વૃધ્ધત્વનો સ્વીકાર.

વૃધ્ધત્વનો સ્વીકાર

પરિવર્તન એ કુદરતનો નિયમ છે માટે આ શરીરમાં પણ પરિવર્તન થયા કરે છે.જન્મ લેવો, વિકાસ પામવું અને આખરે કરમાઈ જઈને ખતમ થઈ જવુ, નાશ પામવુ. આથમતા સુર્યની સંધ્યાની પળોની જેમ ઘડપણ આપણા શરીરની અવસ્થા છે જે એક અનેરો અહેસાસ કરાવે છે, સંધ્યાકાળ એ આખો દિવસ કામ કર્યા પછીથી રીલેક્ક્ષ થવાનો સમય છે જ્યાં શાંતિથી બેસીને મન આરામ અનુભવે.ઘડપણ  પણ એવો સમય છે, માણસે આખી જીંદગી દોડ ધામ કરી હોય,પરિવારની જવાબદારીઓ નિભાવી હોય તેમાંથી મુક્ત થઈને નિવૃતિનો સમય. હવે કોઈ જવાબદારીઓ નથી પરંતું પોતાને મન પસંદ પ્રવૃતિ પસંદ કરીને તેની સાથે વ્યસ્ત રહીને જીવવાનો આનંદ ઉઠાવવાનો છે.ખરેખર ઘડપણ ભગવાનના આશિર્વાદ સમાન છે.જ્યાં તન અને મન બંનેવની નિવૃતિ થાય છે.શરીરને ભારી કામોમાંથી નિવૃતિ તો મનને પૈસા માટે ના કોઈ માથાકુટ.વૃધ્ધત્વનો સ્વિકાર એટલે માણસ તેની આ વૃધ્ધાવસ્થા કેવી રીતે જીવે છે. વૃધ્ધાવસ્થા નો સ્વિકાર તો બધા જ કરી લે છે, ખુશી ખુશી જીવી જાણે તો સ્વિકાર, દુખી થઈને જીવીએ તો વૃધ્ધાવસ્થાનો અણગમો, આ એક અવસ્થા છે તેનો અણગમો શું કામ કરવાનો ?

જન્મ લીધો છે એટલે ઘડપણ આવવાનુ એ નક્કી જ છે. ગમે કે ના ગમે, ઈચ્છા હોય કે ના હોય તેને સ્વિકારવા સીવાઈ બીજો કોઈ રસ્તો નથી તો પછી ચાલો આ વૃધ્ધત્વને હસતા મોઢે સ્વિકારી લઈએ. મોઘેરો આ દેહ, તેમાં મોઘેરુ આ ઘડપણ, જે જીંદગીની કસોટીની એરણ પર ઘડાઈને અનુભવોની વણઝાર લઈ ચાલી આવ્યુ છે.જીંદગીના સારા-ખોટા સંજોગો,પરિસ્થિતીઓનો સામનો કરીને માણસ ઘડાઈને બધી રીતે તૈયાર થઈ જાય છે.વૃધ્ધાવસ્થા સુધી પહોંચતાં સુધી તેની પાસે બધી જ જાતનુ જ્ઞાન હોય.જ્ઞાન અને અનુભવોનો ભંડાર ભરેલો હોય, માટે માણસ પરફેક્ટ બની જાય છે.

આપણા સંતાન, જે ભવિષ્યની પેઢી તેને માર્ગ દર્શન આપીને તૈયાર કરીએ.ઘરની દીવાદાંડી બની પરિવારને અધર્મ કરતાં રોકીને ધર્મનો માર્ગ બતાવીએ.અત્યારના ચાલી રહેલા સમયમાં ખાસ કરીને પૌત્રો અને પૌત્રીઓ ઈન્ડિયન કલ્ચર અને વેસ્ટર્ન ક્લ્ચરમાં જીવતાં હોય છે, તેમનાં માતા પિતા જૉબ અને બીઝનેશમાં વ્યસ્ત હોય છે માટે દાદા-દાદી ઘરની અંદર એક શિક્ષક, એક ભોમિયા સમાન જ છે.બાળકોને માર્ગ દર્શન આપી શકે.

