અજબ ગજબના સાસુમા
( સત્ય ઘટના ઉપર આધારીત અને નજોરોએ જોયેલું )
( ૧ )
આપણી દિકરી પરણાવવાની હોય ત્યારે સારો મુરતિયો, સારુ ખાનદાન મળે એવી દરેક માતા-પિતાની ઈચ્છા હોય,અને સાથે સાથે છોકરાની મા કેવી છે તેની ખાસ તપાસ કરીએ. કેમકે છોકરીને વધારે સમય સાસુ સાથે વિતાવવાનો હોય છે, પતિ અને સસરા તો આખો દિવસ બહાર કામે ગયા હોય. સાસુ-વહુને ઘરમાં વધારે સમય સાથે રહેવાનુ હોય.ઘરમાં સાસુમા ખુબજ મહત્વના છે. ઘરની દોર સાસુમાના હાથમાં હોય.સાસુમા કુલ તો સંસાર સ્વર્ગ સમાન, સાસુમા વાઘ જેવાં તો સાસુ-વહુને આખો દિવસ તૂ તૂ મેં મેં ચાલે, છોકરી માટે જીંદગી નર્ક સમાન બની જાય. સાસુ, પોતાની વહુને ક્યારેય દિકરી માનવા તૈયાર ન થાય, ખબર નહીં કેમ વહુને જોઈને દુશ્મનની જેમ વ્યવહાર કરે ! પોતે ભુલી જાય એક દિવસ એ પણ આ ઘરમાં વહુ તરીકે રહી ચુક્યાં છે.જેમ સમય બદલાય તેમ સાસુમાનુ સ્વરૂપ પણ બદલાય, સાસુમામાં પણ પરિવર્તન આવે.૧૯૫૦ થી ૨૦૧૫ સુધીની સાસુમાના ચરિત્ર, તેમના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડીશ.
અત્યારે વાત કરીશુ ૧૯૫૦થી ૧૯૮૦ દાયકાના સાસુમાની વાત.
આ સમયની સાસુમા એટલે તોબા તોબા તેનાથી કોઈ ના બચી શકે. ભગવાન પણ ના બચાવી શકે,એ સમયની સાસુ ભગવાનને પણ ચેલેન્જ આપે એવી હતી,તેને કોઈની બીક હતીજ નહી, ભગવાનની બીક લાગે એટલી સમજ હતી નહી. દાદાગીરી વાપરીને ઘરમાં પોતાનુ રાજ ચલાવવામાં હોંશિયાર હતી, એકદમ અણઘડ ! સાસુમા વાઘ જેવાં અને દિકરો-બાપ-વહુ એતો મિંયાઉ ! કોઈની તાકાત છે તેની બાજુમાં ઉભા રહેવાની પણ, ખાવા જ દોડે ! એકજ લાકડીથી બધાને હાંકે. શુશીલા-શારદા અને સવિતા આ ત્રણેવ ખાસ બેનપણીઓ, નામ પ્રમાણે ગુણ જરાય નહીં, પોતાના નામને પણ લજવે. ત્રણેવને એક બીજા સાથે બહેનોની જેમ બને, ત્રણેવને બહુ બને એમાં કોઈ નવાઈ નથી, સ્વભાવની ત્રણેવ સરખી, ત્રણેવ હિટલર જેવી આખા ગામમાં પ્રખ્યાત.ત્રણેવની પોતાની વહુને ત્રાસ આપવાની પધ્ધતિ જુદી જુદી.શુશીલા અને શારદા બે જલ્લાદ જેવી જ્યારે સવિતા જેના દિલમાં હજુ દયા હતી.નીચે જણાવેલ સાસુ-વહુની જોડીયોની રામાયણ – મહાભારત કથા ચાલુ કરીશું.
શુશીલા અને શીલા
લીલા અને સીમા
સવિતા અને રમા,નીલા,માયા અને પ્રભા.
