ધર્મ-અર્થ-કામ-મોક્ષ.

જે જીવ મનુષ્ય દેહ લઈને જ્યારે આ ધરતી પર જન્મ લે, ત્યારે દરેક મનુષ્ય જીવનનો મુખ્ય હેતુ,એક જ ઉપદેશ હોય છે.ધર્મ,અર્થ,કામ અને મોક્ષ. જીવનના આ ચાર સ્તંભનો સુમેળ બરાબર હોય તો જીવન સરળ અને મજબુત બને, એક પણ બરાબર ન હોય, કમજોર હોય તો જીવન ડગમગી જાય. જીવનનો આધાર આ ચાર પર નિર્ભર છે.મનુષ્ય જીવન માટે ઘણા જ અગત્ય ના છે.ચાર ને સમજીને જીવનમાં ઉતારીને જીવન મંત્ર બનાવીને માણસ જીવે તો જીવન સુખ-શાંતિમય, ઉજ્જવળ બની જાય.આપણું મન આ રીતે જીવન જીવવા માટે તૈયાર અને મક્કમ હોવું જોઈએ. માણસનું મન ધારે તો આ ચાર ને જીવન મંત્ર બનાવીને જીવન જીવી શકે.ગીતામાં ત્રીજા અધ્યાયના ૯ મા શ્લોક માં કહ્યું છે
“यज्ञार्थात्कर्मणोन्यत्र लोकोयं कर्मबन्धनः
तदर्थ कर्म कौन्तेय मुक्तसनः समाचर ”

અર્થાત – વિષ્ણુ નિમિત્ત કરેલાં કર્મો સિવાયના બીજાં કર્મો મનુષ્યને આ ભૌતિક દુનિયા સાથે બાંધે લા રાખે છે તેથી હે કૌન્તેય તું રાગ રહિત થઈને તેમના (વિષ્ણુ ના) સંતોષ ખાતર તારાં નિયત કર્મો કર. એમ કરવાથી તું આસક્તિ વિનાનો અને બંધન રહિત થઈશ.
શરીરના નિર્વાહ માટે પણ મનુષ્ય એ કંઈ ને કંઈ કર્મ કરવાનું છે, તેથી ચાતુર્વણ્ય વ્યવસ્થા માં દરેક મનુષ્ય માટે તેના ગુણ અને સામાજિક દરજ્જા મુજબ એવાં કર્તવ્ય નિયત કરાયેલાં છે કે જે બજાવવા થી હેતુ પૂર્ણ કરી શકાય. વર્ણશ્રમધર્મનો ઉદ્દેશ પણ ભગવાન ને સંતોષવા નો છે. વર્ણશ્રમધર્મ આચરતો મનુષ્ય પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ ને ભજે છે.
આપણા શાસ્ત્રો એ સંસારમાં શાંતિ અને વ્યવસ્થા સચવાઈ રહે તે માટે આ ચાર ધર્મ-કામ-અર્થ- મોક્ષ ને ધ્યાનમાં રાખીને તેના નિયમ બતાવ્યાં અને તેને અનુસરીને જીવવાનું હોય છે.ધર્મ-કામ-અર્થ-મોક્ષ માટે શ્રી કૃષ્ણએ આપણને ગીતા ઉપદેશ આપીને, ગીતા જ્ઞાન દ્વારા આપણા જીવન ના આ ધ્યેય સરળ બનાવ્યા. ગીતામાં કૃષ્ણએ કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણ ઉપદેશ આપીને જીવનનો મર્મ સમજાવ્યો છે, અને તેના જ્ઞાન દ્વારા જ જીવનનો આ ઉદેશ સિધ્ધ કરી શકાય.બીજાં શાસ્ત્રો એ પણ જીવન જીવવાનો મર્મ અને સિદ્ધાંતો બતાવ્યાં છે, જેથી જીવન સરળ બને.જીવન ના આ ચાર ધ્યેય સ્વાભાવિક હોવાથી તેનાથી જ જીવન છે.જીવનમાં જુદા જુદા પડાવ આવે, દરેકને આ બધામાંથી પસાર થવું પડે.જીવનની આ જ વ્યવસ્થા રચેલી છે,માટે દરેકે અપનાવવી પડે,બીજો કોઈ વિકલ્પ નથી. શાસ્ત્રો ના નિયમનો અને કાયદા પ્રમાણે ચાલવા થી સફળતા ચોક્કસ મળે એમાં શંકા નથી.જીવનના ચાર સ્તંભ બતાવ્યાં તો શાસ્ત્રો એ જીવન ના સોલ સંસ્કાર બતાવ્યાં છે. જે શાસ્ત્રોક્ત વિધિથી અર્પણ કરવામાં આવે છે.માણસ જન્મે તે પહેલાં થી માંડીને તેના મૃત્યુ સુધી તેને શાસ્ત્રોક્ત વિધી વિધાન થી જુદા જુદા સંસ્કાર આપવામાં આવે છે.
