પ્રભુ જ્ઞાની જીવન દે
મનુષ્ય જનમની ખાસીયત એ છે ભગવાને વિચારવા માટે બુધ્ધિ આપી તેને કારણે જ તે જે સાંભળે,આંખોથી જોવે,વાંચે,અનુભવે તેમાંથી સારા ખોટાનો વિચાર કરીને તેને તે વસ્તુ સમજાય વસ્તુનુ ભાન થાય, જે વસ્તુ તેને સમજાઈ તે જ્ઞાન છે. જ્ઞાન એટલે કોઈ પણ વસ્તુ વિષેની માહિતી,જાણકારી, ખબર હોવી, વસ્તુની સમજ પડવી.ઘણા ખરા જ્ઞાન એવા હોય જે આગલા જન્મના સંસ્કારના બીજ રૂપે આપણી સાથે જન્મની સાથે જ આવે. જેને કોઈએ આપણને શીખવાડવા ન પડે.તેની જાતે આપોઆપ જ થાય છે. બાળક જન્મે ને તરત જ માતાનુ દુધ પીવા બેસી જાય આ કોઈએ તેને શીખવ્યુ નથી. તેની જાતેજ તે કુદરતી રીતે જ કરે.જે કુદરતી રીતે સાથે લઈને જન્મ્યા હોઈએ તેને માટે કોઈના સહારાની જરૂર નથી પરંતું બીજા જ્ઞાન માટે બીજાનો સહારો લેવો પડે છે. માણસને પાંચ જ્ઞાનેન્દ્રીઓ દ્વારા જોઈને, સાંભળીને , સ્પર્ષ, ગંધ વગેરેથી જ્ઞાન થાય છે. બીજું વાંચન અને મનન થી જ્ઞાન થાય.
સંસારિક જ્ઞાન, દુનિયાદારી વગેરે જ્ઞાન જેમ જેમ ઉંમર વધે તેમ પરિવાર તરફથી, રોજીંદી જીંદગીના અનુભવથી મળી રહે છે.શાળા-કોલેજનુ જ્ઞાન શિક્ષક આપે.આધ્યાત્મ જ્ઞાન જ્ઞાની ગુરુ આપણને સમજાવે.
જ્ઞાન એ જીવનની પ્રગતિ અને ઉન્નતિનુ એક માધ્યમ કહો યા સાધન કહો, જ્ઞાનથી જ એ શક્ય બની શકે.મનુષ્ય જીવન એ પાઠશાળા સમાન છે, એમ કહીએ તો તેમાં કંઈ ખોટુ નથી.જ્યાં જન્મ લઈએ ત્યાંથી મરતાં સુધી કંઈનુ કંઈ શીખ્યા કરીએ છીએ. જ્ઞાનનો કોઈ અંત નથી. વિશ્વ , દુનિયા , સંસાર વિશાળ છે. અનંત બ્રમ્હાંડનો કોઈ અંત નથી એમાં જ આપણે રહીએ છીએ માટે આ જ્ઞાન પણ વિશાળ છે, વિશાળ દુનિયામાં અનગિનીત ક્ષેત્રો, ગણત્રી કરીએ તો તેનો પાર ન આવે એટઆ બધા ક્ષેત્રો તેમાં શીખતા રહીએ તો પણ તેનો અંત ન આવે.કેટલી બધી જાતની વિદ્યા અને અનેક જાતની કલા છે.સંસારિક જ્ઞાન,વહેવારિક જ્ઞાન જેમાં સંસ્કાર, નિતી-નિયમ વગેરે માતા બાળકને આપે. માતા એ દુનિયામાં શ્રેષ્ઠ શિક્ષક છે જે સો શિક્ષકની ગરજ સારે ,તેણે આપેલુ જ્ઞાન બાળક પુરી જીંદગી યાદ રાખે, તેને ભુલી ન શકે.