મારો શું વાંક છે ?

દોષિણી

મારો શું વાંક છે  ?

અવની – “ બાપુજી મને આ છોકરો પસંદ નથી. મેં ગ્રેજ્યુએશન પુરુ કરી લીધું છે અને અમર મેટ્રિક્માં નાપાસ. બાપુજી ઓછુ ભણેલા છોકરા સાથે મારે લગન નથી કરવા. “

મહેન્દ્રભાઈ – “ બેટા આટલો સારો રિસ્તો તને કેમ પસંદ નથી. તારે ભણતર સાથે શું લેવા દેવા ? છોકરાવાળા બહુજ અમીર છે. થાણામાં એ લોકોને મોટી ફેક્ટરી છે, બીજા પણ ભાગીદારીમાં વેપાર છે. મુંબઈમાં રહેવાનુ બેટા તું ત્યાં આગળ રાજ કરીશ. ના શું કામ પાડે છે ? “

અવનીએ ના પાડી એટલે અવનીને સમજાવતાં પિતાની આંખમાંથી અશ્રુ સરી પડ્યાં. આ જોઈ અવનીનુ હ્રદય હચમચી ગયું. તેનાથી પિતાની આંખમાં આંસુ જોવાતા નથી. બોલી બાપુજી આમ તમે દુખી ન થશો. તમને ઠીક લાગે તેમ કરજો. તમે મારું સારુ જ ઈચ્છવાના છો, કોઈ બાપ દિકરીને કુવામાં ન ફેંકે.બાપુજી મને ભણેલો છોકરો જોઈતો હતો માટે જ હું ના પાડતી હતી.હુ તમારા દિલ ને દુખ પહોંચાડવા નથી માગતી.મહેન્દ્રભાઈ એક મિડલ ક્લાસ પરિવાર ધરાવે છે. સંસ્કારી ખાનદાન ખાધે પીધે સુખી હતા.મહેન્દ્ર્ભાઈના ઘરમાં બધા સાદા સીધા, અને બાળકોને માતા મીનાએ નાનપણથી જ સંસ્કારોનુ સિંચન કર્યું હતું.અવનીએ હા પાડી એટલે બંને પરિવાર ભેગા થયા, છોકરા છોકરીને એક બીજાએ જોઈ લીધા, બંનેએ સંમતી આપી એટલે અવની અને અમરની સગાઈ નક્કી કરી, એક મહિનામાં લગ્ન લેવાયા. અવનીને એન્જીનિયર છોકરો જોઈતો હતો. આપણે જે જોઈતુ હોય તે જીવનમાં હમેશાં થોડુ મળે છે ? ભાગ્યના ખેલ છે, ભાગ્યમાં લખ્યુ હોય એમ જ થાય.

અવનીએ અનેક અરમાનો અને આશાઓ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં, કોડ ભરી કન્યા લગ્નની પહેલી રાત , સવારે છ વાગે ઉઠીને નીચે આવી સાસુને જય શ્રી ક્રિષ્ણ કહીને પગે લાગી, આશિર્વાદ આપવાના તો બાજુમાં રહ્યા સાસુ તડુક્યાં ,

સાસુ  – “ મારા ઘરમાં આ બધુ નહી ચાલે , આટલા મોડા ઉઠવાનુ હું નહી ચલાવી લઉં , કાલથી સવારે ચાર વાગે ઉઠીને નીચે આવવાનુ , તારા બાપુજી ને હું ચાર વાગ્યાના ઉઠીએ છીએ, અમારી ચા કોણ બનાવશે ? “

અવની તો સજ્જડ થઈ ગઈ, પહેલે જ દિવસે આ રીતે સત્કાર ! તેની આંખમાંથી ગંગા-યમુના વહેવાના ચાલુ થયા, તેણે આવી ભાષા ક્યારેય સાંભળી ન હતી, પિતાના ઘરમાં બધાંને પ્રેમથી શાંતિથી વાત કરવાની આદત હતી, તેના કાન સાસુની આવી વાત સાંભળવા ટેવાયલા ન હતા. સાસરીમાં દાંપત્ય જીવન ઉદયનુ આ પહેલુ કિરણ હતું, પહેલુ કિરણ જો આટલુ તેજ છે તો મધ્યાન અવની કેવી રીતે જીરવશે ! અવનીના સાસુ ઘમંડી, ગુસ્સાવાળા બદ મિજાજ હતા તેમણે દિકરાના લગ્નમાં મોટી દહેજની આશા રાખી હતી, પરંતુ સસરા અને સાસુના પિતાને સંસ્કારી છોકરી જોઈતી હતી, સાસુના પિતાએ કહ્યુ હતુ મહેન્દ્રભાઈનુ ઉંચુ ખાનદાન છે એ ઘરની છોકરી પહેરેલે કપડે આવશે, કંકુને કન્યા મને સ્વિકાર છે. એટલે સાસુનુ કંઈ ચાલ્યુ નહી અને લગ્ન માટે ના મને સંમતી આપી હતી. અવની દહેજમાં માતા-પિતાના સંસ્કારો લઈને આવી હતી. સાસુને સંસ્કારોની કોઈ કિંમત હતી નહી, તેમને મન પૈસા અને સોનુ ઝવેરાતનુ મહત્વ હતું, ઘમંડી હોવાથી સમાજમાં મોટાઈ મારાવાની ખોટી ટેવ હતી.સાસુએ હવે તેમનો રંગ દેખાડવાનો ચાલુ કર્યો.

