તમે થોડા થાવ વરણાગી.

થાવ થોડા વરણાગી

પ્રકૃતિમાં નવ રસ સમાયેલા છે.

શાંતિ – ભક્તિ – રૌદ્ર – ક્રોધ – હાસ્ય – અદભુત – બિભસ્ત – શ્રીંગાર – વીર.

આ નવ રસમાં પ્રકૃતિ રાચે છે. દરેક મનુષ્યમાં આ રસ  વધારે ઓછા પ્રમાણમાં જોવા મળે. દરેકના સ્વભાવ પ્રમાણે બધા રસનુ પ્રમાણ રહેલું છે. આ બધા રસોનુ મુળ છે, સત્વગુણ – રજોગુણ – તમોગુણ. આ ગુણો જેનામાં જેટલા તીવ્ર હોય એ પ્રમાણે દરેક વસ્તુમાં વ્યકિના ભાવ અને રૂચિ હોય છે. મોટે ભાગે સ્ત્રીઓમાં શ્રીંગાર રસ વધારે હોય છે અને આ કુદરતી રીતે જ દરેક સ્ત્રીમાં સમાયેલો હોય એટલે દરેક સ્ત્રીને શણગાર સજવાનો શોખ હોય એ સ્વભાવિક છે,આભુષણો, સજવુ સવરવુ એમાં તેની રુચિ હોય. કોઈ વધારે શણગાર સજે કોઈ ઓછા. પરંતુ એક પણ સ્ત્રી  શ્રીંગાર રસથી બાકાત ન જોવા મળે. દરેક સ્ત્રીની ઈચ્છા હોય તે સુંદર દેખાય, તેને માટે તે તેની ઈચ્છા અનુસાર કપડાં ,ઘરેણાં, પહેરે, મેકઅપ કરે. કપડાંની સાથે સાથે મેચિંગ સેંડલ અને પર્સ જરુર હોય. જાણીએ છીએ ત્રણ વર્ગમાં સમાજ જીવે છે, ગરીબ-શ્રીમંત અને મધ્યમવર્ગ ,જેવું જેનુ સ્ટેટસ તે પ્રમાણે તેના શણગાર. તેમા પણ ઓફિસના માટે જુદા, પાર્ટી માટે જુદા, લગ્નના જુદા,ઘરમાં તેમજ શોપિંગના જુદા પ્રસંગને ધ્યાનમાં રાખીને સજવાનુ. આજના યુગમાં ફેશનમાં ફરવાનુ કોને ન ગમે ? ભારતમાં કોલેજમાં ભણતી ઘણી છોકરીઓ એવી હોય જે ફેશન પાછળ એટલી ગાંડી-ઘેલી થઈ જાય છે, ફેશન પુરી કરવા માટે પૈસાની જરૂર પડે તેના માટે ઉંધા રસ્તા અપનાવતા પણ ડરતી નથી.પોતાને ભાન પણ નથી રહેતુ તે કયે રસ્તે જઈ રહી છે, જીંદગી બરબાદ થઈને રહે છે.

વરણાગીને બીજા અર્થમાં ફેશન કહી શકાય. આધુનિક યુગમાં જ્યાં ફેશનની વાત થાય ત્યારે મૉઢામાંથી ચોક્ક્સ શબ્દ સરી પડે “ અરે ફેશન અધધ ! “ હા સમય પ્રમાણે ફેશન બદલાતી રહે છે.નીત નવી ફેશન જોઈને  દાદા-દાદી  જરુર બોલશે આ ફેશને તો માઝા મુકી છે. આ છોકરીઓને જરાય લાજ-શરમ નથી , કેવાં કપડાં પહેર્યાં છે ? અડધું અંગ તો ખુલ્લુ ! અંગ પ્રદર્શનની જાણે હરિફાઈ ચાલી હોય એવું લાગે છે,દુનિયા ક્યાં જઈને અટકશે ? ઘોર કળિયુગ આવી ગયો છે.આવી છોકરીઓને તો ભગવાન બચાવે. ઘરમાં આટલા સોનાના દાગીના પડ્યા છે અને ખોટા નકલી ઘરેણાં પાછળ પૈસા બરબાદ કરે છે. સોનુ લીધું હોય તો કાલે ઉઠીને જવાબ આપે આ નકલી તો કુવામાં ફેંકવાનુ. અસલી હીરા છોડીને ખોટા પથરા પાછળ પૈસા બગાડવાના. અમારા જમાનામાં જો અમે આવા ફરીએ તો અમારા બાપા અમને એક થપ્પડ ચોક્ક્સ મારી દે.અમને અમારા મા-બાપની બીક હતી સમજી વિચારીને ફેશન કરતાં હતાં આજકાલની છોકરીઓને બીક અને શરમ જેવું કંઈ છે નહી, બસ મનમાં ફાવે તેમ કરો, કોઈનુ સાંભળવું નથી. આજની ફેશને તો સત્યાનાશ વારી દીધું છે.દાદી રાડો પાડતાં જ રહે તેમને આજકાલની છોકરીઓ સાંભળવાની છે ? તેમને માટે પૈસા મહત્વના નથી ફેશન મહત્વની છે.

