અહમ બ્રહ્માસ્મિ.

अह्म ब्रम्हास्मि

આ એક ઘહેરો વિષય હોવાથી તેને ટુંકમાં સમજાવવો મુશ્કેલ છે. વેદોનો ( ઉપનિષદ ) વિષય છે, તે ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલી રહ્યો છે. જ્ઞાની ગુરુ તેને સમજાવી શકે.

કઠોપનિષદ કહે છે આ મહાવાક્ય દરેક વેદ જુદી જુદી રીતે બતાવે છે.

સામવેદ કહે છે – तत्वमसी,

યજુર્વેદ કહે છે – अह्म ब्रम्हास्मि,

ૠગવેદ કહે છે – प्रज्ञानं ब्रम्ह,

અથર્વવેદ કહે છે – अयमात्मा ब्रम्ह.  દરેકનો ભાવાર્થ એક સરખો છે.

જીવને શુધ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરવા માટે આ મહાવાક્યનુ આલેખન કરવામાં આવ્યું છે. છ શબ્દના વાક્યને મહા વાક્ય સંબોધિત કરવામાં આવ્યુ છે.દરેક જીવ માત્રનુ આ શુધ્ધ સ્વરુપ છે. આ સ્વરૂપથી તે અજ્ઞાન છે. જેણે જડ ભાવમાંથી પોતાને અલગ કરીને સ્વને ઈશ્વર ભાવમાં સ્થાપિત કર્યું છે, આવા મનનશીલ વ્યક્તિની આત્મા ઈશ્વરરૂપ થઈ જાય છે. આત્મદર્શન બહુજ કઠીન છે. મલ વિક્ષેપ આવરણને કારણ આત્મ દર્શન થતા નથી. અહંકાર,પશુપ્રવૃતિ ,મનમુખી પ્રવૃતિ છુટી જાય ત્યારે મનુષ્ય બની અંતઃકરણ શુધ્ધ થાય,મનના ભાવ બદલાય,જ્ઞાન માટે મનરૂપી દર્પણ જરૂરી છે પરંતુ તેની ઉપર વિષયરૂપી ધુળ જામેલી હોવાથી પોતાનુ અસલી સ્વરૂપ નથી જોઈ શકતો. વિવેક-વૈરાગ્ય અને સંયમથી મન જ્યારે સમજે, જે સુખ શાંતિની ઝંખના કરે છે તે આ જગત નથી આપી શકતું, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે આ જો મનમાં બેસી જાય ત્યારે પરમાત્મસ્વરૂપ સમજવાને યોગ્ય બને.

હજારો મનુષ્યોમાંથી કોઈક જ આત્મજ્ઞાનની સિધ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એવી રીતે સાધનોથી સિધ્ધ થયેલા માણસોમાંથી કોઈક જ ખરી રીતે બ્રહ્મને જાણે છે, શાક્ષાત્કાર કરે છે.માટે જ સૌ પ્રથમ મનમાં બ્રહ્મજ્ઞાનને જાણવાની , પોતાના આત્મસ્વરૂપને જાણવાની ઈચ્છા જાગે ત્યાર બાદ શાસ્ત્રનુ શ્રવણ કરવાથી પછી યુક્તિ પૂર્વક મનન કરવાથી , ત્યાર બાદ ધ્યાનનો અભ્યાસ કરવામાં તલ્લીન થવાથી એટલે કે નિદિધ્યાસનથી. આમ આત્માનુ શ્રવણ-મનન અને નિદિધ્યાસન કરીને આત્મ સ્વરૂપને અને બ્રહ્મ સ્વરૂપને જાણવુ પડે.શ્રવણ એ ઈન્દ્રિયોનો વિષય, મનન એ મનનો વિષય, નિદિધ્યાસન અને સાક્ષાત્કાર એ બુધ્ધિનો વિષય છે.આમ મન-બુધ્ધિ-ચિત્ત પ્રવૃત થવા જોઈએ. બ્રહ્મ સાથે એકતા, સત-ચિત્ત-આનંદ તે બ્રહ્મ હું છું. જીવ પોતેજ પોતાનો શત્રુ અને બંધુ છે.  મન વિષયોનુ ચિંતન કરે તો શત્રુ છે, પરમાત્માનુ ચિંતન કરે તો મિત્ર છે.બંધનનુ કારણ મન છે, મોક્ષનુ કારણ મન છે.જેણે પોતાની રીતે મનને જીત્યું છે તેનુ મન તેનો બંધુ  છે. શુધ્ધ વૃત્તિથી બ્રહ્મમાં આત્મબુધ્ધિ થાય છે એમ સિધ્ધ કરવામાં આવ્યુ છે તેથી શુધ્ધ સત્વગુણ આત્મા પ્રત્યે ગમન કરે છે. સુખ-દુઃખ-જ્ઞાન-અજ્ઞાન એ જગતનુ બીજ મન છે. એ મનનુ શોધન કરવું એટલે તેને ઉલ્ટે માર્ગે લઈ જતાં અટકાવવું. તેમાં અશન શુધ્ધિ એટલે નિષિધ્ધ અન્નનો ત્યાગ કરવો.વિષયોમાં વૈરાગ્ય રાખવો ,એક બ્રહ્માલંબનમાં ચિત્તને ફરી ફરી સ્થાપવા રૂપ અભ્યાસ કરવો આ ત્રણ ઉપાયથી ચિત્તનુ શોધન થાય છે.બુધ્ધિ બ્રહ્મમાં સ્થિર થઈ બ્રહ્મને પામે છે.