૧-ગર બંધન,૨-પુંસવના, ૩-સીમંત, ૪-જાત કર્મ ષષ્ટિ, ૫-નામ કરણ, ૬-નીશક્ર્મન, ૭-અન્નપ્રસંન્ના, ૮-મુંડન (ચૌલ ક્રિયા), ૯-કર્ણ વેધ, ૧૦-યજ્ઞો પવિત(જનોઈ), ૧૧-વિદ્યારંભ, ૧૨-સમાવર્તન, ૧૩-વિવાહ, ૧૪-સર્વ સંસ્કાર, ૧૫-સંન્યાસ, ૧૬-અંત્યેષ્ટિ.
મનુષ્ય જીવન ના મુખ્ય ચાર ઉદેશ બતાવ્યાં તો તેની સાથે સાથે જીવન ના ચાર તબક્કા બતાવ્યાં જેમાં જીવનની ચાર અવસ્થામાં, ચાર તબક્કામાં આ ચાર ઉદ્દેશ નિભાવવાના હોય.વેદોમાં ધર્મના સિદ્ધાંતો આપ્યા છે, તેનુ પાલન જો બરાબર ન થાય,તો અધર્મ ફેલાઈ.વૈદિક સિદ્ધાંતો ભગવાનના કાયદા છે. ભગવાન જ ધર્મ વ્યવસ્થા કરી શકે, તેથી ધર્મના સિદ્ધાંતો એ ભગવાનની સીધી આજ્ઞા ઓ છે. ભગવાનની આજ્ઞા અનુસાર આ સિધ્ધાંત નુ સ્થાપન કરવાનો વેદનો ઉદ્દેશ અને શ્રી કૃષ્ણનો સીધો આદેશ પણ છે,તે સમગ્ર માનવજાત માટે સ્વીકાર્ય છે. વેદ શાસ્ત્રો એ જીવન ના ચાર તબક્કા બતાવ્યાં છે, વેદીક ચાર આશ્રમ નીચે પ્રમાણે,
૧- બ્રહ્મચર્ય, ૨- ગૃહસ્થ, ૩- વાનપ્રસ્થ ૪- સંન્યાસ. પ્રાચીન કાળમાં લોકો, આમ જનતા અને ખાસ કરીને રાજા આ પ્રમાણે ઉચ્ચતર જીવન જીવતા હતા.
(બ્રહ્મચર્ય) – શિક્ષણનો સમય. પ્રાચિનકાળમાં ગુરુકુળમાં રહીને શિક્ષણ અને વિદ્યા પ્રાપ્ત કરવામાં આવતી હતી.
બાલ્યાવસ્થામાં માતા બાળકને ધર્મ,નિતિના પાઠ ભણાવીને સંસ્કારો નુ સિંચન કરે,એક માતા સો શિક્ષકની ગરજ સારે, એટલે જ માતા એ ઉત્તમ શિક્ષક ગણાય.ત્યાર બાદ સ્કૂલમાં ગુરુ, શિક્ષક તેને શિક્ષિત કરે,વધારે શિક્ષણ માટે કોલેજ-વિદ્યાપીઠ માં શિક્ષણ લેવું પડે. જીવન નિર્વાહ માટે,કામ કરીને જે પૈસા પેદા કરવા પડે છે,તેના માટે તેણે પુરુ શિક્ષણ(જ્ઞાન) લઈ લીધું હોય અને તેના ભણતર પ્રમાણે, પોતે તે ક્ષેત્રમાં કામ કરવા માટે તૈયાર થઈ જાય.કારણ તેને આગળ બીજા તબક્કામાં જવાનું છે ત્યાં અર્થ વ્યવસ્થા કરવાની હોય શિક્ષણ અતિ આવશ્યક અને જરૂરી છે.પ્રાચીન કાળમાં શિક્ષણની સાથે સાથે નિતી અને ધર્મના પાઠ પણ ભણાવવામાં આવતા હતા. અત્યારે શાળા-કોલેજમાં જે ઈતર પ્રવૃતિઓ ચાલે છે, તેવી રીતે પ્રાચીન કાળમાં ઈતર પ્રવતિઓ ચાલતી હતી.જેમાં બાણ વિદ્યા,તલવારબાજી,ગદા,ભાલા વગેરે નુ શિક્ષણ અપાતું હતું. તે શિક્ષણ પણ અગત્યનું ગણાતું હતું. બોધ કથાઓ દ્વારા પણ શિક્ષણ મળતું, અને ઉપદેશથી પણ શિક્ષણ પ્રાપ્ત થતું હતું.અત્યારે સમય બલદાયી ગયો છે તેથી બધી જ પધ્ધતિ બદલાઈ ગઈ છે.
