ડાયાસ્પોરા કહાણી સંગ્રહ
મીઠાં સંભારણા
એક નવી નવોઢા જેમ પોતાના પરાયા કરીને સાસરે આવીને, પારાકાને બહુજ જલ્દીથી પોતાના કરી લે એમ દરેક ભારતીય કોઈ પણ દેશમાં જાય એકદમ આસાનીથી તે દેશની રહેણી કરણીમાં રંગાઈને ગોઠવાઈ જાય, તે દેશ પોતાનો કરી લે અને પોતે તે દેશના થઈ જતાં વાર નથી લાગતી. ખાસીયત એ છે પરદેશને અપનાવી લે છતાં પણ પોતાના દેશને પરાયો નથી થવા દેતાં, પોતાના દેશ માટે પણ એટલો જ પ્રેમ હોય છે.
અમેરિકા આવે વર્ષો વીતી ગયાં છતાં પણ ડગલેને પગલે વતનની યાદ સતાવે. જ્યારે વતન યાદ આવે ત્યારે દિલ ભરાઈ આવે.સુપરપાવર દેશમાં એકદમ લક્ઝરી લાઈફ જીવતાં પણ વતન યાદ આવ્યા વીના નથી રહેતું.
હું શાન્તાક્રુઝ મુંબઈમાં રહેતી હતી.સવારથીજ આપણે ઘરે સરવીસ આપતાં માણસોની અવર જવર ચાલુ થઈ જાય. સૌથી પહેલાં દુધ વાળો, પછીથી ગાડી ધોવાવાળો ગાડીની ચાવી લેવા આવે.છાપાવાળો છાપુ નાખવા આવે,જમાદાર કચરો લેવા આવે,શાક્ભાજી વાળી બાઈ આવે.બપોરે બાજુ વાળાને ત્યાં જુના કપડા લઈ બદલામાં વાસણ આપવા વાળી બાઈ કેટલી બધી વખત ના પાડવા છતાં બેલ મારી બારણુ ખોલાવી માથુ ખાય. સાંજના ફુલપૂડી વાળો ફુલ મુકવા આવે. ધોબી ઈસ્ત્રીના કપડાં લેવા આવે ઈસ્ત્રી કરેલાં આપી જાય.દર મહિને પસ્તી વાળો પસ્તી લેવા આવે.એ જમાનામાં પિક્ચરની કેસેટોનો જમાનો હતો, લાયબ્રેરી વાળો કેસેટ આપવા આવે જોએલી પાછી લઈ જાય.નીચેજ ફાર્મસીનો સ્ટોર ત્યાં આગળ દવાનુ નામ લખાવો એટલે દવા ઘરે આપી જાય.અનાજ કરિયાણાના સ્ટોરમાં ગ્રોસરી ફોનથી લખાવો એટલે ગ્રોસરી ઘરે આવી જાય.તો વળી શાકભાજી માર્કેટમા જે કાયમનો શાક વાળો હોય તેનો ફોન આવે મેડમ સુરતનો પૉક આવી ગયો છે કેટલો મોકલાવું ?
દરેકના ઘરમાં, ઘરઘાટી,આખા દિવસની બાઈ,છુટક બે ત્રણ બાઈઓ જે અલગ અલગ કામ કરી જાય, માલીસ વાળી બાઈ, રરોઈ વાળી છુટી બાઈ, તો વળી રસોઈ કરવા વાળા મહારાજ.બાળકોને સાચવવા માટે ફુલ ટાઈમ નેની.ગાડી ચલાવવા માટે ડ્રાયવર.અહિયાં જાતે ચલાવવાની, લાયસન્સ ના હોય તો પછી ઘરમાં બેસી રહો કારણ બીજાં કોઈ ટ્રાન્સપોર્ટની સુવિધા નથી, ત્યારે વતનની રીક્ષા, ટેક્ષી, ટ્રેન, બસ, ખુબજ યાદ આવે.અરે મારા વતનમાં કઈ સુવિધા નથી ? આ હા હા શું લાઈફ હતી આટલા મીઠાં સંભારણાં યાદ આવ્યા વીના રહેતાં હશે ! મઝાની લાઈફ !
અહિયાં બિમાર પડુ ડૉક્ટરની એપોઈન્ટની રાહ જોવાની, મુંબઈમાં ફેમિલી ડૉક્ટરને ફોન કર્યો અડધા કલાકમાં ડૉક્ટર સાહેબ હાજર.મેડિકલ સાયન્સ અહિયા સારુ છે છતાં પણ બિમાર પડુ ત્યારે ત્યાંની સીસ્ટમ બહુજ યાદ આવે.મારી જન્મભુમિ મારા વતનમાં શું સુવિધા નથી ? પશ્વિમી દેશોએ ગમે તેટલી પ્રગતિ કરી હોય,પણ અમુક બાબતમાં ભારત દેશ પાસે જે છે તે બીજા દેશ પાસે નથી.ઘણી વખત એવા સંજોગો ઉભા થાય ત્યારે ચોક્ક્સ વતનની યાદ આવે અને આપણે બંને દેશની તુલના કરીએ છીએ.