દહેજ માટે દરોજ અવનીને ખરુ ખોટુ સંભળાવતા. અવની ચુપચાપ સહન કરતી.અવની વિચારતી , ચાલો થોડા દવસ છે, હું મંબઈ જતી રહીશ પછી મને શાંતિ જ છે.બિચારી અવનીને ક્યાં ખબર છે કાવા દાવા રમવા વાળી સાસુ જુઠનો સહારો લઈને મુંબઈમાં પણ શાંતિથી નહી જીવવા દે.અવની જ્યારે પોતાને પિયર જાય ત્યારે સાસુ અવનીની બેગ ચેક કરે તે મારા ઘરમાંથી પિયર કશું લઈ જતી નથી ને ? અવનીને જોઈને ખુબ જ દુખ થતું. વિચારે દુનિયામાં આવા માણસો પણ હોય છે જેને કોઈની પર વિશ્વાસ નથી.સાસુ અવનીને કંઈ કેહે ત્યારે તો ઠીક છે પરંતુ મહેન્દ્રભાઈ કે મીનાબેન આવે ત્યારે તેમને ખરુ ખોટું સંભળાવીને તેમનુ અપમાન કરે, દહેજની માગણી કર્યા કરે લગ્નમાં જે આપ્યુ તે ઓછું પડે છે તેને માટે કકરાટ કરી મુકે, માતા-પિતાની આંખમાં આંસુ આવી જતાં.અવનીને અસહ્ય દુખ થતુ તેની વેદના વધી જતી, ઈજ્જતદાર મારા માતા-પિતાની આ હાલત કરે છે મારા સાસુ ? સાસુ આખો દિવસ અવની પાસે ગધેડાની જેમ કામ કરાવે. ચાર વાગે ઉઠવાનુ અને રાત્રે અગિયાર વાગે સુવાનુ, એક મિનિટ આરામ કરવા માટે બેસવાનુ નહી,બહાર જવાનુ નહી, ત્રાસ આપવામાં કોઈ કમી બાકી ન રાખતાં.અવનીને ત્રાસ આપતાં કારણ અવની પિયરથી દહેજ લઈને આવી ન હતી.. પરંતુ તેને માટે આટલી મોટી સજા ! સાસુને અવનીમાં દોષ દેખાતા હતા કારણ તે મોટુ દહેજ લઈને આવી ન હતી.

એક મહિના પછીથી અવની પતિ સાથે મુંબઈ આવી. નવું જીવન નવી ઉંમગ પતિનો પ્રેમ. અવનીને તો જાણે સ્વર્ગ સમાન સુખ મળી ગયું. વિચારે છે, હું કેટલી નસીબદાર છું, શ્રીમંત સાસરુ, પ્રેમાળ પતિ, ગાડીયો, રહેવા સુંદર બંગલો નોકર ચાકર. જીવનમાં આનાથી વધારે શું જોઈએ ? મારા બાપુજી સાચુ જ કહેતા હતા ભણતરને તારે શું લેવા દેવા. સમય વીતતો જાય છે. અવની સગર્ભા છે.ગોદ ભરાઈ રસમ તો સાસુની હાજરીમાં થવી જોઈએ તેને સાત મહિના થયા સાસુએ ગોદ ભરવા માટે ગામ બોલાવી. ખુશી ખુશી પ્રસંગ સંપન થયો, સાસુને પગે લાગતાં અવનીને બીક લાગતી હતી રખેને કંઈ બે બોલ સંભળાવે. અવની પગે લાગી સાસુએ આશીર્વાદ આપ્યા અને બે સોનાના ક્ડાં ભેટ આપ્યાં અવની ખુશ થઈ પણ તેને નવાઈ લાગી આ તે જ સાસુ છે, જેના મૉઢામાંથી હમેશાં અંગારા નીકળે છે. અવની અમરના બાળકને જન્મ આપવાની છે સાસુ શું કામ ખુશ ન થાય ?