(ગૃહસ્થ) – ભણીને તૈયાર થાય, એટલે યુવાન ના વિવાહ સંપન થાય, ત્યાર બાદ તેને ઘર ઘ્રહસ્થી સંભાળવાની હોય.એક નવ જવાન ભણીને તૈયાર થઈ જાય, લગ્ન થાય એટલે અહિંયાથી તેની જવાબદારી શરૂ થાય. ઘરનો પુરો ભાર, પુરી જવાબદારી યુવાન ના માથા પર હોય. અને આ જવાબદારી તેનુ કર્તવ્ય છે. તેથી તેણે બરાબર નિભાવવાનુ હોય.ઘર ચલાવવા માટે તેને નાણાની જરૂર પડે, તે તેણે ધર્મના માર્ગ પર ચાલીને નીતિથી કામ કરીને,મહેનત કરીને,નાણાની વ્યવસ્થા કરવાની હોય.પરિવારમાં માતા-પિતા,પત્ની, બાળકો, જેમ સદસ્ય વધતાં જાય તેમ તેની જવાબદારી વધતી જાય છે.જેટલી જવાબદારી વધે એટલી મહેનત વધારે કરવી પડે.પુરી જીંદગી દોડ ભાગમાં જાય. અહીંયાં તેને બીજા કામો માટે સમય નથી મળતો.ઘરનો ભાર ઉઠાવવા માં એટલો વ્યસ્ત હોય પ્રભુ ક્યાંથી યાદ આવે? પ્રભુ ભજન માટે તેની પાસે સમય ન હોય એ સ્વાભાવિક છે.
(વાનપ્રસ્થ) – પુત્રને ઘરે પણ સંતાન આવે અને દાદા-દાદી બને એટલે નિવૃતિનો સમય આવે. ત્યારે ઘરસંસારની જવાબદારી પુત્રને સોંપી ને વન તરફ પ્રસ્થાન કરવાનુ હોય,અતિશય પ્રવૃતિમાંથી નિવૃતિ લેવાની હોય છે. અહિંયા આ અવસ્થામાં બધી જ કામના ઓ ઇચ્છાનો ત્યાગ કરીને સ્વ ની ખોજ એટલે આત્માને ઓળખી ને મોક્ષ માટેની તૈયારી કરવાની.જીવન ઈશ્વર ભજન અને સ્મરણ માં વ્યતીત કરવાનુ.બીજા જન્મ નુ ભાથું તૈયાર કરવાનો સમય. અત્યારના સમયમાં વનમાં ગયા વીના પણ ઘરમાં રહીને નિવૃતિ લઈને હરિ ભજન થઈ શકે. અત્યારે સુવિધા ઓ વધી ગઈ છે એટલે ઘરની અંદર જ ઇચ્છીએ તો વાનપ્રસ્થ જીવન વીતાવી શકીએ. વનમાં જવાની જરૂર નથી. દેશ અને કાળ પ્રમાણે શાસ્ત્રો ના નિયમ પણ બદલાઈ, એ જમાનાને અનુરૂપ સ્થળ અને સમય પ્રમાણે લખાયું હોય. અત્યારે બધું જ બદલાઈ રહ્યું છે, બદલાઈ ગયું એમ કહીએ તો પણ ચાલે.
(સંન્યાસ) – આ તબક્કામાં સંન્યાસી જીવન જીવવાનું હોય, દરેકમાં થી પોતાનુ મન હઠાવીને, વિષયની આસક્તિ દુર કરીને બધી જ ઈન્દ્રિયો સંકેલીને મન આત્મામાં લીન કરીને બીજો જન્મ સુધારવા નો સમય હોય છે.
અત્યારે આ યુગમાં એવું જીવન કોઈ જીવતું નથી. પ્રાચીન કાળની અને શાસ્ત્રો માં બતાવેલી, પ્રકૃતિનું અને સમગ્ર સંસાર નુ સંતુલન જાળવી રાખવા માટે વૈદિક સિદ્ધાંતો બનાવીને આ રીતે જીવનની વ્યૂહરચના બનાવી હતી.છતાં પણ તેનો અર્થ જોઈએ તો આ વ્યૂહરચના સાચી જ છે. સાચે જીવન ના ચાર તબક્કે આજે પણ છે. ફરક એટલો જ છે,વાનપ્રસ્થ માં કોઈ વનમાં નથી જતું. વિજ્ઞાનની પ્રગતિને લીધે આધુનિક ઉપકરણો એટલા બધા વધી ગયા છે,ઘર બેઠાં જ બધી સુવિધા ઓ મળે છે.ટીવી,કમ્પુટર,સીડી,વગેરે ના માધ્યમ થી ઘરમાં જ સત્સંગ, ગુરુના દર્શન,મંદિર ના,તીર્થસ્થાન ના દર્શન,આરામથી કરી શકીએ છીએ. નિવૃતિમાં ઘણી બધી પ્રવૃતિ વધી ગઈ છે.