વાર તહેવાર અહિયાં પણ ઉજવાય છતાં પણ આપણા દેશમાં જે રીતે દરેક પ્રસંગો ઉજવાય તેની મઝા કંઈ ઓર જ છે. વતન અને પરદેશ વચ્ચે ઘણોજ ફરક છે, ત્યાં આગળ દાળ-ભાત-શાક-રોટલી ખાતાં હતાં અને અહિયાં પણ એજ ભોજન છે, ફરક છે માત્ર મિઠાસનો. ત્યાં જય શ્રી કૃષ્ણ બોલતાં અહિયાં પણ બોલીએ છીએ, ફરક છે માત્ર બોલવાનો લહેકો બદલાયો. ત્યાં ખુલ્લાં બારી બારણામાંથી આવતી ખુલ્લી હવામાં ઉંઘતાં અહિયાં બંધ બારી બારણાં રાખી એસીની હવામાં ઉંઘીએ છીએ.ત્યાં સતત ઘોંઘાટમાં જીવતાં હતાં અહિયાંની શાંતિ સારી લાગે છે. પરંતુ હજુ પણ મંદિરની આરતીના ઢોલ-નગારા-ઝાલર-ઘંટનાદ-શંખનાદ કાનમાં ગુંજે છે. પીત્ઝા ખાતાં ઘણી વખત વિચાર આવે મારા દેશનો બાજરાનો રોટલો કોઈ પણ મસાલા વીનાનો તો પણ કેટલો મીઠો લાગતો, ખાધા પછી પેટ પણ ના બગડે ! પીત્ઝાને પચાવવા તો ઝેર સમાન કોક સાથે પીવી પડે, કહેછે કે પીત્ઝા સાથે કોક પીવાથી પીત્ઝા જલ્દી પચી જાય.રોટલાને પચાવવા માટે કોઈ વસ્તુની જરૂર નહી, પચવામાં એકદમ હલકો પછી દુધ સાથે ખાવ,ઘી-ગોળ સાથે ખાવ, માખણ સાથે ખાવ, દહીં-છાસ સાથે ખાવ, ગમે તે રીતે ખાવ કેટલા બધા ઓપ્સન ! અને ફાયદો, ડૉક્ટરના બીલ કદી ના ભરવા પડે.
બીજું જ્યારે આઈબ્રો,વેક્સ, ફેસીયલ કરાવવા માટે પાર્લરમાં જવુ પડે ત્યારે મીનાબેન બ્યુટીસ્યન જરૂર યાદ આવે છે, જે દર મહિને ઘરે આવીને માવજત કરી જતાં હતાં. જે સમય ચાલી રહ્યો છે તેના વહેણ સાથે જ ચાલવું પડે, પાર્લરના ચક્કર પણ મારવા પડે છે.
શાન્તાક્રુઝમાં મોર્ડન મિઠાઈ ફેમસ છે એક વખત તહેવારમાં પેંડા લઈ આવી, ઘરે આવી બોક્ષ ખોલ્યુ પેંડા તાજા ન હતા, ફોન કર્યો ભાઈ તમારા પેંડા ફ્રેશ નથી અડધા કલાકમાં તો તેમનો માણસ મને ફ્રેશ પેંડા આપી ગયો. આ વસ્તુ પરદેશમાં ક્યાં જોવા મળે ? હા વસ્તુ રીટર્ન કરાય તેના માટે જાતે સ્ટોરમાં જવું પડે.
દેશ અને પરદેશમાં જમીન-આસમાનનો ફરક છે એક વસ્તુ સરખી છે, માણસોના મનમાં ભરેલા ભાવવાળા ચહેરા એક સરખા જોયા. રીત-ભાત બદલાય, રહેણી કરણી બદલાય પરંતું આખી દુનિયાના માનવજાતના મનમાં ભરેલા કુદરતી ભાવો સરખા છે.જાત જાતના ભાત ભાતના ચહેરા જોયા પરંતુ તેની પાછળ છુપાયેલા ચહેરામાં કોઈ ભેદ ના દેખાયો. ઈશ્વરે બે હાથ બે પગ એમ માટીના પુતળા ઘડીને ધરતી પર મોકલ્યા, કલર જુદા પરંતુ મનના ભાવ સરખા રાખ્યા તેમાં સરખો ન્યાય કર્યો છે.
ઈશ્વરે એકજ ધરતી બક્ષી,તેના ભાગલા કરીને આ તારો દેશ આ મારો દેશ એમ કહીને દેશ અને દુનિયાની ધરતીના ભાગ અમે જાતેજ વહેંચી લીધા.
દેશ શું પરદેશ શું કાગડા બધેજ કાળા , તો પણ અહિયાં શ્રાધમાં કાગવાસ કરીએ છીએ કાગડા ખાવા માટે ક્યાં આવે છે ? દિવાળીમાં મઠિયાં-મગજ-ઘુઘરા ખાવા માટે આપણા ઘરે આવવાનો કોને ટાઈમ છે ? લાકડાના ઘર, દિવાળી પર આંગણમાં દીવા મુકતાં ડર લાગે, કેટલી દયાજનક સ્થિતી ! બારણે તોરણ ના લગાવાય,તુલસીક્યારો આંગણમાં જ શોભે અહિયાં ફ્રન્ટયાર્ડમાં આગળ તુલસીનુ કુંડુ મુકીએ તો પણ રામાયણ, ચોર લોકોને ખબર છે દેશીનુ ઘર છે માલ સામાન ખુબ હશે, તે ઘર પહેલુ તોડે, તુલસીનુ કુંડુ બેકયાર્ડમાં મુકવુ પડે ! કેટલી કરૂણા ! પાડોશીના મૉ એક મહિને જોવા મળે, કેટલી શાંતિ ! કોઈ તારી મારી નહી, ન જીવનમાં કોઈની દખલ, ન કોઈ સવાલ-જવાબ.વ્યવહારિક જીવનની શાંતિ, જોબ છે વ્યવહાર ના નિભાવાયો બધાં સમજે કોઈને ખરાબ ના લાગે.મારી જન્મભુમિ, મારુ વતન ગમે તેવું હોય મને પ્યારુ લાગે, ન્યારુ લાગે. મનની અંદર આજે પણ વતન જીવીત છે, દિલની અંદર વતન ધડકે છે.