ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર
આ બહુજ ઘહેરો વિષય છે, તેમાં ઉંડું તત્વચિંતન સમાયેલું છે અને તેને સમજવું આસાન કામ નથી.છતાં પણ આપણે સૌ સિનીયર માટે ઈન્ટ્રેસ્ટીંગ વિષય છે.કારણ આપણે એવા પડાવ પર આવીને ઉભા છીએ જ્યાં ચિંતનની ખુબજ જરૂર છે.દરેકે આગળનુ ભાથુ તૈયાર કરીને રાખવું પડે છે.આખી જીંદગી પરિવાર પાછળ વ્યસ્ત રહ્યા હોઈએ.,ઈશ્વર માટે બહુ સમય ન મળ્યો હોય એટલે મોટા ભાગના લોકો ઘડપણમાં ભગવાનને યાદ કરે પરંતું આ ખોટુ છે. ઈશ્વર ચિંતન માટે આપણો એક જન્મ ઓછો પડે. કેટલા જન્મોથી તેને ભજતા આવીએ ત્યારે અનેક જન્મના ઈશ્વર ચિંતન પછીથી આપણો ઉધ્ધાર થાય.જન્મ-મૃત્યુના ચક્ક્રરમાંથી નિકળવું હોય તો આ વિષયને સમજવો બહુજ જરૂર છે.
આપણે સૌ દુનિયાની પંચાત કરવામાં રચ્યા પચ્યા રહેતા હોઈએ છીએ, ક્યારેય આપણી પોતાની અંદર ઝાંખવાનો પ્રયત્ન પણ નથી કરતા. પરંતું જો એક વખત પણ આપણી જાતને સવાલ કરીએ હું કોણ છું ? તો આપણી અંદર જે છે તેની ખોજ ચાલુ થઈ જશે.ચૈતન્ય સ્વરુપને સમજવા માટે આપણી જાતને ઢંઢોરવી પડે.
( ચૈતન્ય સ્વરૂપ આત્મા અને પરર્માત્મા છે.જો ચૈતન્ય સ્વરૂપનો પુર્ણ પણે સ્વિકાર કરવામાં આવે તો જ પરમતત્વને પામી શકાય )
ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર એટલે સ્વને જાણવું, સ્વને માણવું, સ્વની સ્વભાવિક શુધ્ધ નિર્મલ દશા, સ્ફટિક જેવી સ્વચ્છ –નિર્મળ- અવિકારી સ્વરૂપનો અનુભવ કરવો. પૂર્ણ, નિત્ય,નિર્લેપ,સત-ચિત-આનંદ સ્વરૂપને સમજવું. સ્વમાં સ્થિર થઈને સ્વમાં સમાઈને નિજાનંદનો અનુભવ કરવો. હું ચૈતન્ય દ્રવ્ય સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ આત્મા મારે મારું દર્શન કરવું છે. ‘હું આત્મા છું’ એ પોતાના સ્વરૂપને અનુભવીને પૂર્ણ પણે તેના સ્વિકાર ભાવમાં રહેવું.
પુરા બ્રમ્હાંડમાં પરમાત્મા અને આત્મા બે ચૈતન્ય સ્વરૂપ છે. બાકી બધું જ એક માયા અને નાશવંત છે.પરમાત્માએ માયાથી સૃષ્ટિ ઉભી કરી, માટે આપણને જે ભાસે છે તે માયામય હોવાથી આ જગતમાં આપણી આંખોએ જે દેખાય છે તે સર્વ નાશવંત છે. જે જોઈએ છીએ તે તદન ખોટું, અસત્ય, એક ભ્રમ છે, છતાં તેની આશક્તિમાં આપણે જીવીએ છીએ.જેનો નાશ છે તે જડ ગણાય. જે વસ્તુ આપણે આપણી આંખોથી નથી જોઈ શકતા તે આપણો આત્મા અને પરમાત્મા છે. આત્મા પોતાના મૂળભુત સ્વરૂપમાં શાંત હોવાથી એ શાંતિની પ્રાપ્તિ અર્થે નિત્ય નિરંતર આત્માનુ જ ચિંતન, આ શાંત સ્વરૂપનુ ચિંતન કરીને સ્વમાં સમાઈ જઈ, સ્વમાં એકરાર થઈને જ અનુભુતિ થાય ‘ હું આત્મા છું‘. આત્માને કોઈ રૂપ નથી.આત્માની સુષુપ્તિ-સમાધી અવસ્થા ને કારણ તેની પ્રતિતી થતી નથી. અજ્ઞાનને કારણ પંચમહાભુતથી બનેલ આપણુ આ સ્થુલ શરીર તેને જ સત્ય માની લીધું છે,.અંદર બેઠેલ આત્માને આપણે ઓળખી નથી શક્યા. જે અસલ સ્વરુપ છે તેને જાણવુ, સમજવું બહુ કઠીન છે.આ નાશવંત સ્થુલ શરીરને સર્વસ્વ માનીને ભ્રમમાં જીવીએ છીએ, તેને કારણ હું સ્ત્રી છું કોઈની દિકરી, બહેન, માસી ભાભી છું એમ માનીને બેઠા.મનની અંદર જે ‘હું’ બેઠેલ છે તેને કાઢવાની જરૂર છે. અજ્ઞાન દુર થાય અને જ્ઞાન થાય ત્યારે તેનો ભ્રમ દુર થઈને હકીકતમાં તો હું આત્મા છું એમ સમજાય ત્યારે હુ આત્મા મારુ ચૈતન્ય સ્વરૂપ આ મારી પહેચાન છે.