ફેશન યુગોથી ચાલી આવી છે. શકુંતલાનુ કોઈ પેઈન્ટીંગ જોઈએ તો તેમાં તેના શણગાર માટેના આભુષણો ફુલોથી બનાવેલા જોવા મળે, માતા સીતાનુ વનવાસ દરમ્યાનના ચિત્ર જોઈએ તો તેમાં પણ તેમના આભુષણો ફુલોથી બનાવેલા દેખાઈ આવે. સમય બદલાય તેમ પરિવર્તનને કારણ આભુષણોમાં બદલાવ આવે.સ્ત્રીઓને ફેશન કરવી ગમે છે. પુરૂષોને તો કપડાંમાં જ ફેશન જોવા મળે, બીજી કોઈ ફેશન હોય નહી.આભુષણોમાં વીંટી અને ચેન વીના બીજા કોઈ ઘરેણા પહેરાય નહી. હા ભગવાનનુ સ્વરૂપ આપણે ઘરેણાથી લદબદ કરી દીધુ છે. ભગવાનને આભુષણો પહેરાવીએ છીએ અને સાચેજ  ભગવાનને  શોભે પણ છે. જુના વખતમાં રાજા-મહારાજા આભુષણો પહેરતા. ભપ્પીલહેરી જેવા કોઈ અપવાદરૂપ હોય જેના શરીર પર બે કિલો સોનુ હમેશાં હોય આતો શોખની વાત છે, તેમનામાં કદાચ શ્રીંગાર રસ ભગવાને મુક્યો હોય, એમાં ખોટું પણ શું છે ? લોકશાહી તંત્રમાં બધા ફ્રી છે. ભગવાન આભુષણો પહેરે તો સામાન્ય પુરૂષ કેમ ન પહેરી શકે ? શણગાર સજવા એ કોઈ સ્ત્રીઓની જાગીર થોડી છે. પુરૂષો ચાહે તો શણગાર કરીને વરણાગી કરી શકે, જોઈને એવું લાગે કદાચ ફિલ્મ કે નાટકમાં ભગવાન કે રાજાનુ  કોઈ પાત્ર ભજવી રહ્યા હશે.

આપણી હિન્દુ સંસ્કૃતિના સ્ત્રીના અસલ શણગાર ક્યારે જોવા મળે જ્યારે એક છોકરી દુલ્હનના વેષમાં હોય પગથી માથા સુધીના શ્રીંગાર, અતિ સુંદર અને અદભૂત ! સુંદર દ્રષ્ય ! અપ્સરા સમુ સ્વરૂપ ! તેનુ રૂપ નીખરી આવે. દુલ્હન સામેથી નજર હઠે જ નહી, એને નીરખ્યાજ કરો. આ એકજ એવો પ્રસંગ છે જ્યાં એક સ્ત્રી સોલશણગાર સજીને સજ્જ હોય છે.

સંસાર છોડીને ભગવાં ધારણ કરીને સંન્યાસ લીધો હોય તે સ્ત્રીઓની વાત અલગ છે જે પોતાની મરજીથી બધા શણગાર ત્યજી દે. સંસાર ત્યજો એટલે તેના જીવનમાં ફેશન જેવી કોઈ વસ્તુ ન રહે. બિચારી વિધવાને નાની ઉંમર હોય કે મોટી ઉંમર તેને ફેશન કરવાનો કોઈ અધિકાર હોતો નથી.સગાં-સંબંધી જ તેને તેના શણગાર ઉતારવાનુ કહે તેનુ સાચુ ઘરેણુ તેનો પતિ છે, પતિ મરી ગયો એટલે તેણે શણગાર સજીને સુંદર દેખાવાની જરૂર નથી એમ સમાજ માને. જોકે સમય બદાલાય એટલે રિતી-રિવાજોમાં પરિવર્તન આવવાથી હવે સમાજ કે પરિવારના લોકો કોઈ એટલા સ્ટ્રીક નથી., ઘણી બધી છુટ મળે છે.જુના સમયમા એક વિધવા માટે બહુજ કડક નિયમ હતા. અત્યારે બધું બદલાઈ ગયું છે, કોઈ પણ કલરના કપડાં પહેરી શકે. સમય બદલાયો છે તેને હવે  બિચારી કહેવું યોગ્ય નથી.