શુશીલાએ તેનો મોટો દિકરો પરણાવ્યો, તેનુ નસીબ જોવો ! તેને શીલા નામની શુશીલ અને સંસ્કારી વહુ મળી જે સાસુનો દરેક બોલ ઉપાડી લેતી.દરોજ સાસુમાની સેવા ખરા દિલથી કરે.વહુ ભણેલી બી.એ પાસ ઉંચા ખાનદાનની છોકરી.શુશીલાની તેની જરાય કદર નથી. શુશીલા એકદમ અભિમાની તેને મોટાઈ મારવા જોઈએ તેના ભાઈ મુંબઈમાં કરોડપતિ હતા, તેની મોટાઈ તે પોતાના સાસરામાં બેઠી બેઠી માર્યા કરે, બધાજ લોકો તેની આગળ તુચ્છ, પોતાનુ ધારેલું જ થવું જોઈએ ઘરમાં તેની જ મન માની ચાલે કોઈ તેને સલાહ ન આપી શકે રીસાઈને ઘર છોડીને ચાલી જાય, વાત વાતમાં રડવું એમ તેની વાત મનાવા માટે તે આ બધાં હથિયારનો ઉપયોગ કરે.વાત વાતમાં રડવું અને રીસાઈ જવું એ તેનુ સૌથી મોટું હથિયાર હતું. જુઠ્ઠી એક નંબરની, દરેક વાત મીઠું મરચું ઉમેરીને રસપ્રદ બનાવીને કહેવાની ટેવ. એક મોટો નમુનો જેની જોડ ક્યાંય શોધી ન મળે, આવા સાસુમા લાખોમાં એક જોવા મળે. આ સાસુમા શીલાને પનારે પડ્યાં છે, જે શીલાનુ મોટું દુર્ભાગ્ય કહેવાય.આવી સાસુ સાથે શીલાને રહેવાનુ તેની શું હાલત થાય ?
દિકરાના પરણ્યાને પહેલે દિવસથીજ સાસુનો રોલ ભજવવાનો ચાલુ થઈ ગયો. હરખાતાં હરખાતાં સાસુપણાના પહેલે પગથિયે પગ મુક્યો, કેડે ચાવીનો ઝુમખો લટકાવીને હિંચકે બેઠાં, સૌથી પહેલાં તો સાસુમાએ કામમાંથી નિવૃતિ લઈ લીધી. વહુના દરેક કામ પર કડી નજર, દરેક કામ વહુએ કરવાના, સવારે પાંચ વાગે ઉઠવાનુ રાતના અગિયાર વાગ્યા સુધી ગધેડાની જેમ શીલા પાસે કામ કરાવે. સાસુમાને દહેજ ઓછુ પડ્યું, બસ આ વાત તેને મનમાં ખટકી ગઈ, શીલા પર અત્યાચાર શરૂ કરી દીધા. અત્યાચાર પણ કેવા? હદ ઉપરાંતનો ત્રાસ ! શીલાને તેના માતા-પિતા માટે ખરી ખોટી સંભળાવી, શીલા ખુબજ રડી.સાસુ સામે એક શબ્દ બોલી શકતી નથી. આખો દિવસ કોઈ કારણ વીના, કોઈ વાંક ગુના વીના શીલાને ધમકાવ્યા કરે.શીલા ચુપચાપ સહન કરે. શુશીલામાં એક ગુણ સારો હતો ખાવા પીવામાં કોઈ રોક ટોક હતી નહી.તેમાં બધી છુટ હતી, કોઈ માથાકુટ હતી નહી. જે ખાવું હોય અને જેટલુ ખાવું હોય તે શીલા ખાઈ શકતી હતી.કકરાટ હતો દહેજ અને ઘરકામનો.શીલાના પિતા નોકરી કરતા માણસ હતા જ્યારે પતિને ઘરે તો દાદાસસરાના સમયથી વેપાર-ધંધો હતો. આ વસ્તુનુ ઘમંડ સાસુમાને હતું, તેમનો માપદંડ ફક્ત પૈસો !
એક દિવસ શીલાની કૉલેજની સહેલી તેને મળવા આવી, દિવાનખાનામાં શીલા તેની સહેલી અને તેનો પતિ સાથે બેઠાં હતાં સાસુમા ત્યાં આવી ચડ્યાં જોઈને એકદમ ભડક્યાં અને તેની સહેલી સામે જ દિકરા-વહુને ધમકાવ્યા.
સાસુમા – “ખુલ્લે આમ સાથે બેસતાં તમને બંનેને જરાય શરમ નથી આવતી ?”
શીલા અને તેની સહેલી ત્યાંજ રડવા લાગ્યા તેનો પતિ તો બિચારો હેલ્પ લેસ ત્યાં સ્ટેચ્યુની જેમ ઉભો રહી ગયો. એ જ્માનામાં પતિ-પત્ની બીજાની હાજરીમાં વાતચીત પણ કરી શકતા ન હતાં. ઘરમાં ખુબજ આમાન્યા અને મર્યાદા રાખવી પડે, સસરા સોફા પર બેઠા હોય તો ત્યાં આગળ જવાય નહી, સસરા સાથે વાત ન થાય. સસરાની સામે ઘુંઘટ તાણવો પડે. બીજા પરિવારોમાં રિતીરિવાજોમાં પરિવર્તન આવ્યું હતું પરંતું અહિયાં તો શુશીલા જાણીને જ શીલાને દુખી કરવા, તેને ત્રાસ આપવા માટે બધી પાબંધી લગાવી હતી.
