( જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહી )
જ્યાં લગી આતમા-તત્વ ચીન્યો નહી, ત્યાં લગી સાધના સર્વ જૂઠી
માનુષાદેહ તારો એમ એળે ગયો, માવઠાનો જેમ વૃષ્ટિ વૂઠી.
શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી ? શું થયું ઘેર રહી દાન દીધે ?
શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે ? શું થયું વાળ લોચન કીધે ?
શું થયું તપ ને તીરથ કીધા થકી ? શું થયું માળા ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી ? શું થયું ગંગાજળ પાન કીધે ?
શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે ? શું થયું રાગ ને રંગ જાણ્યે ?
શું થયું ખટ દરશન સેવ્યા થકી ? શું થયું વરણના ભેદ આણ્યે ?
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો.
ભણે નરસૈયો કે તત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો.
ભક્તશીરોમણિ નરસિંહમહેતાની આ બીજી એક સુંદર રચના જેમાં તત્વ ચિંતનની સાથે સાથે સંસારમાં ક્રાંતિની જ્યોત પ્રગટાવી તેની જ્વાલા ફેલાવીને સંસારને માર્ગ દર્શન આપે છે. કેટલી મોટી વાત સરળ ભાષામાં સમજાવી રહ્યા છે અને તે પણ સહજતાથી.આ રચનામાં દરેક પાસા વણી લીધા છે. એક પણ વસ્તુ બાકી રાખી નથી.ભક્ત પોતે કૃષ્ણ પ્રેમમાં તરબોળ સતત ક્રિષ્ણમાં લીન એક એવી ઉચાઈએ પહોચ્યા છે જ્યાં ભક્ત-ભગવાન એકરૂપ થઈ ગયા છે, ભક્ત અને ભગવાનમાં કોઈ અંતર રહ્યું નથી.જેણે પરમતત્વની પ્રાપ્તિ કરી છે,આત્મશાક્ષાત્કાર થયો છે તે વ્યક્તિ જ આપણને સાચું જ્ઞાન, સાચો રસ્તો બતાવવા માટે કાબીલ,.શક્તિમાન છે. આત્મજ્ઞાન તો દરેક ને થાય પરંતું આત્મશાક્ષાત્કાર થવો બહુજ મહત્વનુ ગણાય.આત્માને જોઈ ન શકીએ પરંતું તેનો અહેસાસ કરવાથી અનુભવાય. જ્ઞાન દરેક પાસે છે. સંસાર કેટલા બધા જ્ઞાની પંડિતોથી ભરેલો છે પરંતું તે જ્ઞાન શું કામનુ ? જ્યારે મનના બધા વિકારો દુર થઈ મનનો મેલ દુર થાય, મનના શત્રુ નાશ પામીને મન કંચન સમાન શુધ્ધ બની જાય ત્યારે જ આત્મશાક્ષાત્કાર શક્ય છે. આ સામાન્ય માણસનુ કામ નથી. કોઈ વીરલાજ અહિંયાં સુધી પહોચી શકે અને તે પણ ઈશ્વરની કૃપા હોય તો જ થાય.નરસિંહમહેતા કોઈ સ્કુલ-કોલેજમાં ડીગ્રી લેવા માટે નથી ગયા પરંતુ તેમની પાસે પરમાત્માની કૃપાથી ઉચ્ચ કોટીનુ જ્ઞાન હતું.
ભક્તિ માર્ગ પકડ્યો હોય, પરંતું જ્યાં સુધી આપણે ‘હું’ ને પકડીને બેસી રહીએ, પંચતત્વથી બનેલ આ પંચભુત સ્થુલ શરીર જ સર્વસ્વ માનીએ ત્યારે જેમ કમોસમ માવઠાની વર્ષા થાય જે થોડીક વર્ષીને બંધ થઈ જાય એમ જ્યાં સુધી આપણે આત્માને ન ઓળખીએ બધું જ વ્યર્થ જેની કોઈ કિમંત નથી. ફક્ત આત્મા અને પરમાત્મા નીત્ય છે દુનિયામાં બધીજ વસ્તુ નાશવંત અને ક્ષણિક છે.જ્યાં સુધી આપણા આત્માને ન ઓળખીએ પોતાને સર્વસ્વ માની પૂજા-પાઠ, જપ-તપ-દાન-તિલક,તીરથ,સ્નાન વગેરે વગેરે બધું જ બહારનો ખોટો દેખાવ વ્યર્થ છે.નિસ્વાર્થ શુધ્ધ ભક્તિ અને આત્મજ્ઞાન સાથે હોય તો સોનામાં સુગંધ સમાન છે, આ બંને વસ્તુ જ આત્મશાક્ષાત્કાર કરાવે. ભક્તિના નામે ડૉર કરીને ખોટા ઢૉગ કરીને ઘણી વખત માણસો ભક્તિના ખોટા પ્રપંચ કરીને પોતાના આત્માને છેતરે છે અને પરમાત્માને પણ છેતરતાં ડરતા નથી.મનુષ્ય જન્મ એ પર્માત્માના દ્વાર ખોલવાની ચાવી છે, આપણે આ દ્વાર ખોલવાનો ક્યારેય પ્રયત્ન ન કરીએ કેમકે સંસારની માયા વળગી છે, માયાના આવરણમાં આત્માને ક્યાં ઓળખવાના છીએ. ? પરમાત્મા, આત્મા સ્વરૂપે આપણા શરીરમાં જ બિરાજ્માન છે તેને જ આપણે ઓળખી શકતા નથી. માટે તો નરસિંહમહેતા આપણને આ તત્વજ્ઞાન આપીને જગાડે છે. જ્યાં સુધી આપણા આત્માને ન ઓળખીએ ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી.નરસિંહ કહે છે જે વ્યક્તિ ભક્તિ કરે પરંતું જેને તત્વ દર્શન ન થયા તેણે અતિ કિમતી અણમોલ રત્નચિંતામણિ સમાન આ મનુષ્ય જન્મ ગુમાવ્યો છે.આ દુર્લભ મનુષ્ય જન્મ વારંવાર નથી મળતો.