ઘરમાંથીજ માતા-પિતા, દાદા-દાદી,મોટાં ભાઈ-બહેન ટુંકંમાં વડીલો બાળકને ડગલે ને પગલે કંઈને કઈ શીખવાડે, ભારતની અંદર નિશાળમાં શિક્ષણની શરૂઆતથી પંચતંત્રની કથાઓ દ્વારા બોધ આપીને જીવનના પાઠ ભણાવવામાં આવે છે. અકબર-બીરબલની વાતો બીરબલને સમજવા માટે મગજ કસીને પછીથી સમજાય અને જ્ઞાન મળે, વગેરે જે બહુજ જરૂરી છે,અહિંયાંથી બાળકો માટે જ્ઞાનની શરૂઆત થાય છે. દિકરીના લગ્ન થાય અને સાસરે વળાવીએ ત્યારે માતા-પિતા એકજ શીખામણ આપે બેટા જેમ દુધમાં સાકર ભળી જાય તેમ તૂ સાસરીમાં સમાઈ જજે ,આમારા કુળની લાજ રાખજે અને તારુ કુળ તારજે. આ શીખામણમાં એક અતિ આવશ્યક જ્ઞાન સમાયેલું છે. આ જ્ઞાનથી ઘરની સુખ-શાંતિ બની રહે છે.
જીવન વિકાસ માટે સ્કુલ, કોલેજનુ શિક્ષણ જરૂરી છે.સ્કુલ કોલેજની ડીગ્રી વીના અભણ માણસ જીવનમાં શું કરી શકે ? લક્ષ્મી ચંચલ છે લાખો કરોડો રૂપિયા હશે તે લૂટાઈ જવાનો, જતા રહેવાનો ભય રહે અને જતા પણ રહે પરંતું જો આપણી પાસે જ્ઞાન હશે તે ક્યારેય ક્યાંય ન જાય અને કોઈ ચોરી ન કરી શકે, ન લુટી શકે.અજ્ઞાની જીવન એ પશુ સમાન છે. દરેક વસ્તુનુ જ્ઞાન હોય તો જીવન સુંદર બનાવી શકીએ.કોઈ કોઈ લોકોને જ્ઞાનની એટલી બધી ભુખ જાગેલી હોય તે લાયબ્રેરીમાં જઈને પુસ્તકો ભેગા કરીને વાંચીને જ્ઞાન મેળવે.ઘણા લોકો એવા જોયા છે જેને આખી દુનિયાનુ બધું જ નોલેજ ( જ્ઞાનનો ભંડાર )હોય તેને લોકો હરતી ફરતી પાઠશાલાનુ ઉપનામ આપે Encyclopedia, તેની પાસે કોઈ પણ સવાલનો જવાબ હોય. આ ક્યારે બને દરેક ક્ષેત્રનુ વાંચન જેનાથી બધી માહિતી મળી રહે.
હજારો વર્ષો પહેલાં આપણા ૠષિ મુનિયો જેમણે શોધ-ખોળ કરીને દુનિયાને અદભુત જ્ઞાન પ્રદાન કર્યું છે. તેઓ અત્યારના વૈજ્ઞાનિક સમાન છે, શોધ-ખોળ કરીને કોઈ આવિષ્કાર કરીને તેમણે દુનિયાને નવી નવી દિશાઓ બતાવી છે, તેને લીધે જ પ્રગતિ શક્ય બની. જ્ઞાનની કોઈ સીમા નથી, અત્યારના વૈજ્ઞાનિક તો ઈશ્વરી કણ શોધવા માટે અગાધ પરિશ્રમ કરી રહ્યા છે.અશક્ય વસ્તુ શક્ય કરવા માટે સતત મહેનત કરીને આવિષ્કાર કરીને દુનિયા ને અનોખા જ્ઞાનની ભેટ અર્પણ કરે છે.