અવનીને પહેલી પ્રસુતિ હતી એટલે તેને પીયર જવાનુ હતું. સાસુએ હશી ખુશી અવનીને પિયર વળાવી. અમર ફોનથી ખબર અંતર પુછી લેતો નવ મહિના થયા ડૉક્ટરે જે તારીખ આપી હતી તે પહેલાં અમર ગામ આવી ગયો, અવનીને હોસપીટાલમાં દાખલ કરી અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુરો પરિવાર ખુશ છે. સાસુને તો વારસદાર મળ્યો ઘણાજ ખુશ છે.પુત્રનુ નામ આપ્યું જય .અવનીના માતા -પિતાએ દિકરીને તેના પુત્ર સાથે હશી ખુશી સાસરે વળાવી, હવે અમર , અવની અને જય બંનેને લઈને મુંબઈ આવ્યો.

સમય વીતતો જાય છે જય ત્રણ વર્ષનો થયો સ્કુલમાં મુક્યો.અવની સુખમાં રાચતી હતી પરંતું તેણે નોટિસ કર્યુ અમરનુ વર્તન ધીમે ધીમે બદલાઈ રહ્યું છે, તેને આ પરિવર્તન માટે લાગ્યુ કે કદાચ તેને ધંધામાં વધારે બોજ રહેતો હશે એટલે કદાચ ચિડચિડિયો થઈ ગયો હશે. પરંતુ દિવસે દિવસે કીટપીટ વધી, અવનીને વગર વાંકે ગાળો આપતો , પછી તો અવનીને મારઝુડ ચાલુ કરી. ખાવાની થાળી દરોજ ફેંકી દે. અવની આ વર્તનનુ કારણ પુછે તો ગુસ્સે થઈ તેને મારવાનુ ચાલુ કરે.અવની વિચારતી અચાનક આમ અમરને શું થઈ ગયું?

અવની  – “ અમર તને અચાનક આ શું થઈ ગયું તૂં મારી સાથે આવો વહેવાર કેમ કરે છે ? ક્યાં ગયો મારો પ્રેમાળ પતિ ? “

અમર – “ અવની તને એક સવાલ પુછુ , તેં તારી જાતને આયનામાં ક્યારેય જોઈ છે ? એકદમ બેનજી દેખાય છે.તારા જેવી બૈરી કોને પસંદ આવે, મારા બાપા પાછળ પડ્યા હતા , બેટા સંસ્કારી છોકરી છે, સારુ ખાનદાન છે, તેમની ઈચ્છાને માન આપીને તને પરણ્યો હતી, તૂં મને પસંદ હતીજ નહી “

અવની  – “ અમર તમે મને જોઈને પસંદ કરી હતી અને આજે આવું બોલો છો “

અમર – “ તે મારી ભુલ હતી “

અવની – “ તમે મને દોષી માનો છો કેમકે હું બેનજી દેખાઉ છુ. એમાં મારો શુ વાંક છે અમે મિડલ ક્લાસ હતા, બહુ ફેશન નથી કરતી , સાદગીમાં શું ખામી છે ? “

ભોળી અવનીને ભાન નથી. પહેલાં જે પ્રેમ દર્શાવતો હતો તે ખાલી દેખાડો કરવા બતાવતો હતો. હકિકતમાં અમરને બહાર અનેક લફડાં હતાં.તેને બહાર દરોજ નવી છોકરી જોઈએ, છોકરીઓ પાછળ સમય અને પૈસા બંને બરબાદ કરતો હતો. તેને અવનીમાં અનેક ખામી દેખાતી હતી. સંસ્કારી છોકરીની તેને કદર હતી નહી.ગાળો બોલવી કારણ વીના માર ઝુડ હવે અમરની આદત બની ગયાં હતાં અવની સાથે ઝઘડો ન કરે તેને માર ઝુડ ન કરે તો અમરને ચેન ન પડે. શરુ શરુમાં અવની મુંગે મૉઢે બધુ સહન કરતી હવે સામી થાય છે, ત્યારે તેને અમર બહુજ ઝુડી નાખે.