દરેક વ્યક્તિ પોતાની રીતે નિવૃતિનો સમય વિતાવે છે.અને મોક્ષની કામના બધાને નથી હોતી.તો શું કામ સંન્યાસી જીવન વિતાવવા માટે તૈયાર થાય? હા ઘરમાં રહીને પણ સંન્યાસી જેવું જીવન જીવી શકાય, તે શક્ય પણ છે. કોઈ વિરલા હોય કંઈક જન્મના પુણ્ય જાગ્યા હોય ત્યારે પરમાત્માની કૃપા તેના પર થાય અને પોતે મોક્ષ માટે વિચારે.અત્યાર નુ જીવન પણ ઝડપી અને અતિશય પ્રવૃતમય બની ગયું છે તેથી કોઈની પાસે બીજા કામો માટે સમય નથી, સમયનો અભાવ છે. દરેકનું જીવન વૈભવશાળી અને ઝડપી થયું છે.માનવ જાત એકદમ વ્યસ્ત છે, જેને પૂછો તો એક જ જવાબ હોય અમારી પાસે સમય નથી.એટલે આ વૈભવ સુખ ભોગવનારને મોક્ષ નો ખ્યાલ ન પણ આવે, તેનો વિચાર પણ ન આવે,તેના માટે કોઈ દિવસ ન વિચારે. ચાર આશ્રમ બતાવ્યાં તે અત્યારે આ બધી કિતાબી વાતો લાગે છે કોઈને સાચું નથી લાગતું, એક દંત સમાન લાગે પરંતું આજે પણ તેનો ઉદ્દેશ અને મનુષ્ય જીવનનો હેતુ, ધ્યેય એકજ છે.લોકોએ સમય પ્રમાણે, જેમ જેમ માણસ પ્રગતિ કરતો ગયો તેમ તેની પરિભાષા બદલાઈ પરંતું હેતુ એકજ છે.ઘરની અંદર રહીને વાનપ્રસ્થ અને સંન્યાસી જેવું જીવન જીવી શકાય. માણસ ધારે તો, તેનુ મન ઇચ્છે તો ઘરને, વનમાં બાંધેલો આશ્રમ સમાન બનાવી શકે.ઘરમાં રહીને સંન્યાસી જીવન જીવી શકે છે.સંસાર ની મોહ- માયા ઓછી કરીને, ઈન્દ્રિયો પર કાબુ રાખીને સંન્યાસી જીવન ઘરની અંદર જ જીવી શકાય.સો કામ છોડીને ઈશ્વર માટે સમય કાઢવો જ પડે.જેણે આપણને માનવ જીવન બક્ષ્યું, આટલી બધી સુવિધા ઓ આપી, વૈભવ સુખ વાળી જીંદગી આપી તેના માટેજ સમય નથી. તેણે આપેલી વસ્તુ વાપરવાનો સમય છે, તેને યાદ કરવાનો સમય નથી. માનવ જીવનની કેટલી બધી કરુણા ! જે સુખ ભોગવી રહ્યો છે તે નાશવંત ક્ષણીક હોવા છતાં, જે નિત્ય સાશવત છે તેના માટે તેને રસ નથી સમય નથી.
(ધર્મ)- શ્રી વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત ના મંતવ્ય પ્રમાણે, ભાગવત માં વર્ણન છે, અને ધર્મના ચાર અંગ બતાવ્યાં. ધર્મના ચાર મુખ્ય અંગ – સત્ય, તપ, પવિત્રતા, દયા.
સતયુગ માં ધર્મ ચાર પગ ઉપર ઊભો હતો.ત્રેતાયુગ માં ત્રણ પગ ઉપર ટકી રહ્યો.અને બે પગ ઉપર ટકી રહ્યો તે યુગનું નામ દ્વાપર યુગ, અને અત્યારે કળિયુગમાં ધર્મ એક પગ ઉપર ટકી રહ્યો છે. આના ઉપરથી આપણને સમજાય ધર્મનો ધીમે ધીમે નાશ થઈ રહ્યો છે.તેને લીધે જ લોકો અધર્મનું આચરણ કરવાથી અત્યારે વિશ્વમાં ચારો તરફ અશાંતિ છવાઈને, અધર્મ વધી ગયો છે. વિશ્વશાંતિ માટે અને ધર્મની રક્ષા કરવા માટે પરમાત્મા આ ધરતી પર યુગે યુગે અવતરિત થાય, પ્રગટ થાય છે.અને ધર્મની રક્ષા કરીને ફરીથી શાંતિ સ્થાપે છે.નાશ પામેલ ધર્મ ફરીથી જીવંત થાય છે.