જ્યારે બ્રહ્મ જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન જોઈતું હોય ત્યારે ઘણી વખત ઈશ્વરને પ્રાર્થના પણ કરવી પડે છે, જ્ઞાન માટે યાચના કરવી પડે છે. તત્વ જ્ઞાન એવું છે જેમાં જેને શોધવો છે તેને શોધવા માટે તેને પ્રાર્થના કરવી પડે છે. સ્કુલ કોલેજમાં ભણતા બાળકો પણ વિદ્યા-જ્ઞાન માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આમ જોઈએ તો દરેક મનુષ્ય ઈશ્વર પાસે કંઈને કંઈ માગ્યા કરે છે તેવીજ રીતે જ્ઞાન માટે પણ માગણી કરે છે ધરતી પર એક માણસ એવું નહી હોય જેણે પ્રભુ પાસે વસ્તુની માગણી ન કરી હોય. ભગવાનને માતા-પિતા માન્યા હોય, બાળક માતા-પિતા પાસે જ વસ્તુની અપેક્ષા કરે. કહેવત છે ને માગ્યા વીના મા પણ ન પીરસે. ભુખ લાગે ત્યારે માને કહેવું પડે, મા મને ભુખ લાગી છે.એમ જ જ્યારે જ્ઞાનની ભુખ જાગી હોય તો પ્રભુ પાસે માગણી કરવી પડે છે હે પ્રભુ મને જ્ઞાની જીવન દે, મને મનુષ્ય જનમ મળ્યો છે તો હું જ્ઞાન દ્વારા એક માનવ બની શકુ. અજ્ઞાનને કારણ પશુ સમાન ન બની જાઉં. અજ્ઞાન અને જડતાને કારણ માનવમાંથી દાનવ ન બની જાઉં.જ્ઞાન દ્વારા જ મનની અંદર રહેલી પશુતા, જડતા દુર કરવાનો પ્રયત્ન કરવાનો છે.
યોગશાસ્ત્રમાં ચાર શરીરનુ વર્ણન કરવામાં આવ્યું છે.
૧ – સ્થુલ શરીર ૨- શુક્ષ્મ શરીર ૩ – કારણ શરીર ૪ – મહાકારણ શરીર.
અજ્ઞાનતા એને કારણ શરીર કહ્યું છે. જ્યારે જ્ઞાન થાય ત્યારે તેને મહાકારણ શરીર કહ્યું છે.જોકે આ આધ્યાત્મ વિષય છે. અહિયાં આત્મ જ્ઞાનની વાત છે. છતાં પણ કોઈ પણ જ્ઞાન હોય, અહિયાં જ્ઞાનની વાત થઈ રહી છે. તો તેમાં આધ્યાત્મ જ્ઞાન પણ સમાવી લેવાય.હવે જ્યાં અઘરો વિષય છે, તેનુ જ્ઞાન જોઈતું હોય તો પ્રભુનો સહારો લેવો પડે છે. મહાભારતના યુધ્ધ સમયે યુધ્ધ ભુમિમાં શસ્ત્ર ઉઠાવતા પહેલાં અર્જુનને પણ મનની અંદર અનેક શંકાઓ, ઉલઝન,અનેક સવાલ હતા શ્રી ક્રિષ્ણએ દરેક સવાલનો જવાબ આપીને અર્જુનના મનની અંદર ચાલતી શંકા આશંકાઓનુ સમાધાન કરીને તેનુ નિરાકરણ કર્યુ. ગીતા જ્ઞાન દ્વારા અર્જુનનુ મન શાંત કર્યુ હતું. અર્જુન અને શ્રી ક્રિષ્ણના સવાલ-જવાબ એને જ્ઞાન નહી તો શું કહીશુ ? આ ગીતા જ્ઞાન અર્જુન પુરતુ સીમિત નથી તે સમગ્ર સંસાર માટે છે. અર્જુનના સવાલ એ પુરી દુનિયાના સવાલ છે.