બ્રહ્મને જાણવા માટે જીવને સાત અવસ્થા થાય છે અજ્ઞાન-આવરણ-વિક્ષેપ-પરોક્ષજ્ઞાન-અપરોક્ષજ્ઞાન-શોક્નાશ-નિરંકુશ.

જીવને બ્રહ્મ વિષે અજ્ઞાન,પછી બ્રહ્મ નથી અને તે દેખાતુ નથી એવુ આવરણ થાય છે, ‘ દેહવાળો તે જ હું છું ‘ એવો વિક્ષેપ થાય, જેનાથી  સર્વ ભુત માત્ર ઉત્પન થાય છે તે બ્રહ્મ છે એવા વેદવચનરુપ આપ્તના ઉપદેશથી બ્રહ્મ છે એવું પરોક્ષ જ્ઞાન થાય છે, પછીથી ‘ તત્વમસિ’ મહા વાક્યના અર્થના વિચારથી ‘તે બ્રહ્મ હું છું’ એવુ અપરોક્ષ જ્ઞાન થાય છે, પછી દેહાધ્યાસની નિવૃતિ થાય છે તેનુ નામ શોક્નાશ. પછી નિરંકુશ તૃપ્તિ થાય છે, છેલ્લે બ્રહ્મ થઈને બ્રહ્મને પામે છે.

અહમ બહ્માસ્મિ – કેવી રીતે સાચુ મનાય ? બ્રહ્મ જેવા લક્ષણ  છે ? પોતાનુ બ્રહ્મ સ્વરૂપ જાગૃત કરવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે ? બ્રહ્મને જાણ્યો છે ? જો સંસાર પ્રત્યેનો મોહ ઓછો થાય તો આ સ્વરૂપ સમજાય. દરેક વ્યક્તિ માટે આ શક્ય છે ?

ભગવદ ગીતામાં શ્રી ક્રિષ્ણએ ઉપદેશ આપીને જે જ્ઞાન વહેતુ મુક્યુ છે તેમાં બ્રહ્મની પ્રાપ્તિ માટે ત્રણ માર્ગ બતાવ્યા, કર્મમાર્ગ-ભક્તિમાર્ગ-જ્ઞાનમાર્ગ.

કર્મ માર્ગ પર ચાલનાર જીવ કહે  ‘ હું ભગવાનનો છું ‘

ભક્તિ માર્ગ પર ચાલનાર જીવ કહે  ‘ ભગવાન મારો છે ‘

જ્ઞાન માર્ગ પર ચાલનાર જીવ કહે  ‘ હું અને ભગવાન એક છીએ ‘

હું અને ભગવાન એક છીએ, આ જ્ઞાનનો વિષય છે એટલે જ્ઞાન થયા પછી તેને મહેસુસ કરીને તેનો અનુભવ કરવાનો છે. અનુભવીને તેને આચરણમાં મુકવાનુ છે. બોલવું ઘણુજ સહેલુ છે પરંતુ સિધ્ધ કરી બતાવવુ અઘરું છે.બ્રહ્મ બનવા માટે ખુબજ પરિશ્રમ કરવો પડે છે.મનના વિકારો દુર થઈ મન કંચન સમાન શુધ્ધ બને ત્યારેજ દુનિયાને અને ઈશ્વર ને સમજવા માટે દ્રષ્ટિ બદલાય. એક જ્ઞાની બોલે ‘ અહમ બ્રમ્હાસ્મિ ‘. જ્ઞાન છે પરંતું ખરેખર તે બ્રહ્મ સ્વરૂપ બન્યો છે ? જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે આચરણમાં મુકાય અને દ્રષ્ટિ બદલાય ,’સર્વત્ર સમદર્શનામ ‘ પરમેશ્વરના સ્વરૂપનો સાશાત્કાર થઈ જાય પછી સંસારમાં દરેક જીવ પ્રાણી માત્રમાં, કણકણમાં ઈશ્વરના દર્શન થાય, ઈશ્વરને મહેસુસ કરીએ ત્યારે જ તે બોલી શકે અહમ બ્રહ્માસ્મિ.ઈશ્વર જો કણ કણમાં સમાયેલ છે તો દરેક જીવ માત્રમાં તે વસે છે. પોતાને બધુજ જ્ઞાન હોવા છતાં પણ ઈશ્વર મંદિરમાં મુર્તિમાં દેખાય છે પરંતુ કોઈ દુખી કે ગરીબમાં ક્યારેય નથી દેખાતો. જો દ્રષ્ટિ બદલાય તો શક્ય છે. અને બોલવા માટે હક્કદાર બની શકે.

