ગામનો ચોતરો.

ગામના ચોતરો

ગામના ચોતરે ( ઓટલે ) નવરા લોકો, ગામની પંચાત કરવાની આદત અને ખાસ તો, કંઈ નથી કરતાં એના કરતાં અમે કંઈક તો કરીએ છીએ એવો ખોટો ભ્રમ લઈને બેઠેલા લોકો માટે આ જગ્યા તેમની અતિ પ્રિય જગ્યા ! નવરાં પડ્યાં નથી ને છકો- મકો – મગનીયો અને મથુરીયો ભેગાં મળી ગામ ગપાટાં ! મથુરદાદા માથે મેંલી પાઘડી, મેંલાં જુતાં, જાડા કાચનાં ચસ્માં, મૉઢામાં અડધી બત્રીસી, કપાળ ઉપર હાથ મુકી દુરનુ જોવાનુ પ્રયત્ન કરીને દુરથી આવતી એક બહેનને જોઈ મગનને પુછે , અરે મગન પેલી ચંદુની ઘરવાળી જાય છે ?એતો પીયર નહોતી ગઈ ? છકો-મકો તરત જ બોલ્યા દાદા એ ચંદુની ઘરવાળી નથી, એ તો પેલા માધવજીની દિકરી સાસરેથી થોડા દિવસ પીયર આવી છે તે પાણી ભરીને આવી રહી છે. મગનકાકા ખેતીનો ભાર બે દિકરા ઉપર નાખીને નિવૃત માણસ, કોઈ જવાબદારી નહી.છકો મેટ્રીક નાપાસ થયેલો ઘરમાં ભાર રૂપ,મકો ગામનો વંઠેલુ ઢોર સમાન, ન કામનો ન કાજનો દુશ્મન અનાજનો આખો દિવસ ભટક્યા કરે જેના એક હાથમાં બીડી અને એક હાથે આખો દિવસ મુછો આંમળીને વળ આપ્યા કરે.હવે આવા ચાર ભેગા થાય ત્યારે શું વાતો કરે ?એટલે જ કુવે તળાવ જતી સ્ત્રીઓ મૉઢું ઢાંકવા માટે ઘુંઘટ તાણતી હશે એવું સમજાય છે.

હા એક વાત છે અહિયાં આ ઓટલા ઉપર એકલા મરદ જ આવી શકે બાયડીયો માટે પ્રવેશ નિષેધ ! ઓરત જાત અહિયાં ના આવી શકે, બહેનોને ઘરના આગણમાં આવેલ નાના ઓટલા પર બેસીને શાકભાજી સાફ કરે, શાક સુધારે. પરંતું બહેનો, વાતો કરવા માટે અને ગપ્પાં મારવા માટે તમારા માટે તો અલગ વ્યવસ્થા અમે કરી છે, તમે મનમાં જરાય ઓછું ના લાવશો,તમારો વહુઓ ઉપર ત્રાસ ઓછો થાય અને પ્રેમ વધે એવી તમારી બુધ્ધિ સુધરે માટે સુંદર મંદિર બનાવ્યાં છે. તમારા માટે મંદિર જ બરાબર છે ત્યાં જેટલાં ગપ્પાં હાંકવાં હોય એટલા હાંકો ! તમારા માટે જ અમે મંદિર બાંધ્યાં છે, કોઈ પણ રોક ટોક વગર આવી શકો છો. કેટલી સરસ વ્યવસ્થા સમાજે કરી આપી પુરૂષો માટે ગામનો ચોતરો ! સ્ત્રીઓ માટે મંદિર ! ગામ ગપાટાં માટે અતિ પ્રિય સ્થળ !

આ એકવીસમી સદીની વાત કંઈ જુદીજ છે, એક ગોરો જુવાનીયો નામ ‘માર્ક ઝુકરબર્ગ’તેના મનની અંદર એક કલ્પના આવી, મિત્રોએ રમત રમતમાં સ્વપ્ન જોયું,તેણે સ્વપ્ન સાકાર કર્યું.તેની બુધ્ધિને દાદ આપવી જોઈએ આટલી નાની ઉંમરમાં તેણે તો અધધ.ધ.ધ..એટલો મોટો ચોતરો (ઓટલો) બનાવી દીધો અને સુંદર નામ આપ્યું  ‘ફેઈસબુક’ જેમાં આખી દુનિયાના લોકોને સમાવી લીધા. ભાઈ તેં તો વિશ્વકર્માને પણ પાછળ મુકી દીધા હોં…તેં નાનાં મોટાં બધાને કામે લગાડી દીધા, કામે તો કેવાં ! એક વ્યસન જેવું ! અને પોતે શાંતિની જીંદગી જીવે છે અને પાછા ઠન ઠનિયાં તો અઢળક ! આ ઓટલે કોઈને માટે કોઈ પ્રતિબંધ નહી , સ્ત્રી-પુરૂષમાં કોઈ ભેદ તેણે રાખ્યો નથી, નાનાં-મોટાં,જવાનીયાં કે ડોસલાં કોઈ ભેદ નહી બધાને સરખો અધિકાર,કોઈ પણ આવીને ગામ ગપાટાં મારી શકે ! જવાનીયાં તો જવાનીયાં, અહિયાં ડોસલાં પણ ગપ્પાં મારે છે ! ડોસલાં પણ માણસ છે શરીર ઘરડું થયું છે, મન અને દિલ નહી ! આ ઓટલે બેસવાનુ સૌને ઘેલું લાગ્યું છે.ગામના ચોતરે કામ ધંધા વીનાના લોકો બેસીને ગપ્પાં મારે જ્યારે આ ચોતરાની વાત સાવ જુદી છે,પોતાના કામમાં વ્યસ્ત રહેનાંરાં તેમને ગપ્પાં મારવાનો સમય ન હોય તો પણ પાંચ દસ મિનિટ પણ આ આધુનિક ચોતરાની વિઝીટ અવશ્ય લઈ લે છે. ચોતરા પર ગપ્પાં મારવા બેસે નહીં પણ તેના પર નજર કરે એટલે દેખાઈ આવે અત્યારે ચોતરા પર બેસીને કેટલા લોકો ગપ્પાં મારી રહ્યાં છે.ભલેને એ લોકો ગપ્પાં મારે, મારી પાસે અત્યારે સમય નથી એમ વિચારવાનુ.કોઈ પરાણે બેસાડતું નથી, આપણી ઈચ્છા હોય તો જ ઓટલા પર બેસવા જવાનુ.કોઈને દરોજ ચોતરે બેસવાની આદત પડી હોય તો કોઈ પોતાને સમય મળે એ પ્રમાણે તેની વિઝીટ લે.

