્મનો ન્યાય કરે છે, અને ફળ આપે છે. કર્મ આપણે કરવાના છે. ફળ આપવાનું કામ ઈશ્વરના હાથમાં છે.
મનની શક્તિ એટલી બધી છે, મન ધારે તો શું ના કરી શકે? આપણા શરીરને શક્તિ અને જોમ આપવામાં પણ મનનો સાથ છે.મન ખુશ તો શરીરમાં પણ સ્ફૂર્તિ આવી જાય.મન બિમાર તો શરીર બિમાર. એટલે સૌથી પ્રથમ મનને સ્વસ્થ રહેવાની જરૂર છે.
ભક્તિ-જ્ઞાન.
ભગવાન તરફ રતી, ઈશ્વર તરફ અનુરાગ હોય તે ભક્તિ. મનના રાગ-દ્વેષ છૂટીને ઈશ્વર તરફ અનુરાગ થાય તે ભક્તિ છે. મન સતત ઈશ્વર માટે જ વિચારે, મન ઈશ્વર ચિંતન માં જ રહે. ઈશ્વર માટે પ્રેમ એ છે, ભક્તિ. જીવન ના જે મુખ્ય ચાર સ્તંભ બતાવ્યાં છે, ધર્મ-અર્થ-કામ-મોક્ષ,તેમાં મોક્ષ એ મનુષ્યનું અંતિમ ધ્યેય છે. આપણું આ ધ્યેય પરમાત્માની ભક્તિ- આરાધના અને જ્ઞાનથી સિધ્ધ કરી શકીએ.
સકામ ભક્તિ હોય તો પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી. પરંતું જ્યારે નિષ્કામ ભક્તિ કરીએ તો ઈશ્વરને તે ભક્તિ સ્વીકાર્ય છે, માન્ય છે.ભક્તિમાં આપણે ભગવાનની ઉપાસના કરીએ તેમાં પૂજા-પાઠ, આરતી, મંત્ર જાપ, મનન, ચિંતન વગેરે કરીએ છીએ, તેમાં પ્રેમ હોવો અતિ આવશ્યક ગણાય. પ્રેમ વીના ની ભક્તિ તે ખાલી એક ક્રિયા બનીને રહી જાય છે. એટલે ભક્તિમાં ભગવાન પ્રત્યે પ્રેમભાવ બહુજ જરૂરી છે.બીજું ભક્તિમાં અતિ આવશ્યક છે નિયમ,નિયમિતતા હોય તો જ ભક્તિ શક્ય છે.વિવેક અને વિનય થી જ ભક્તિ સરળ બને છે.જ્યારે સંસાર તરફ માયા ઓછી થાય ત્યારે જ ઈશ્વર તરફ પ્રેમ વધે.સંસાર ની માયામાં બંધાયેલા રહીએ તો ભક્તિ શક્ય નથી. ફરજો, પરિવાર તરફ આપણો જે કર્તવ્ય ધરમ તો નિભાવવાનો છે. સાથે સાથે નિસ્વાર્થ ભક્તિ કરવાની છે. ભક્તિમાં ભક્તનો પ્રેમ વધે તેની સાથે દિવાનગી વધી જાય છે. ભકત ઈશ્વર તરફ વધારે ને વધારે નજીક થતો જાય, ભગવાન અને ભક્ત એકરૂપ થઈ જાય છે.શ્રી કૃષ્ણએ સમજાવ્યું છે.ભક્તનું મન નિર્વિકાર,નિર્મળ સાફ હોવું જરૂરી છે.મલિન હ્રદયમાં,ભગવાન કેવી રીતે બિરાજમાન થાય ? ભગવાન ને સાફ મન ગમે છે. શ્રી કૃષ્ણએ ૧૨ મો અધ્યાય ભક્તિ યોગમાં એક સાચા ભક્તો ના લક્ષણ બતાવ્યાં છે.અત્યારે સૌ કોઈ ભક્તિ તો કરે છે. પરંતુ ભક્તિમાં કોઈને કોઈ કામના અને સ્વાર્થ છુપાયેલો હોય છે.પ્રભુ જાણે છે,ચાલો આજે સકામ ભક્તિ કરે છે આજે નહી તો કાલે નિષ્કામ ભક્તિ જરૂર કરશે.ભક્તિ માર્ગ તો પકડ્યો છે. તેનો આ જન્મમાં નહી તો બીજા જન્મમાં ઉદ્ધાર નક્કી થવાનો જ છે, કારણ તેણે સાચી રાહ પકડી છે.મારા ભક્તને હું મારી તરફ જ ખેંચીશ. હું તેનો ઉદ્ધાર ચોક્કસ કરીશ. ઈશ્વર દરેક મનુષ્યને ઓળખે છે તો ભક્ત તો તેમના ખાસ ગણાય. પરમાત્માની ભક્તિ ચાલુ કરી છે એટલે એક નહી તો બીજો જનમ, બીજો નહી તો ત્રીજો જનમ, તેને ઈશ્વર પોતાનો કરી જ લે છે. મુક્તિ અવશ્ય મળે જ. સાચા ભક્તની વાત કરીએ ત્યારે ભક્ત મીંરાબાઈ, નરસિંહ મહેતા, ધ્રુવ, પ્રહલાદ ચોક્કસ યાદ આવે. તેમને યાદ કર્યા વીના આપણે રહી ન શકીએ.તેઓની ભક્તિ, ઈશ્વર તરફ પ્રેમ ચરમ સીમાએ પહોંચ્યો હતો. અને પરમાત્માને પામ્યા હતા.