(સત્ય)- ધર્મના ચાર અંગો માં સત્ય સર્વોપરી અને મહત્વનું છે.જે અસત્ય બોલે તેના પુણ્યનો ક્ષય થાય. સત્ય દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ થાય.અત્યારે આ કળિયુગમાં કોણ સત્ય બોલે છે? જાણે અજાણે આખા દિવસમાં કેટલી બધી વખત જુઠ બોલતાં હોઈ શું એનો કોઈ હિસાબ નથી.કલિયુગ અસત્ય થી જ ચાલી રહ્યો છે. એક પણ માણસ સત્યવાદી શોધવું મુશ્કેલ છે.સતયુગ માં રાજા હરિશ્ચંદ્ર એ સત્યને માટે પોતાનુ સર્વસ્વ નો ત્યાગ કર્યો હતો, પોતાનુ રાજ-પાટ, પત્ની, પુત્ર સર્વેનો, સત્યને ખાતર દાવ પર લગાડ્યા હતા.દુખ વેઠ્યું પરંતું જીવનમાં થી સત્યને નથી છોડ્યું. સત્યને માટે લોકોની સામે બજારમાં વેચાઈ ગયા.મહાત્મા ગાંધીજીએ તેમના જીવનમાં સત્ય નો આગ્રહ રાખ્યો અને પોતે પણ સત્ય અને અહિંસા ના માર્ગ પર ચાલ્યા.સત્યના અનેક પ્રયોગ કરીને જીવનમાં અપનાવ્યા.જીવનમાં અનેક સત્યાગ્રહ કર્યા.ગાંધીજી સત્યને લીધે જ ઈશ્વરની સમીપ હતા એટલે જ મૃત્યુ સમયે તેમના ઉદગાર હતા “હે રામ”. સત્ય અને અહિંસા નો સાથ લઈને તે માર્ગ પર ચાલીને જે અશક્ય કામ હતું તે સત્ય કરી બતાવ્યું, એક ઇતિહાસ રચ્યો. સ્વતંત્ર આઝાદ ભારત દેશ લોકોને અર્પણ કર્યો.ધર્મના જે ચાર લક્ષણ બતાવ્યાં તેમાં સત્ય મુખ્ય અંગ છે.જ્યાં સત્ય હોય ત્યાં લક્ષ્મી-દાન-સદાચાર-દયા-યશ વગેરેનો વાસ હોય.
(તપ)- તપ એટલે જીવનમાં દરેક વસ્તુ અને વ્યવહાર માટે વિવેક અને સંયમ.વાણી અને વર્તનમાં સંયમ હોય તે તપ છે. અને પરમાત્મા માટે દુખ સહન કરવું, કષ્ટ ભોગવવું તે પણ તપ છે.એક બીજા સાથેનો દરેક વ્યવહાર, વિવેક અને નિયમથી ચાલતો હોવો જોઈએ.શ્રી કૃષ્ણએ ગીતામાં પરમાત્માની પ્રાપ્તિ માટે અલગ અલગ તપ બતાવ્યાં છે.
(પવિત્રતા) – જેમ શરીરની શુધ્ધિ જરૂરી છે એટલી જ મનની શુધ્ધિ જરૂરી અને ઘણી જ મહત્વની છે.જીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે બધું જ અહિંયા રહે છે પરંતુ આત્માની સાથે મન પણ સાથે જાય છે. એટલે મનની શુધ્ધિ ઘણી જ અગત્યની કહેવાય. મનુષ્ય જીવનનો પુરો આધાર તેના મન ઉપર આધારિત છે.મન પવિત્ર હોવું જોઈએ, પવિત્ર મન હોય તેવી વ્યક્તિ ઈશ્વરને પ્રિય છે.ઘણા માણસો એવા જોયા છે, જે બહારથી મીઠુ બોલે સારા દેખાડવાનો ઢોંગ કરે,પરંતું મનમાં પ્રપંચ ચાલતો હોય, મનમાં મેલ હોય.શુધ્ધ મન અંતઃકરણમાં પરમાત્માનો નિવાસ છે. પવિત્ર અને પ્રમાણિક જીવન ઉત્તમ હોવાથી તેનુ ફળ સારું જ હોય, તે હમેશાં પ્રગતિ ના માર્ગ તરફ જ લઈ જાય, સતી સીતા ને પણ તેમની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિ પરિક્ષામાં થી પસાર થવું પડ્યું, ગૌતમ ઋષિની પત્ની અહલ્યાની પવિત્રતા પર શંકા થવાથી ગૌતમ ઋષિએ શ્રાપ આપીને તેમને પત્થર બનાવી દીધા હતા.અહલ્યાનો ઉદ્ધાર ત્રેતાયુગ માં શ્રી રામે કર્યો હતો.આપણે તો અતિ સાધારણ મનુષ્યો છીએ. આ દુનિયામાં, આ સંસારમાં આપણે જોઈએ છીએ પવિત્રતા ના અભાવે, પવિત્રતા પર શંકા થવાથી કંઈ કેટલા વિવાહિત દંપતિ ના લગ્નજીવન બરબાદ થયાં, દુખી થયાં છે.પવિત્ર જીવન એ ઉચ્ચતર જીવન છે.