અવનીની જીંદગી નર્ક સમાન બની ગઈ છે, કોઈ પણ વાત હોય તેને મનાવા માટે અમર માર્યા સીવાય વાત ન કરે. અવની વિચારતી આને માટે કોણ જવાબદાર ? હું પોતે જ જવાબદાર છું શરુઆતમાં અમરનો સામનો કરીને તેને રોક્યો હોત તો આજે આ દિવસ ન આવત. અવની વિચારતી મારો શું વાંક ગુનો છે ? મારો દોષ શું છે ? મને લાગે છે મારી સારાસ જ મને આડે આવે છે, જેટલુ સહન કરતી ગઈ એટલી અમરની હિંમત વધતી ગઈ, મારે આટલુ બધુ વિનમ્ર બનવાની જરૂર હતી નહી. દુનિયામાં સારા લોકોની કોઈ કિંમત નથી.જેવા સાથે તેવા થઈને રેહીએ તો જ આ દુનિયામાં જીવાય , પણ હું શું કરું જબરા થવાનુ મારા લોહીમાં નથી. જબરી થઈને રહી હોત તો શું સાસુ કે પતિની તાકાત છે મારી જીંદગી નર્ક જેવી બનાવી દે. ખરાબ બની હોત તો શેઠાણીની જેમ રહી શકી હોત.મારી ઈચ્છા હોય કે ન હોય હું તો બધી રીતે અમરને એડજેસ્ટ થાઉ છું. તેના સુખ-દુખમાં સાથ આપું છું, તેના પરિવારને માન સંમાન આપીને તેમની ઈજ્જત કરું છું. અમર મને પ્રેમ કરતો જ નથી એનુ મન બહાર ભટક્યા કરેછે, જેને બહારનુ ખાવાની આદત પડી ગઈ હોય તેને ઘરનુ ખાવા ક્યાંથી ભાવે, બહારના કચરા ખાઈને ખુશ થાય છે. મારી કોઈ કિંમત તેને નથી.કહેવા પુરતીજ તેની પત્ની છુ એક બાજુ સાસુ જમ જેવી અને આ પતિ જલ્લાદ ! મન તો થાય છે આપઘાત કરી જીંદગીનો અંત લાવી દઉં, પરંતુ મારા જયનુ શું ? મા વીના તેની શું હાલત થાય ? એ બિચારાનો શું વાંક છે તેને એકલો મુકીને જવાનુ

હદ તો આવે થઈ અમર તેની રખાતને ઘરે લઈને આવ્યો, પાછો અવની સાથે ઓળખાણ પણ કરાવે છે. પહેલાં છુપાઈને ઉંધા કામ કરતો, હવે અવનીની બીક રહી નહી એટલે ખુલ્લે આમ બેશરમ બનીને કામ ચાલુ કર્યાં.અવની કરે તો શું કરે તેને તો મારીને ચુપ કરી દે છે.તે અસહાય છે કોની આગળ પતિના કારસ્તાનની વાત કરે ? અવનીને આ નરક જેવી જીંદગી ચુપ ચાપ જીવ્યા સીવાય બીજો કોઈ રસ્તો નથી. કોઈ પણ પગલું ભરે, તેને જયનો ચહેરો સામે દેખાય છે એક્દમ લાચાર, મજબુર અને અસહાય બની ગઈ છે.બહારથી સુખી દેખાતી અવની દુખની આગમાં જલી રહી છે. આખો દિવસ વિચારે છે અમર મારી સાથે આવુ વર્તન કરે છે એમાં મારો શું વાંક ? મારા બાપુજીએ તો હું સુખી થાઉં એટલે અમીર ઘરમાં મને પરણાવી, એમને તો સ્વપ્ને પણ ખ્યાલ નહી હોય માણસો આટલી હદ સુધી નીચ હોઈ શકે. તેની પાસે કોઈ જવાબ નથી.તેણે ધીમે ધીમે ઈશ્વર તરફ ધ્યાન વધાર્યુ, કોઈ વાર પ્રાર્થના કરતી હે ભગવાન આ જીંદગીથી હું થાકી ગઈ છું, કઈ પત્ની પોતાના પતિને બીજી સ્ત્રી સાથે જોઈ શકે ? હે પ્રભુ તૂં મને લઈ લે. નાના મારે હવે જય અને ઈશ્વર સીવાય બીજુ કંઈ વિચારવુ નથી, આ બે હવે મારી દુનિયા છે, અમર મારી દુનિયા નથી. અમરના વિચારોમાથી નીકળીશ તો શાંતિ મળશે.તેણે તેની જીવન જીવવાની રીત બદલવાનો વિચાર કર્યો, ઈશ્વર સ્મરણ વધાર્યું, ઘરમાં પૂજાપાઠ કરતી અને મંત્રજાપથી તેને દુખ સહન કરવાનુ બળ મળતું હતું. તે દુખી છે એમ માતા-પિતાને જણાવવા નથી માગતી. આ મારુ ભાગ્ય છે અને મારુ ભાગ્ય મારા એકલાએ ભોગવવાનુ છે એમ કરીને મન મનાવતી. એને દુર દુર આશાનુ એક કિરણ નજર આવે છે, આ દુખના દિવસો પણ એક દિવસ ચોક્ક્સ પુરા થશે. રાત પછી દિવસ ચોક્ક્સ આવે જ છે.

 

 

 

 

This entry was posted in વાર્તા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s