ગીતા જ્ઞાન એ પુરી દુનિયા માટે શ્રી ક્રિષ્ણએ કહ્યું છે. આ જ્ઞાન કહેવા માટે ફક્ત એક ઈશ્વર જ સમર્થ છે, આપણે તો તેને સાંભળીને આચરણમાં મુકવાનુ છે.જ્ઞાનને આચારણમાં ન મુકાય તો તે શું કામનુ ? જ્ઞાન હોવું અને આચરણમાં મુકવુ બંનેમાં ફરક છે.સૌ જાણે છે રાવણ મહાજ્ઞાની પંડિત હતો, અહંકાર વશ તેણે તેનુ જ્ઞાન આચરણમા ન મુકવાથી તેનો સર્વનાશ થયો.જ્યારે બીજી બાજુ ભારતના મહાપુરૂષો જેમની પાસે જે હતું, જે જ્ઞાન પામ્યા હતા તેને પોતે આચરણમાં મુક્યું હતું પછીથી દુનિયાને સમજાવ્યુ હતું. પોતાનામાં સમજ હતી માટે જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને સમજને કારણ જ સૌથી પહેલાં પોતે આચરણમાં મુક્યુ અને સમાજમાં સુધારા કર્યા.બાળકોની બોધકથાઓ તો મોટા માણસો માટે આપણા શાસ્ત્રો એ બોધ કથાઓ સમાન જ છે. મનુષ્ય જાતીને શાસ્ત્રો દ્વારા જે બોધ અપાય છે તે જ્ઞાન જ છે. કથાકારો શિવપુરાણ-રામાયણ-ભાગવત-ગીતાના જ્ઞાનયજ્ઞોનુ આયોજન કરીને બોધ આપવાનો પ્રયત્ન કરે છે.
( બ્રહ્માનંદની એક સુંદર રચના )
जीसको नही है बोध, तो गुरु ज्ञान क्या करे
नीज रूपको जाना नही, पुरान क्या करे
घट घटमें ब्रह्म ज्योतका प्रकाश हो रहा
मीटा न व्दैत भाव तो फीर ज्ञान क्या करे
रचना प्रभुकी देखके ज्ञानी बडे बडे
पावे न कोई पार तो नादान क्या करे
करके दया दयालने मानुष जनम दीया
बन्दा न करे भजन तो भगवान क्या करे
सब जीव जंतुओपे जीसे है नही दया
ब्रह्मानंद भरत नेम पुण्य दान क्या करे
पुण्य दान क्या करे.
દરેક ગ્રંથની શરૂઆત સવાલથી શરૂ થાય છે શૌનકજી પુછે અને સૂતજી તેનો જવાબ આપે. મા સતી સવાલ કરે અને શિવજી જવાબ આપે. અર્જુન પુછે અને શ્રી ક્રિષ્ણ જવાબ આપે. આમ દરેક શાસ્ત્રો સવાલ જવાબના રૂપમા છે.આ વસ્તુ એક જ સમજાવે છે, પરોક્ષ રીતે જ્ઞાનની માગણી છે. જ્ઞાન જોઈએ છીએ સવાલના રૂપમાં માગણી થઈ છે. પૂછ્યા વીના બીજાને શું ખબર પડે આપણા મનની ઈચ્છા શું છે ? શું જોઈએ છીએ ? કહેવામાં આવે છે જ્ઞાન વહેંચવાથી વધે છે. પોતાની પાસે જે જ્ઞાન છે તે બીજાને કામ ન લાગે તો તે જ્ઞાન શું કામનુ ? જ્ઞાન બીજાને કામ આવે ત્યારે તે સાર્થક ગણાય.
तमसो मा ज्योतिर्गमय – અમને અંધકારમાંથી પ્રકાશ ભણી લઈ જાવ
અમારા મનની અંદરથી અજ્ઞાનરૂપી અંધકાર દુર થઈને જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થાય.