જ્યારે સ્વની ચેતનાનો અનુભવ થાય ત્યારે આત્મશાક્ષાત્કાર થાય.શ્રવણ-મનન તથા નિદિધ્યાસાન એ ત્રણ આત્મશાક્ષાત્કાર થવાના સાધન છે.આત્મશાક્ષાત્કાર એ મોક્ષ મેળવવાનુ મુખ્ય સાધન છે.અને આ બધું શક્ય છે બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે થી વેદાંતનુ જ્ઞાન મળે ત્યારે.
‘ શ્રવણ મનન નિદિધ્યાસ કરી, કરીએ શાક્ષાત્કાર
સચ્ચિદાનંદ પરબ્રહ્મ હું , કહે છે વેદ પુકાર ‘
હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એ માનવું અને સમજવું સહેલું છે પરંતું તેની અનુભુતિ કરવી કઠીન કામ છે.તેને માટે ધ્યાન-યોગ સાધનાથી શુધ્ધાત્માનુ ચિંતનથી આપણા મનને તૈયાર કરવું પડે.જ્યારે મન માને આ સ્થુલ શરીર એ હુ નથી ‘હું આત્મા છું’.મનની અંદર અનેક તર્ક વિતર્ક હોય પરંતુ તેની નિવૃતિ થઈને મન મક્કમ થાય ત્યારે આત્મ સ્વરૂપને સમજી શકીએ. આ વસ્તુ યાજ્ઞવલક્ય ૠષિએ ઉપનિષદમાં વેદાંતની અંદર સમજાવ્યું છે. તેનો અભ્યાસ કરવામાં આવે ત્યારે આત્મા શું છે એ સરળ રીતે સમજાય. વેદાંતમાં સ્થુલ શરીર અને આત્મા વચ્ચેનો તફાવત બંને વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. માટે જ વેદાંતનો અભ્યાસ, શ્રવણ તેનુ મનન કરી જ્ઞાન પ્રાપ્ત થયા વીના આત્માને બરોબર ન ઓળખી શકીએ.આપણા ચૈતન્ય સ્વરૂપને ઓળખવા માટે,જાણવા માટે વેદાંતનો અભ્યાસ બહુજ જરૂરી છે. વેદાંતમાં પંચીકરણના સિધ્ધાંત દર્શાવ્યા છે, જે આત્માને અને સ્થુલ શરીર વચ્ચેનુ અંતર સમજાવે છે.આત્માને ઓળખીએ તો જ પરમ તત્વની પ્રાપ્તિ થાય.
પોતાનુ સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ આત્મ સ્વરૂપને જાણવા માટે, સમજવા માટે તેની અનુભુતિ કરવા માટે જાતેજ પ્રયત્ન કરવો પડે. ગુરુ અને ગ્રંથો જ્ઞાન આપીને માર્ગ દર્શન કરાવે, ચૈતન્ય સ્વરૂપનુ જ્ઞાન આપે તેનો સ્વિકાર આપણે જ કરવો પડે.આત્મ જ્ઞાન બીજા પાસેથી મળી શકે પરંતું મન નિર્વિકલ્પ બનાવી મક્કમ કરીને તેનો શાક્ષાત્કાર-અનુભુતિ જાતે કરવી પડે છે. બીજુ કોઈ ન કરાવી શકે.
जीसको नही है बोध तो गुरु ज्ञान क्या करे ?
नीज रूपको जाना नही पुरान क्या करे ?
આપણે સૌ જાણીએ છીએ હજારો વર્ષ પહેલાં આ પરમ તત્વની પ્રાપ્તિ માટે ૠષિમુનીઓ વર્ષો તપસ્યા કરતા હતા.આપણું ચૈતન્ય સ્વરૂપ સહજ રીતે ન સમજાય, તેના માટે એકાગ્રતાથી કઠીન સાધનાની જરૂર છે.આ માનવ દેહ મહા મુલ્યવાન છે, જેના થકી પરમ તત્વની પ્રાપ્તિ થઈ શકે છે. પરમ તત્વની પ્રાપ્તિ પછીથી કંઈજ બાકી નથી રહેતું, પૂર્ણતા આવી ગઈ.
ૐ पूर्णमदः पूर्णमिदं पूर्णात पूर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते
અર્થાત
પૂર્ણ છે તે , પૂર્ણ છે આ ,પૂર્ણમાંથી પૂર્ણ ઉદ્ભવ્યું
પૂર્ણનુ પૂર્ણ ગ્રહી લેતાં પૂર્ણ જ બાકી રહી ગયું.