કોઈ જગ્યાએ વાંચ્યુ છે, રામકૃષ્ણ પરમહંસ જ્યારે ઘાસ ઉપર ચાલતા હતા અને તેમનો પગ પડવાથી ઘાસને જે પીડા થતી હતી તે દુખ રામકૃષ્ણ પરમહંસ મહેસુસ કરી શકતા હતા.ઘાસના તણખલામાં પણ જીવ રહ્યો છે.

આ વિષય ને અનુરૂપ ભાગવતમાં જડભરતની એક સુંદર વાર્તા છે, રાજા રહુગણ તત્વજ્ઞાનનો  ઉપદેશ લેવા માટે કપિલમુનિના આશ્રમમાં જાય છે.રસ્તામાં માણસ પાલકી ઉચકનાર થાકી ગયો હતો એટલે તેની બદલીમાં માણસ મુકવાનો હતો રાજાએ ભરતજીને મુઢની જેમ ઊભેલા જોઈને તેમને પાસે બોલાવી પાલકી ઉંચકવાનુ કહ્યું. તેઓ રાજાની ડોલી ઉઠાવીને ચાલતા હતા રસ્તામાં કીડી, નાના જીવ આવે તો તેના પર પગ પડી ન જાય તેથી કુદકો મારે અને ડોલી ડગમગી જાય.નાના જીવની હત્યા ન થાય તેનુ ધ્યાન રાખે. આવુ વારંવાર થતાં રાજા ગુસ્સે થાય છે અને કુદકા મારવાનુ કારણ પુછે છે, રાજા કહે છે, મુર્ખ તૂં તગડો છે છતાં આમ મરેલાની માફક શું ચાલે છે ? તૂં જીવતાં મુઆ જેવો છે, તને વજન વધુ લાગે છે ? સીધો ચાલ નહી તો હું તને મારીશ. તૂ જાણતો નથી હું આ પ્રદેશનો રાજા છું તને બરાબર સજા કરીશ.

રાજાના અભિમાન ભર્યા શબ્દ સાંભળીને ભરતજીને દયા આવી, અને વિચાર્યું તેનો ઉધ્ધાર કરવો જોઈએ. ભરતજીને રાજા રહુગણને બોધ આપવાની ઈચ્છા થાય છે. સદા મૌન રહેતા ભરતજી રાજાને સતસંગનો મહિમા સમજાવતાં કહે છે “ રાજન તેં કહ્યું કે હું બહુ તગડો છું પણ તે તો શરીરનો ધર્મ છે આત્માનો નથી હું શરીર નથી શરીરનો સાક્ષી છુ હું દુબળો નથી, પુષ્ટ નથી, તેં કહ્યું કે તૂં જીવતો મુઆ જેવો છે, મને તેં કહ્યું વજન લાગે છે કે શું ? અરે વજન નામની કોઈ વસ્તુ જ નથી જ્ઞાનીઓ તો એવું માને છે કે જગત ખોટું છે, પરમાત્મા સીવાય બીજું કંઈ સત્ય નથી. વજન એ મનની કલ્પના છે, વજનનો સવાલ મન સાથે છે, આત્મા સાથે નહી, હું મન નથી મનનો સાક્ષી છું, હું ચેતન છું, પરમાત્માનો અંશ છું. રાજા તેં કહ્યું હું તને મારીશ, આ શરીરથી હું જુદો છું, શરીરને કોઈ મારે તો મારી ચાલ નહી સુધરે. મેં બ્રહ્મ દ્ર્ષ્ટિ સ્થિર કરી છે. ( ભરતજીની બ્રહ્મનિષ્ઠા પ્રકટ થઈ છે. )પગ તળે કોઈ જીવની હિંસા ન થાય માટે કુદકા મારું છું.