વર્ષો પહેલાં લગ્ન વખતે છોકરીના દાંતને પણ રંગવામાં આવતા હતા, જે રંગ કાયમ માટે દાંત પર રહે.રંગ થોડો આછો થાય પરંતું મરતાં સુધી રહે. નાની હતી છતાં પણ મને બરાબર યાદ છે, મારા બંને ફોઈઓના દાંત ગુલાબી રંગના હતા. ફોઈ જ્યારે સાસરેથી અમારે ઘરે આવે ત્યારે નાનપણમાં કુતુહલ પુર્વક સવાલ કર્યો હતો, ફોઈ અમારા દાંત સફેદ છે તમારા ગુલાબી કેમ ? ત્યારે ફોઈએ સમજાવ્યું હતું લગન વખતે દાંતને રંગવાનો રિવાજ હતો એટલે અમે પણ દાંત રંગ્યા હતા.કેવી રીતે દાંતને રંગવામાં આવે તે આખો પ્રોસેસ કહ્યો હતો પરંતું તે વખતે ઉંમર નાની હતી યાદ નથી. હા એ યાદ આવે છે કહેતા હતા મૉઢુ સોજાઈ જાય ચાર દિવસ સુધી અમે ખાઈ શક્યા ન હતાં.

હવે જોઈએ તો સ્ત્રીનુ એક પણ અંગ શણગાર વીના બાકી હોય છે ? વાળની સજાવટ, જુદી જુદી હેર સ્ટાઈલ તેના પર તાજા ફુલો- વેણી કે ગજરા ! અત્યારે તો જુદી જુદી વસ્તુઓથી ડેકોરેશન ! આંખ-કાન-માથુ-કપાળ-હોઠ-નાક-દાંત-ગળુ-હાથ-બાજુબંધ- આંગળી-કમર-પગ, દરેક અંગના ઘરેણા અને તેમાં પણ દરોજ નવી વિવિધતા, એક નાનકડી માથાની બીંદી, કેટીલી બધી વિવિધતા. બધા આભુષણોમાં દરોજ નવી ડિઝાઈન.નવી ડિઝાઈન આવે એટલે સ્વભાવિક છે આપણી આંખોને નવી ડિઝાઈન ગમે એકની એક જોઈને થાકી ગયા હોઈએ એટલે જ્યાં નવી ડિઝાઈન આવી ત્યાં સ્ટોરમાં તેને માટે પડાપડી. આ પરિવર્તનનો નિયમ છે. આ સંસારમાં કુદરતનો નિયમ છે, જડ-ચેતન બંનેમાં પરિવર્તન આવ્યા જ કરે છે.એક જોતાં તો પરિવર્તનને કારણ ફેશન બદલાતી રહે તેમાં કેટલા બધા લોકોને રોજી મળી રહે છે. સ્ત્રીઓના શણગાર થકીતો લોકો વેપાર – ધંધો કરીને લખપતિ અને કરોડપતિ બન્યા છે.દરેક દેશમાં બ્યુટીપાર્લરના ધંધા પુર જોશમાં ચાલે છે. ઘણી વખત વિચાર આવે, જાણે સ્ત્રીઓને લીધે દુનિયા ચાલી રહી એવું  નથી લાગતું ? જો સ્ત્રીઓ ફેશન ન કરતી હોત તો મિલોમાં બનતાં મટીરીયલ્સ, સૌન્દર્ય પ્રસાધનો, હિરા અને સોનાના વેપારીઓ, ફેશન ડીઝાઈનરો, દરજી, એમ્બ્રોડરી વર્ક કરતા અરે ગણવા બેસીએ તો યાદીનો મોટો ચોપડો લખાય. સ્ત્રીઓને લીધે વેપાર-ઉદ્યોગ ચાલી રહ્યા હોય એવું લાગે છે. ફેશનને કારણ ઘરની અંદર ખર્ચા પણ સ્ત્રીઓના વધારે હોય.જેની પત્ની સમજદાર હોય તે તો નસીબદાર છે. જો પત્ની ફેશનેબલ હોય તો પછી તો પુછવું જ શું. ફેસબુક પર શોઓફ કરવાની ઘણાને બહુ ટેવ હોય છે. એક દિવસ જોયું હતુ એક છોકરીએ લખ્યુ માય ન્યુ કાર લેક્ષસ, બીજે જ દિવસે તેની બેનપણીએ લખ્યુ માય ન્યુ કાર મર્સીડીસ, બંનેએ ફોટા સાથે ગાડીઓ મુકી હતી અને લખ્યુ હતુ. હવે આવી પત્ની જો મળી જાય તો પતિની શું હાલત થાય.

