કુમાર
સામાન્ય રીતે નાના છોકરાના નામની પાછળ કુમાર લગાડવામાં આવે છે. પરંતું આ ઉપનામ સોળ વર્ષ સુધીજ તેના માટે બરોબર ગણાય. સોળ વર્ષ પછીથી તે કુમાર ગણાય નહી. કુમાર એ એક અવસ્થા છે (પ્રથમ અવસ્થા ). ૫ થી ૧૬ વર્ષની ઉંમર.
કઠોપનિષદમાં ઉદ્દાક ઋષિ અને તેના પુત્ર નચિકેતાની વાર્તા છે. ઉદ્દાક ઋષિ પોતાની કિર્તિ વધે તેના માટે દાનના હેતુ વિશ્વજીત યજ્ઞ કરે છે તેમાં ‘ सर्ववेदसम् ददौ ‘ પોતાની સંપુર્ણ સંપત્તિ દાન માટે મુકી દીધી પરંતુ તેમના પુત્ર નચિકેતના મોહને કારણ સારી સારી ગાયો એક બાજુ રાખી અને ઘરડી થઈ ગયેલ દુધ ન દેતી હોય એવી ગાયો દાન માટે અલગ કરી. નચિકેતે આ જોયું અને તેને સમજાયું મારા પિતા જે કરે છે તે ધર્મને વિરુધ્ધ કામ કરી રહ્યા છે, પુત્ર મોહને કારણ તે અધર્મ કરી રહ્યા છે. પુત્ર તરીકે મારી ફરજ છે મારા પિતાને પાપ કરતા રોકવા જોઈએ. પુત્ર વિવેકી અને પિતૃભક્ત હોવાથી પિતાને પુછે છે, હે પિતા તમે બધી સંપત્તિ દાનમાં આપવા માગો છો હું પણ તમારો છું ,મને કોને દાનમા આપશો ? સીધી રીતે કહે કેમ સારી ગાયો મારે માટે રાખી અને ખરાબ ગાયો પુરોહિતને આપો છો ? તો પિતાનુ બધાની વચ્ચે અપમાન થાય, પિતાને દુખ થાય માટે પુછ્યુ મને કોને દાનમાં આપશે ? પિતાને ક્રોધ આવ્યો પરંતુ કંઈ બોલ્યા નહી, ક્રોધ કરે તો યજ્ઞનુ ફળ ન મળે, યજ્ઞમાં ક્રોધ ન કરાય. પિતાએ જવાબ ન આપ્યો એટલે પુત્રએ બીજી વખત પુછ્યુ તો પણ જવાબ ન આપ્યો, ત્રીજી વખત પુછ્યુ હે પિતાજી મને કોને દાનમાં આપશો ? એટલે ઋષિ ગુસ્સે થયા અને કહ્યુ “ म्रुत्यवे त्वाम ददामि “ તને મૃત્યુને આપીશ. નચિકેત વિચારે છે, મારા પિતા મને મૃત્યુને આપવા માગે છે નક્કી તેની પાછળ કોઈ ઉદ્દેશ્ય હશે, કોઈ પિતા પુત્રેને મૃત્યુને ન આપે. ઋષિ ક્રોધમાં બોલ્યા પરંતું પારાવાર પછતાવો થાય છે. નચિકેત પિતાને સમજાવીને શાંત્વન આપે છે , નચિકેતા બાળક છે પરંતું ઋષિપુત્ર હોવાને કારણ શાસ્ત્રશ્રધ્ધા બહુજ હતી. પિતાના વચનનુ પાલન કરા માટે યમરાજ પાસે જવાનુ નક્કી કરે છે. નચિકેતની કુમાર અવસ્થા છે.
ભગવદ ગીતાની જેમ કઠોપનિષદમાં કર્મ-ભક્તિ અને જ્ઞાનનો સમનવય કરવામાં આવ્યો છે.ફક્ત શબ્દ પ્રયોગ અલગ છે.
કર્મકાંડ-ઉપાસનાકાંડ-જ્ઞાનકાંડ.
કર્મકાંડ એટલે કઈ વસ્તુ કરવી જોઈએ અને કઈ વસ્તુ ન કરવી જોઈએ. એનો અર્થ એકજ કયાં કાર્ય કરવાથી અધર્મ થાય અને કયાં કાર્યથી ધર્મ થાય. ધર્મ-અધર્મનુ જ્ઞાન છે.
ઉપાસનાકંડ એટલે તેમાં દેવતા વિષયક જ્ઞાન છે જેના દ્વારા દેવાત્મભાવની પ્રાપ્તિ થઈ શકે.દરેક મનુષ્યમાં ભાવધારા ચાલે છે , તે જગતને પકડે તો મોહ ઉત્પન કરે છે. અગર પરમેશ્વર સાથે સંબધ થઈ જાય તો આપણા હ્રદયમાં વિશુધ્ધ પ્રેમનો વિકાસ થાય છે. આ પ્રેમ પરમતત્વ સાથે જોડી દે છે.