આજે શીલાના ફોઈ તેના ઘરે આવ્યાં જે લઘભગ તેની ઉંમરના છે. બહાર જઈને આવીએ છીએ કહીને ઘરેથી નીકળ્યાં ,ફોઈ તો શીલાને સિનેમા જોવા લઈ ગયાં શીલાએ મના કરી, ફોઈ મારી સાસુ જાણશે તો કકરાટ કરી મુકશે નથી જવું, ફોઈ કહે આટલી ડરે છે શું કામ ? ફોઈ તમે મારી સાસુને ઓળખતા નથી. ત્રણ કલાક પછીથી ઘરે આવ્યાં સાસુમા લાલ પીળા, શીલા ઉપર બૉમની વર્ષા ચાલુ
સાસુમા – “ બોલ કહ્યા વીના આટલા કલાક ક્યાં ગઈ હતી ?”
શીલા – “પણ બા…
સાસુમા – “પાછી મારી સામે જવાબ આપે છે, ફરી કોઈ દિવસ બોલી છે તો તારી જીભ ખેંચી કાઢીશ સમજી”
ફોઈ – “બા એ કંઈ બોલી નથી અને તમે તેના પર ખોટા ભડકો છે”
સાસુમા – “ફોઈ, તમે તો વાત જ ના કરશો, તમે મારી વહુને ઉંધે રસ્તે લઈ જાવ છે, અમારા ઘરમાં વહુ-દિકરીઓ આમ સિનેમા જોવા ના જાય, ફરીથી કોઈ દિવસ મારા ઘરમાં ડહાપણ મારશો નહી, મારા ઘરમાં તમારુ દોઢ ડહાપણ ચાલશે નહી સમજ્યાં, આવો ચા પીઓ અને ચાલતા થાવ.”
ફોઈ તો સાસુમાનુ આવુ રૂપ જોઈને સજ્જડ થઈ ગયાં કાપે તો લોહી ના નીકળે.અરે બાપરે આમની સાથે મારી ભત્રિજી બિચારી કેવી રીતે રહેતી હશે.સાસુમા શીલાને તલવારની ધાર પર ચલાવતાં. સસરા શીલાની દશા જોઈને કંઈ કહે તો તેમને ધમકાવી નાખે.ત્રણ સહેલીઓનો નિયમ હતો,ત્રણેવ સહેલીઓ નાહી ધોઈ પરવારીને મંદિરમાં ભેગી થાય, ત્યાં આગળ પોતાની વહુઓની વાત થાય.શુશીલા તેની વહુની વાત કરે એટલે સવિતા તેને સલાહ આપે અલી શુશી તારી વહુ કેટલી સંસ્કારી અને ગુણીયલ છે તેની ઉપર કોઈ દિવસ તો રહેમ કર, તને મારી વહુઓ જેવી વહુ મળી હોત તો તૂં શું કરત ? મારી તો એક એકને ચઢે એવી છે.સવિતાને ઘરમાં ચાર વહુઓ હતી જ્યારે શુશીલાને એક મોટા છોકરા પછીથી ચાર છોકરીઓ હતી.
શુશીલા – “ જો સવી મને ખબર છે મારી વહુ સંસ્કારી અને ગુણીયલ છે પરંતું વહુ ઉપર તો લગામ મજબુત કસીને રાખવી પડે, નહી તો વહુ માથે છાણાં થાપે. મારી દોર ઢીલી મુકું તો મારી કોઈ કિંમત ના રહે.મારી ઉપર કોઈ હુકમ ચલાવે એ મને ના ગમે, મારા ઘરની હું જ રાણી. મારા ઘરમાં વટથી રહી છું અને એ રીતેજ જીવીશ. મારા ધણીનુ હું સાંભળતી નથી તો બીજાને કેવી રીતે ચલાવી લઉં ? સવી તૂ જાણે છે આ શુશી કોઈને નમતુ આપે એવી નથી, પેલી બહારથી આવેલી ને તો ક્યારેય નહી, વહુ ક્યારેય દિકરી બનવાની નથી.મારે ચાર તો છે આ પાંચમીનુ અથાણુ નાખું ? સવી મંદિરમા મારુ મગજ ફેરવીશ નહી હું તો આવી જ છું અને આવીજ રહીશ.”