(દયા)-દરેક જીવ માત્ર પ્રત્યે સહાનુભૂતિ અને ભલી લાગણી દર્શાવવી એ દયા છે.દયા એ ધર્મનું ચોથું અંગ છે.દિલમાં દયા ન હોય, જેનું દિલ કઠોર હોય તે સહેલાઈથી હિંસા કરી શકે.સત્ય-તપ-દયા, અને પવિત્રતા આ ધર્મના ચાર સ્તંભ સમાન ગણાય આ ચાર તત્વ મળીને ધર્મ સ્થિર થાય.અત્યારે દયા ક્યાં છે? નિર્દોષ પશુઓ નો આડેધડ સંહાર અને ભક્ષણ થઈ રહ્યું છે.જેટલી પશુઓ ની હત્યા થઈ રહી છે એટલી જ માણસો ની હત્યા થઈ રહી છે. માણસ, બીજા માણસના રક્ત નો પ્યાસો થયો છે. કોઈની ઉપર અત્યાચાર, જુલમ ગુજારીએ જ્યારે દિલમાં દયા ન હોય ત્યારે.માણસની દયા ક્યાં ગઈ? હિંસા ના માર્ગ પર ચાલી રહ્યો છે.નથી કોઈનો ડર, નથી કોઈની પરવા.માણસ જેટલો શિક્ષિત થયો,પ્રગતિ કરી, સમજ આવી પરંતું તેની બુધ્ધિ, તેની મતિ ભ્રષ્ટ થઈ ગઈ અને પશુ કરતાં પણ હલકા કાર્ય કરે.તો માણસ હજુ પણ જંગલી અવસ્થામાં જ છે, સુધર્યો નથી. આને માણસની પ્રગતિ કેવી રીતે કહેવાય ?તેનુ મન હજુ પણ પશુ જેવી હરકત કરે છે.જૈન ધર્મનું અગત્યનું મુખ્ય અંગ છે અહિંસા, અહિંસા ના માર્ગ પર ચાલે છે.અને એકજ ઉદેશ્ય દરેક જીવ-પ્રાણી માત્ર પર દયા રાખવી.
જીવનનો જે અર્થ છે તે સિધ્ધ કરવા માટે ધર્મના માર્ગ ઉપર ચાલવા થી જ ઉન્નતિનો માર્ગ મળે.સાચો ધર્મ નિતિ,પ્રમાણિકતા, સદાચાર,પવિત્રતા,સત્ય,દયા,અહિંસા અપનાવી ને જો જીવન જીવી એ તો જ આપણે ધર્મના માર્ગ પર ચાલ્યા છીએ. તેનાથી વિરુદ્ધ જઈને કંઈ પણ કરીએ તો તે અધર્મ કહેવાય.અધર્મ ના માર્ગ પર ચાલવું એ તો વિનાશ તરફ લઈ જાય અને દુખ સિવાય કંઈ ન મળે.સત્વ ગુણી હશે તે હમેશાં ધર્મના માર્ગ પર જ ચાલશે. ધર્મની સાથે તો પરમાત્મા છે, અને તેનો ઉદ્ધાર અવશ્ય કરે.મહાભારત ના યુધ્ધ સમયે શ્રી કૃષ્ણ પાંડવોનો પક્ષમાં હતા, કારણ પાંડવ ધર્મના માર્ગ પર ચાલતા હતા, માટે જ શ્રી કૃષ્ણએ તેઓને સાથ આપ્યો, તેઓની સાથે રહ્યા.કૌરવોએ અધર્મની રાહ પકડી તો તેઓ પરાજિત થયા અને વિનાશ થયો.એટલે જ્યાં ધર્મ છે ત્યાં પરમાત્મા અવશ્ય છે જ.માણસના મનની અંદર લાલસા-લાલચ ની કામના જાગે ત્યારે તેને પામવા માટે તે વસ્તુ મેળવવા તે વ્યક્તિ લાલચ ને કારણે અધર્મનો માર્ગ અપનાવે. તેના કાર્યમાં અનીતિ આવે.અને કર્મ બંધનમાં બંધાઈ ને પ્રાર્બધ્ધને ભોગવે. અધર્મ કાર્ય કરવાથી તેના જીવનમાં પ્રારબ્ધના ફળ સ્વરૂપ દુખ સિવાય બીજું કંઈ ના હોય. અધર્મ ક્ષણીક સુખ આપે. પછી તો દુખ સિવાય બીજું કંઈ નથી.પાપ-પુણ્ય કર્મો કરાવવા વાળુ આ મન જ કારણ રૂપ ગણાય.ધર્મના માર્ગ પર ચાલતાં એ શીખવાડે તો અધર્મ ના માર્ગ પર ચાલતાં પણ મન જ શીખવાડે.બધાનું મૂળ કારણ આ મન છે.