જુના સમયમાં સાસરામાં વહુ માટે ઘણી બધી મર્યાદા, રિતી રિવાજ,બંધનને કારણ તેને સમાજે બાંધેલા નિયમોમાં રહેવુ પડતું હતું. નવી દુલ્હન અને નાની વહુઓ પગમાં પાયલ પહેરે એટલે જ્યારે ચાલે ત્યારે તેના અવાજથી સસરા અને જેઠને ખબર પડે વહુ પસાર થઈ રહી છે એટલે ત્યાંથી થોડા આઘાપાછા થઈ જાય જેથી મર્યાદા સચવાઈ રહે.આજે તો સાપ ગયા અને લિસોટા રહી ગયા જેવી વાત છે. સાસુ-સસરા, વહુને દિકરી સમાન માને માટે કોઈ મર્યાદાઓ હોતી નથી. સમય અને રિતી-રિવાજોમાં પરિવર્તન આવવાને કારણ વહુ અને સસરા બાપ દિકરીની જેમ વાત કરી શકે છે.

જાત જાતના અને ભાત ભાતનાં કપડાં, આપણા ભારતમાં કપડાં અને આભુષણોની જેટલી વિવિધતા છે એટલી દુનિયાના કોઈ દેશમાં નહી હોય.દરેક રાજ્ય અને પ્રદેશ પ્રમાણે વેશ તે પ્રમાણે ફેશન.ફેશનની કૉપી ફિલ્મોમાંથી વધારે થાય છે, દરેક છોકરીને ઐશ્વર્યારાય બનવું હોય. તે ક્યાંથી શક્ય બને ? ડીઝાઈનરો પણ પોતાના સ્વાર્થ ખાતર અંગ પ્રદર્શન થાય એવી ડીઝાઈન બજારમાં મુકે.અત્યારનો સમય જોઈએ તો ફેશનને કારણ જ દુનિયામાં બળાત્કારના કેસ વધી રહ્યા છે. ટુકાં ખુલ્લા કપડાં પહેરવાથી તમે પશુ વૃત્તિવાળા માણસોને ખુલ્લે આમ આમંત્રણ આપી રહ્યા છો. ફેશન પણ દેશ-પ્રદેશ, આબોહવા,વાતાવરણને અનુકુળ થાય તો બરાબર કહેવાય, જે ફેશન પોતાને કોઈ હાની ન પહોચાડે. હા થોડા વરણાગી થવાનુ પણ ફેશનની મર્યાદા ઓળંગીને નહી. વરણાગી કરવી એ ખરાબ નથી પરંતું તેની લીમીટમાં રહીને થાય તો શોભી ઉઠે.ખરેખર તો જેટલી સુંદરતા સાદગીમાં છે એટલી ફેશન કરવાથી રહેતી નથી. સાદગીમાં રહેતી વ્યક્તિનુ મન અને તેના વિચારો તેના ચહેરા પર ઉપસી આવે છે.કોઈ પણ વ્યક્તિ તેનુ મન વાંચી શકે. સાદગી એતો ભગવાને આપેલુ કુદરતી સૌન્દર્ય છે, જે હમેશાં ખીલીને શોભી ઉઠે છે. એક નાનુ બાળક છોકરો હોય કે છોકરી તેણે ક્યાં વરણાગી કરી છે છતાં પણ નાનુ બાળક કેટલુ વ્હાલુ લાગે છે, પારકુ હોય તો પણ પ્યારુ લાગે આપણે તરત જ રમાડવા બેસી જઈએ.

અત્યારે ફેશન શેમાં નથી ? બધીજ વસ્તુમાં ફેશન ! ફોન-ટીવી-ઘડિયાળ ,જીવન જરૂરિયાતની બધીજ વસ્તુમાં પરિવર્તનને કારણ ફેશન. ૨૧ મી સદી છે ,આખી દુનિયા ફેશનમાં જ જીવી રહી છે. કપડાં અને ઘરેણામાં નહી તો બીજી રીતે, આમ જોવા જઈએ તો આ યુગને ફેશન યુગ કહીએ તો ખોટું નથી તેમાં રહેનારા કોઈ બાકાત કેવી રીતે રહી શકે ? જમાના સાથે કદમ મીલાવીને ન ચાલીએ તો એક બાજુ ફેંકાઈ જવાય, જે પ્રવાહ ચાલી રહ્યો છે તેની સાથે મનથી કે કમનથી ચાલવું જ પડે છે માટે બધાજ જાણે અજાણે ફેશનના રંગમાં રંગાઈ જવાના છે,જો તેમાંથી બચવા માગીએ તો કોઈ સામેથી આવીની આપણને ચોક્ક્સ કહેશે

“ તમે થોડા થોડા થાવ વરણાગી “

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s