સવિતા – “ શુશી તૂં તો શીલા તારી દુશ્મન હોય એ રીતે વાત કરે છે. તેની ઉપર થોડી તો દયા કર. “
લીલા – “ સવી હું પણ તારી વાત માનવા તૈયાર નથી, શુશી જે કરે એ બરાબર કરે છે. વહુને તો આપણા હાથ નીચે દબાવીને જ રાખવાની હોય, આપણે સાસુ શું કામ થયા છીએ, વહુને દબાવીને રાખવા માટે તેને દબાવીને ન રાખીએ તો દરોજના ઝઘડા ! આ તો પહેલે દિવસથી જ તેનુ માથુ ઉંચકવા દેવાનુ નહી, માથુ ઉંચક્યું તો પછી વહુ માથાભારી. સવી તારી વહુ તો માથાભારી મળી છે, એ વાત જુદી છે તૂં જોરદાર છે એટલે તારી આગળ તારી વહુઓનુ કંઈ ચાલતું નથી. “
મંદિરમાં લોકો દર્શન અને સત્સંગ કરવા માટે આવે જ્યારે આ ત્રણ એક બાજુ બેસીને વહુ પુરાણ વાંચતી હોય છે. બધા જાણે છે ત્રણેવ કેવી છે,કોઈ તેમનુ નામ ના લે, ‘ભેંસના શીંગડા ભેંસને ભારી’ ત્રણેવ સહેલીઓ મંદિરમાં તેમની મંત્રણા પુરી થાય એટલે શાકમાર્કેટમાથી શાક લઈને ઘરે જાય. હાશ બે કલાક ઘર કેટલું સરસ શાંતિનો અહેસાસ કરે, ઘરનો ઓરડો,ઘરની દિવાલો પણ સાસુની કીટકીટથી ત્રાસી ગઈ હોય.ત્રણેવ સાસુમાને આખો દિવસ ફક્ત વહુનુ જ ચિંતન, શુશીલા અને લીલા તો આખો દિવસ વહુને ત્રાસ આપવા માટે ષડયંત્ર કેમ રચવુ એના જ વિચારોમાં રચીપચી હોય કારણ હવે આ એમની આદત બની ગઈ છે જે મોટી કુટેવ છે. સાસુની ખુરશીનુ અભિમાનમાં આંધળી થઈ ગઈ છે. સારા-ખોટાનુ ભાન જરાય રહ્યુ નથી. વહુ સાથે જે વ્યવહાર કરે છે તેમાંજ ખુશી મળે છે.પરંતું બીજાના દિલને દુભાવીને ખુશ થવું એ ખુશી કેવી ? ‘निर्दोश को न सताईए जाके मोटी हाय’ પાપના કર્મનુ પોટલું એટલું મોટું થઈ જાય ! કે જેનો ભાર આપણે ઉઠાવી પણ ના શકીએ.આ અક્ક્લ વીનાની સાસુને કોણ સમજાવે. પાપ-પુણ્ય જાણે છે છતાં પણ પોતાના જીવનમાં ઉતારવા નથી અભિમાન આડે આવે છે.
શીલા આજે તેના પાંચ વર્ષના દિકરાને લઈને પિયર જાય છે, સાસુમાએ તેનુ પર્સ અને બેગ ચેક કર્યા શીલા પોતાના પિયરમાં કંઈ લઈ જતી તો નથી ને ! નિર્દોશ શીલાના દિલને કેટલુ દુખ થયું હશે. સાસુમા તાડુક્યા બે દિવસ પછી ગાડી લેવા મોકલીશ પિયરમા બહુ રહેવાનુ નથી જલ્દી પાછી આવી જજે. સાસુમા શીલાને પોતાના માતા-પિતાને ઘરે શાંતિથી રહેવા દેતાં નથી. શીલા ખુશ રહે એ શુશીલાને મંજુર નથી. શીલા દુખી રહે એમાંજ શુશીલાની ખુશી સમાયેલી છે.
શીલાની બહેનના લગ્ન શીલાના ગામમાં નક્કી થયા.શીલાની માએ શીલાને તેડવા ભાઈને મોકલ્યો, શુશીલાએ ના પાડી દીધી, તે દિવસે ના મોકલી ભાઈ એકલો પાછો ગયો. શીલાના માતા-પિતા પણ શુશીલાના વ્યવહારથી બહુ દુખી હતા.ગમે તેટલું આપ આપ કરે એમનુ પેટ ભરાતું ન હતુ. શીલાને લગ્નના આગલે દિવસે પિયર મોકલી લગ્નના બીજે દિવસે પાછી આવી ગઈ. શીલાની જીંદગી નર્કથી પણ ખરાબ હતી. શીલા તેનુ ભાગ્ય સમજીને જીવતી હતી.એક અઠવાડિયા પછી શુશીલા શીલાની બહેનના સાસરે પહોંચી ગઈ અને તપાસ કરી શીલાની બહેનને તેના માતા-પિતાએ દહેજમાં શું આપ્યું છે.બોલો હવે આ જાતની સાસુને શું કહેવું બધીજ હદ પાર કરી ચુકેલી સાસુ છે.પોતાની પાસે અઢળક છે છતાં લાલચ એટલી બધી, સંતોષ નથી. સમયની સાથે સાથે વહુને વસમાં રાખવાની લગામ કસવા માટે સાસુમાના પરાક્રમ પણ વધતાં જાય છે.
ક્ર્મશઃ