જ્ઞાનકાંડ ત્રણ વસ્તુનુ જ્ઞાન કરાવે છે. સ્વની પહેચાન , પરમેશ્વર શું છે , જગત શું છે. જ્ઞાનકાંડ મનુષ્યને દેહાદીથી અલગ કરે છે. આત્મા અને શરીરનો ભેદ બતાવ્યો છે.
આ ત્રણકાંડનુ જ્ઞાન સમજાવતાં વર્ણન છે. જ્ઞાન માટે સૌ પ્રથમ મન સ્થિર હોવું જોઈએ. ગીતામાં પણ શ્રી ક્રિષ્ણ અર્જુનને યુધ્ધ માટે તૈયાર કરતા પહેલાં જ્ઞાન આપે છે તેમાં કર્મયોગ-ભક્તિયોગ-જ્ઞાનયોગ સમજાવતા સૌ પ્રથમ સ્થિત પ્રજ્ઞ લક્ષણ સમજાવે છે. અર્જુનના મનની અંદર જે કામનાઓ છે તેને દુર કરીને મન સ્થિર કરવાનુ છે જ્યારે અહિયાં નચિકેત કુમાર છે , જેની કામના સ્થિર છે.
કુમારનો અર્થ છે,
કુ – સ્થિર , માર – કામ = સ્થિરકામના. ( જેની કામ વાસનાઓ સ્થિર છે)
આ અવસ્થામાં કામ પુર્ણ સ્વરૂપમાં નથી આવતો.કામ જ્યાં સુધી તીવ્ર ન થાય ત્યાં સુધી વિકૃતિ ઉત્પન નથી કરતો આ અવસ્થા એવી છે જ્યાં બાલક બુધ્ધિને કારણ મનની અંદર કોઈ પણ ભાવ વધારે રહેતો નથી.જે પણ કંઈ કરે તેને સાચુ માનીને ન કરે. દરેક કાર્ય એક ખેલ સમજીને કરે માટે કોઈ પણ ભાવ વધારે વખત મનમાં ટકી ન રહે.કુમાર અવસ્થામાં બધો વ્યવહાર ક્રિડાત્મક હોય છે.આ અવસ્થામાં મનમાં કોઈ ગ્રંથિ નથી રહેતી.કુમાર અવસ્થામાં સ્થિરકામ હોય છે, કામનુ બીજ હોય પરંતું અંદરથી વિકૃતિ નથી હોતી.નચિકેત કુમાર હોવાથી તેનામાં સ્થિરતાનાં બધાં લક્ષણ છે માટે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય ગણાય.
કુમાર અવસ્થા પુરી થયા પછીજ મનની અંદર શંકા-આશંકાઓ જાગે છે, ધીમે ધીમે સંસારના વ્યવહારથી મન ડહોળાઈને, અનેક ભાવો જાગૃત થઈને માયાને કારણ કામનારૂપી મેલ જમા થાય છે.
નચિકેત વિચારે છે દુષ્ટો માટે યમરાજ કહેવાય સજ્જનો માટે તેમનુ નામ ધર્મરાજ છે, માટે હું ધર્મરાજ પાસે જઈશ. અહિયાં ધર્મરાજ જ્યારે નચિકેતની પિત્રુભક્તિ, દ્રઢ શ્રધા જોઈ ત્યારે ત્રણ વરદાન માગવાનુ કહે છે તેમાં નચિકેતે પિતા માટે તેમની ખુશી માગી છે.ધર્મરાજને પણ યોગ્ય શિષ્ય મળી ગયો એટલે તેમણે વિચાર્યુ વગર માગે મારી પાસે જે જ્ઞાન છે તે સંપુર્ણ જ્ઞાન હું તેને અર્પણ કરીશ. કારણ નચિકેત સંપુર્ણ જ્ઞાન ગ્રહણ કરવા માટે યોગ્ય હતો. તેની ઉંમર એવી છે જ્યાં મનની અંદર જે જ્ઞાન પ્રાપ્ત કર્યુ હોય તે જીવનભર ટકી રહે છે. ધર્મરાજને નચિકેતા યોગ્ય શિષ્ય મળી ગયો જેનુ મન શુધ્ધ છે,મનમાં કોઈ જાતની ગ્રંથી નથી, તેનુ અંતઃકરણ શુધ્ધ છે, માટે તેને ત્રણકાંડનુ જ્ઞાન આપતાં ધર્મરાજને આનંદ થાય છે.મનની શુધ્ધતા ન હોય તો તે જ્ઞાન પચાવી ન શકે. પરમતત્વને સમજવા માટે બાળક જેવા બનવું પડે છે , કુમાર બુધ્ધિથી બ્રહ્મને સમજી શકાય.
સરસ. કુમારનો આવો ગહન અર્થ થાય તે આ વાંચીને ખબર પડી.
સરયૂ