ભરતજીને સાંભળીને રાજા વિચારવા લાગ્યા આ તો વેદાંતનો સિધ્ધાંત બોલે છે, કોઈ સાધારણ મનુષ્ય નથી.ભરતજીના ખભે જનોઈ જોઈને રાજાને ખાત્રી થઈ કે બ્રાહ્મણ છે કેવલ જાતનો નહી તેણે બ્રહ્મદ્રષ્ટિ સ્થિર કરી છે.રાજાને ભુલ સમજાઈ, પાલખીમાંથી ઉતરી ભરતજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કર્યા, પુછે છે આપ કોણ છો ? આપનો પરિચય આપો, કંઈક ઉપદેશ આપો. ભરતજીએ  કહ્યું મેં એક વખત ભુલ કરી હરણનુ ધ્યાન કરતો હરણનો જનમ લેવો પડ્યો, એક વાર પશુ થયો હવે હું સાવધાન રહું છું, મન ઉપર જરાય

વિશ્વાસ નથી રાખતો, સતત ભક્તિ કરું છું.. જ્ઞાન અને ભક્તિ, વૈરાગ્યથી દ્ર્ઢ થાય છે જગત સ્વપ્ન જેવું છે, સંસાર કલ્પિત છે.રાજાને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો.

જે સ્થુલ શરીરને  ‘હું’ માનીએ છીએ તે જ અજ્ઞાનતા છે. સાચુ  શુક્ષ્મ સ્વરૂપ જે પોતાનુ આત્મ સ્વરૂપ કોઈ માનવા અને જાણવા માગતું નથી. આત્મસ્વરૂપ્ને સમજવુ બહુજ કઠીન છે.પહેલાં બ્રહ્મ જ્ઞાન કરવાનુ છે પછી આત્મજ્ઞાન. કર્મ અને મૃત્યુ બંનેમાંથી છુટીને બ્રહ્મને પ્રાપ્ત કરવાનુ છે. પોતાના બ્રહ્મ સ્વરૂપનો અનુભવ થાય તે જ બ્રહ્મ પ્રાપ્તિ છે. બ્રહ્મજ્ઞાની બનીને જ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. હું શરીર-પ્રાણ-ઈન્દ્રિયો વગેરે નથી પરંતું આ બધાની અંદર સ્થિત પ્રત્યકસ્વરૂપ જે ચૈતન્ય છે તે હું છું એવો નિશ્ચય થઈ જાય તે જ બ્રહ્મસ્વરૂપ થઈ જાય.આત્મા અનંતની સફરે નીકળ્યો છે અનેક જન્મ-મરણ પછી તે પરમ તત્વમાં જ વિલીન થઈ જવાનો છે. તેનુ ધ્યેય, એક લક્ષ્ય ફક્ત પરમાત્મા જ છે. વેદો સમજાવે છે, દરેક મનુષ્ય બ્રહ્મસ્વરૂપ છે, પરંતુ તે સ્વરૂપને પામવા માટે અથાગ પરિશ્રમ કરવો પડે , તે તત્વની ખોજ માટે સાધના કરવી પડે આપ મેળે ક્યારેય ન મળે.આપણે સૌ જાણીએ છીએ આ સ્વરૂપને પામવા આપણા  ઋષિમુનિઓ વર્ષો તપસ્યા કરતા હતા.

ગોસ્વામિ તુલસીદાસજી ભગવાનના શબ્દો કહે છે,

“ મોરે પ્રૌઢ તનય સમ જ્ઞાની. “

જ્ઞાની મારો મોટો દિકરો છે, જ્યારે ભક્ત મારો નાનો બાળક છે. જ્ઞાની ભગવાનનુ ધ્યાન કરે, જ્યારે ભગવાન ભક્તનુ ધ્યાન રાખે છે છતાં પણ બંને ઉપર ભગવાનને સરખી કૃપા હોય છે.ખરેખર તો અહમ બ્રમ્હાસ્મિ માટે પણ બ્રહ્મની કૃપા થવી જોઈએ.કરોડો જીવોમાંથી અલ્પ જીવોનો કેમ ઉધ્ધાર થાય છે.જેને પ્રબળ ઈચ્છા જાગૃત થાય તેને આ પદ પામવા માટે સહાય કરે.જેને સંસારના ભોગ વિલાસમાં આનંદ મળે છે તેને તો આને માટે પરિશ્રમ નથી કરવાનો પરંતું જેને પરમ પદ પામવું છે તેને  વિવેક-વૈરાગ્ય અને સંયમથી દ્રઢ બનીને અહમ દુર કરીને  સાધના કરીને આગળ અવશ્ય વધે છે.

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

1 Response to અહમ બ્રહ્માસ્મિ.

  1. nabhakashdeep કહે છે:

    આધ્યાત્મનું ઉડાણ સ્પર્શતા લેખ એ આપના સંસ્કારના ઓજસ જેવા છે..મને ખૂબ જ આવા લેખો માણવાનો આનંદ છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s