આપણે સ્ત્રી હોઇએ કે પુરુષ, ઘરની અંદર પરિવાર તરફ આપણી ઘણી બધી જવાબદારી હોય અને તે આપણી જે ફરજ છે, જે આપણે કરીએ,તે કર્તવ્ય પણ આપણો ધર્મ છે.આ કર્તવ્ય પણ સારી રીતે નિભાવીએ તો સંસાર સ્વર્ગ સમાન બની જાય.જીવનમાં ઘણા બધા ધર્મો છે જે આપણે નીતિથી નિભાવવાના હોય. સાચો ધર્મ તે માનવ ધર્મ જે બીજાને ઉપયોગમાં આવે. બીજાને, મનની અંદર કોઈ સ્વાર્થ રાખ્યા વીના, નિસ્વાર્થ મદદરૂપ થાય, બીજા પર ઉપકાર કરે. સાચો માનવ ધર્મ નિસ્વાર્થ સેવા છે.સમાજમાં કંઈ કેટલા બધા એવા માણસો જોયા છે, સાંભળ્યા છે, જેઓ એ બીજાને માટે,મદદ કરવામાં પોતાની આખી જીંદગી અર્પણ કરી દીધી હોય.પુરી જીંદગી માનવ સેવામાં વિતાવી હોય.અને પોતે માનતા હોય માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. જો રામ રાજ્યની કલ્પના કરવામાં આવે, રામ રાજ્ય જોઈતું હોય તો માનવધર્મ અત્યંત જરૂરી છે.જ્યાં સ્વાર્થ,કપટ આવે ત્યાં અધર્મ જરૂર હોય. સ્વાર્થી માણસો સાચી સમાજ સેવા ન કરી શકે, સાચો માનવ ધર્મ ન બજાવી શકે.સંસારમાં સુખ-શાંતિ જોયતી હોય તો ધર્મના માર્ગ પર ચાલવું અત્યંત જરૂરી છે.ધર્મની સ્થાપના વીના શાંતિ ન આવી શકે.
હિન્દુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ. આ બધા ધર્મો,શાંતિ અને ધર્મની રક્ષા કરીને સૃષ્ટિનું સંતુલન જાળવવા માટે, ધર્મની રક્ષા હેતુ,પરમાત્માએ જુદા જુદા અવતાર લઈને આ બધા ધર્મની સ્થાપના કરી.આ દરેક ધર્મનો હેતુ અને ઉદેશ એકજ છે. ધર્મના નામ અલગ અલગ હોઈ શકે પરંતું હેતુ અને એક જ ઉપદેશ-બોધ દર્શાવ્યા છે.ધર્મનું આચરણ કરીને જ માનવ જાતને જીવન જીવવાનો ઉપદેશ આપ્યો છે.ધર્મના આચરણથી શાંતિ શક્ય બની શકે.
કામ- અર્થ.
કામ એટલે કામના ઈચ્છા.અને બીજા અર્થમાં કામ એટલે મનુષ્ય જીવન.માનવ દેહ મળ્યો છે,જીવન મળ્યુ એટલે જીવવું તો પડે, મનુષ્યને જીવન જીવતાં કામના ઓ ઈચ્છા ઓ થાય. તેને જીવન જીવવા માટે અર્થ એટલે પૈસાની જરૂર પડે.પૈસા વીના તેનો જીવન વ્યવહાર ન ચાલે. ઘરમાં, પરિવારના બીજા સદસ્ય હોય તેની જવાબદારી પણ ઘરના મુખ્ય વડીલની હોય.ને આ કર્તવ્ય નિભાવ વા માટે પૈસાની જરૂર પડે.આ પૈસા માટે,અર્થ માટે તો એ રાત દિવસ મહેનત કરે. પૈસા પેદા કરવા માટે નિતિ જરૂરી છે. જે પણ કમાઈ એ તેમાં નિતિ, સત્ય અને પ્રમાણિકતાની જરૂર છે. નીતિથી કમાયેલું, ભેગું કરેલ ધન શ્રેષ્ઠ માનવા માં આવ્યું છે.અનિતિમાં અધર્મ રહેલો હોવાથી અનિતીથી ભેગું કરેલ ધન,ચોરી થી ભેગું કરેલ ધન અધમ ગણાય. પુરાતન સમયમાં વસ્તુ ખરીદવા માટે જેની પાસે કોઈ વસ્તુ હોય તેનુ વિનિમય થતું. ખરીદી માટે વિનિમય પધ્ધતિ હતી. પોતાની પાસે જે વસ્તુ હોય એ આપીને બદલામાં પોતાને જોઈતી વસ્તુ ખરીદી શકાતી હતી. વસ્તુના બદલામાં વસ્તુ, આ રીતે જીવન નિર્વાહની વસ્તુની ખરીદી કરવામાં આવતી હતી. ત્યાર બાદ માણસ જેમ જેમ પ્રગતિ કરતો ગયો અને તેમ તેના જીવનમાં દરેક વસ્તુમાં ફેરફાર થવા લાગ્યા.જીવન સુધરવા લાગ્યું અને વિનિયમનું સાધન પહેલાં સિક્કા નુ ચલણ આવ્યું. ત્યાર બાદ ચલણી નોટ ચલણમાં આવી. આ સિક્કા અને નોટ ચલણી નાણું બન્યા.અને અત્યારે તો માણસ આ નાણાની પાછળ આંધળી દોટ મુકી છે, તેના માટે અનીતિ-અધર્મ કરતાં પણ નથી ડરતો.માણસને પોતાને ખબર નથી તે ક્યાં સુધી પૈસાની પાછળ દોડ શે.લાલસા અને ઇચ્છાનો કોઈ અંત નથી એટલે છેલ્લા શ્વાસ સુધી તે દોડ્યા જ કરવાનો.આ દોડ ને કારણે તેના બીજા ધર્મ, બીજા કર્તવ્ય ભુલી ગયો છે.નીતિથી કમાયેલું વધારાનું ધન, ધર્મના કામો અર્થે વાપરવાનું કહ્યું છે.સારા કાર્ય માટે ધન વપરાય તે શ્રેષ્ઠ કહેવાય, એટલા માટે જ શાસ્ત્રો એ સંગ્રહ વૃતિ ત્યજીને જે વધારાનું ધન છે તે સારા કાર્ય અર્થે વપરાય તેના માટે દાનની મહિમા સમજાવીને દાન કરવાનુ કહ્યું છે.ધનનો સદુપયોગ થઈ શકે.