આ આધુનિક ચોતરા પર શૉઓફ, પણ ખુબજ ચાલે.એક છોકરી લખશે અને ફોટો મુકશે માય ન્યુ લેક્ષસ કાર ! તો બીજે જ દિવસે તેની સહેલી લખશે અને ફોટો મુકશે માય ન્યુ મર્સીડીસ કાર ! તો પાછું બીજે દિવસે મુસાફરીનો મેપ,એરલાઈન,એરપોર્ટ, તારીખ અને ટાઈમ અમે ઈન્ડિયા જઈએ છીએ, અમે લંડન જઈએ છીએ ! લગ્નના ફોટા ! હીલ સ્ટેશન ગયાં બહાર ફરવા ગયાં તેના ફોટા ! જાત જાતના ફોટા ! ડોક્ટર, દવા, વૈદ,નુસખા, જાહેર ખબરો, વાંચન, ‘જો બકા’ ગમ્મત, જોક્સ, મેસેજ વગેરે વગેરે હજારો વસ્તુઓ અને વાતો આખી દુનિયાને જાણકારી મળે. ઘણા બોલતા સાંભળ્યા છે, આ “ફેઈસબુક” તો અમને એવું લાગે છે જાણે લોકો પારકાની પંચાત કરતા હોય, એક્બીજાના ઘરમાં ઝાંખતા હોય, બધાની જીંદગીમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માગતા હોય એવું લાગે છે. પરંતું ખરેખર એવું કંઈ છે જ નહી. હા તમારી ટાઈમ લાઈન પર દરોજ કંઈને કંઈક મુક્યા કરો તો વગર પૈસે તમારી એર્ડવટાઈઝ થાય, કદાચ તેનાથી તમે ફેમસ થાવ, જેટલા વધારે લાઈક્સ તેટલા વધારે ફેમસ ! વધારે લાઈક્સ મળ્યા ફુલાઈને ફારકો થઈ ગયા ! ! ! જોયું છે લોકોને આ ચોતરે ફેમસ થવાનુ બહુજ ઘેલું લાગેલું હોય છે.આ ચોતરે લોકોનુ ધ્યાન ખેંચીને અમે કેટલા ફેમસ થઈએ.ફેમસ થવા માટે કેટલી બધી હરિફાઈ ! જેટલુ મોટુ ફ્રેન્ડ લીસ્ટ એટલા બધામોટા ફેમસ ! પછી ભલેને એ વ્યક્તિનો કોઈ દિવસ ચહેરો પણ નાજોયો હોય ! અરે ભાઈ અમે ફેમસ થવા માટે તો હજારોની સંખ્યામાં ફ્રેન્ડ લીસ્ટ બનાવ્યું છે. હા એવા માણસો જોયા છે, તેમની ટાઈમ લાઈન પર તમે કંઈ ના જોઈ શકો તમને તેના નામ શીવાય કશું જોવા ના મળે, બધું ખાનગી !ગામના ચોતરાની વાત ગામ જાણે જ્યારે આ ‘ફેઈસબુક’ના ચોતરા પર થએલી વાત આખી દુનિયા જાણે, ને જગ જાહેર થાય.આ ઓટલો પૃથ્વીની સાઈઝનો છે પરંતું પૃથ્વી ઉપર રહેનારા લોકોની દુનિયા તેણે ટેનિસ બૉલના કદ જેટલી એકદમ નાની બનાવી દીધી. ફાયદા પણ ઘણા છે અને ઘણી વખત ન્યુસન્સ પણ વધી જાય છે.

ભાઈ માર્ક ઝુકરબર્ગ ઘણુ જીવજે ભયલા. હું તો આશીર્વાદ આપું છું આમ તારો આ ચોતરો ફલે ફુલે લોકો ભેગા મળી અહિયાં હસતાં,ખેલતાં ગપ્પાં મારતાં સદા ખુશ રહે.લોકો એક ઘરમાં ભેગાં નથી રહી શકતાં, એક બીજાને જોઈ મૉ મચકોડે, પરંતું અહિયાં તો હસી હસી લળી લળી વાતો કરીને ખુશી આનંદમાં રહે છે.તેંતો એકજ જગ્યાએ આખી દુનિયાને ભેગી કરી દીધી. ભાઈ તેં તો બહુ મોટી સિધ્ધી હાંસીલ કરી છે.

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s