કર્મ અને ભક્તિથી મોક્ષ શક્ય છે. તો મોક્ષ માટે જ્ઞાનની પણ એટલી જ આવશ્યકતા છે. જ્ઞાન વિના ભક્તિ અધૂરી છે. ભક્તિ માર્ગમાં જ્ઞાન અતિ આવશ્યક ગણાય.ભક્તિ સાથે જો જ્ઞાન હોય તો સોના માં સુગંધ ભળી જાય. જ્યારે ભક્તને જ્ઞાનની ભૂખ જાગે ત્યારે તે ગમે ત્યાંથી ગમે તેમ કરીને જ્ઞાન પ્રાપ્ત કરી લે છે.જે જગ્યાએ જવુ છે તે રસ્તો જ ન ખબર હોય તો તે જગ્યાએ કેવી રીતે પહોંચાય? પરમાત્માની પ્રાપ્તિનું જ્ઞાન હોવું જરૂરી છે.જ્ઞાન માર્ગમાં દેહ અને આત્માનો ભેદ બતાવ્યો છે. જે સ્થુલ દેહ દેખાય છે તે સાચો નથી આત્મા જ સાચો છે. આ દેહ કર્તા-ભોક્તા છે તે મનનુ કારણ છે. આત્મા તેનો સાક્ષી માત્ર છે.પરમાત્મા અને આત્મા બે નિત્ય છે બાકી બધુ જ ખોટુ અસત્ય છે, નિત્ય નથી. આ દેહ, સૃષ્ટિ, પુરો સંસાર જે દેખાય છે તે અનિત્ય છે. કેવળ ઈશ્વર સત્ય, નિત્ય શાશ્વત છે. તેમને પામવું એજ દરેક મનુષ્યનું અંતિમ લક્ષ્ય ગણાય. તેને માટે જ પ્રયત્ન કરવાનો હોય.મનમાં અતૂટ શ્રધ્ધા હોય તો પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે. કર્મ-ભક્તિ-જ્ઞાનથી જ, મનુષ્ય આત્મા અને પરમાત્મા એક રૂપ થઈ જાય.પછીથી ન કોઈ જન્મ ન કોઈ મૃત્યુ ! આ છે આપણા દેહની જન્મ-મરણની મુક્તિ. તેને જ મોક્ષ કહ્યે છે.
-
તાજેતરની પોસ્ટ્સ
તાજેતરની ટિપ્પણીઓ
karan lumbhani પર ગીતા ઉપદેશ hemapatel પર કલ હો ના હો સુરેશ પર કલ હો ના હો geetabhatt પર મેરા ભારત મહાન. Rajul Kaushik પર ગીતા ઉપદેશ સંગ્રહ
- મે 2018
- જુલાઇ 2017
- મે 2017
- એપ્રિલ 2017
- જાન્યુઆરી 2017
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- મે 2016
- એપ્રિલ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- નવેમ્બર 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ડિસેમ્બર 2011
- જૂન 2011
- મે 2011
- જૂન 2010
- મે 2010
શ્રેણીઓ
મેટા
સરળ શૈલીમાં ગીતા ઉપદેશ વાંચવા નું ગમ્યું.
ગીતા ઉપદેશ પણ શ્રીકૃષ્ણની જેમ જ સનાતન છે. દરેક વખતે એમાંથી કોઇક સાર તો પામીએ જ છીએ.
અહીં પણ સરળ શબ્દોમાં સમજાવેલી વાત પણ હંમેશની જેમ જાણવી ગમી.
5000 વર્ષ પહેલા કહેલાં પ્રશના ના જવાબ નું નિરાકરણ આજ ના આ યુગ માં પણ સમાધાન મળે છે