(મોક્ષ)  – માણસ જન્મથી મરણ પર્યંત જીવન જીવવા માટે કંઈ ને કંઈ કર્યા કરે, શિક્ષણ લે,વિવાહ કરીને ઘર-ઘ્રહસ્થી સંભાળે, પૈસા કમાવા માટે કામ કરે, મહેનત કરે છતાં અંતે તેનો એકજ ઉદેશ હોવો જોઈએ અને તે છે મોક્ષ. પરંતું મોક્ષ માટે તે ક્યારેય નથી વિચારતો. જ્યારે વિચાર આવે ત્યારે મોક્ષની તૈયારી માટે સમય ઓછો પડે સમય વહી ગયો હોય.મોક્ષ એ જ મનુષ્યનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ, છતાં પણ તેના માટે કોઈ વિચાર તું નથી. અને સારા-ખોટા કર્મો કરીને તેના ફળ સ્વરૂપ પ્રારબ્ધને કારણ જન્મ, મરણ ના ચક્કરમાં પડે છે. વારંવાર જન્મ અને મરણ તેનો ક્યારેય અંત નથી આવતો. જન્મ-મરણ ના ફેરા ટાળવા માટે પોતે આ દેહ જે દેખાય, તે તું નથી, પરંતુ આત્મા છે. એમ સમજીને પાપ કર્મો ત્યજીને જે પુણ્ય કર્મો છે તેના ફળની આશા રાખ્યા વીના ઈશ્વરના ચરણે ધરવામાં આવે તો તેના મોક્ષ દ્વાર ખુલવાનો સંભવ છે. મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય તે મોક્ષ છે. કારણ મનુષ્ય દેહ એ જ એવો છે જેમાં માણસ ધારે તો, ઇચ્છે તો મોક્ષ પામી શકે.બીજી યોનીમાં હોય તેના માટે મોક્ષ સંભવ નથી. મોક્ષ દેવો માટે પણ દુર્લભ ગણાય. આ ધરતી પર એક મનુષ્ય દેહથી જ મોક્ષની પ્રાપ્તિ કરી શકાય. એટલા માટે જ મનુષ્ય જન્મ ને મોક્ષ નુ દ્વાર કહ્યું છે. આ દ્વાર ખોલતા આવડવું જોઈએ, શ્રી કૃષ્ણએ તો ગીતા બોધ, ગીતા જ્ઞાન દ્વારા સમજાવીને દ્વાર ખોલવાનો માર્ગ બતાવ્યો, ચાવી હાથમાં આપી,ખોલવાનુ આપણા હાથમાં છે, અનેક ઈચ્છાઓ જેનો કોઈ અંત નથી તેને સંતોષવામાં, વિષય અને કામના માં, તેના ભોગ ભોગવવા માં એટલા રચ્યા પચ્યો હોય દ્વાર ખોલવાનો વિચાર પણ નથી આવતો.અને ચાવી હાથમાં જ રહી જાય.અને આ બધાનું કારણ છે મન ! મનને જ ઈચ્છા ઓ અને વિષય ભોગ ગમે, ઇન્દ્રિયોને કાબુમાં રાખીને,વશમાં લાવી ને મનને સમજાવીને શાંત કરવાની અત્યંત જરૂરી છે. એક વખત મન શાંત થાય પછીથી ખોટા કર્મો તેની જાતે જ ઓછા થઈ જાય, ખોટા કર્મો થતા નથી.શાસ્ત્રો એ બતાવેલ ધર્મના માર્ગ પર ચાલી એ તો જીવનની ઉન્નતિ થવા ની જ છે. ધર્મથી સંસારમાં બધે શાંતિ પ્રવર્તે .

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

Leave a comment