મોર્ડન જમાનામાં ઘડપણની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.આજે સીત્તેર વર્ષના દાદા-દાદી પચાસના દેખાય છે કારણ વિચારો બદલાયા, વર્તન બદલાયુ અને રહેણી કરણી બદલાઈ ગઈ છે. જુના સમયમાં દિકરાના લગ્ન થાય એટલે સાસુમા કેડે ચાવીનો ઝુમખો ખોસીને હિંચકે બેસી જાય, કામ કાજ – રસોડામાંથી નિવૃત થઈ જાય પછી ટાઈમ પાસ માટે મંદિર જવાનુ ત્યાં પણ ભેગા થઈને વહુની બુરાઈ, ઘરે હોય તો બેઠા બેઠા ઓર્ડર કરવાના અને દિકરા અને પતિને વહુ વિરુધ્ધ કાન ભરવાના, આખો દિવસ સાસુપણુ બજાવી નિર્દોશ વહુ સાથે ઝઘડા.આજે તો સીત્તેર – એંશી વર્ષના સ્ત્રી પુરોષો જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા હોય, યોગા કરે, જીમમાં જાય, મોરનીંગ વૉક,વાંચન, અરે આજ કાલ દાદા-દાદી ગરબા કરતાં અને ડાન્સ કરતાં પણ જોવા મળે છે,આમ જુદી જુદી પ્રવૃતિઓમાં સક્રિય થઈ ખુશી ખુશી આનંદમય જીંદગી જીવતાં હોય, જાણે ઘડપણ તેમનાથી કોસો દુર હોય.શરીરથી ઘરડા થવાય પરંતું મનથી ક્યારેય કોઈ ઘરડું નથી હોતુ. મારી ફેમિલીનો દાખલો આપીશ. મારા મોટાભાઈ ૭૪ વર્ષના છે, તેમને કોઈ પુછે રજની ભાઈ તમે કેટલા વર્ષના થયા તો કહે “મને હજુ ચાલીસ થયા છે, अभी तो मै जवान हुं “ હસવું હસાવવું જીંદા દીલ માણસ. મારા મમ્મી ૯૪ વર્ષના છે, શરીરમાં અનેક રોગ છે છતાં હજુ પણ રસોઈ બનાવી શકે છે, ભરત ગુંથણ સીવણ કરે, યોગા કરે છે, એક્સરસાઈઝ કરે,યાર્ડમાંથી શાક તોડી લાવે. હમણાં જ ઈન્ડિયા એકલા જ ગયા દાંતની ટ્રીટમેન્ટ કરાવી એકલા પાછા આવ્યા. દર બે વર્ષે ઈન્ડિયા એકલા જાય છે. જવાનને શરમાવે એવી શરીરમાં સ્ફુર્તિ, આળસ બિલકુલ નહી. ૯૪ વર્ષે પણ સ્ટ્રોન્ગ વીલ પાવર.વિચારો એકદમ મોર્ડન અને વ્યવહારમાં પ્રેક્ટિકલ.

ઘણા વૃધ્ધ દંપતી જોયા છે, એક બીજાનો સહારો બનીને રહે છે. પતિ આખી જીંદગી પત્ની ઉપર દાદાગીરી કરીને હુકમ ચલાવ્યો હોય તે પણ આ સમયે પત્નીનો ખ્યાલ રાખે,સંભાળ રાખે. આખી જીંદગી આર્ગ્યુમેન્ટ કરીને ઝઘડતાં રહ્યાં હોય તે હવે શાંતિથી એક બીજાને અનુકુળ થઈને રહે. સમજણ આવી ,ખરેખર તો સાચો પ્રેમ તો વૃધ્ધાવસ્થામાં શરૂ થાય છે એમ લાગે છે.

માણસને જવાન રહેવું છે કે જલ્દી ઘરડા થઈ જવું છે તેના વિચારો ઉપર આધાર છે. ના કામની ચિંતાઓ, ભય, ડર, કારણ વીના દુખી દુખી રહેવું આ બધા કારણને લીધે ઘડપણ વહેલુ આવી જાય.ઘણા પરિવારોમાં જોયુ છે,આપણે મનથી જવાન હોઈએ પરંતું ઘણી વખત ઘરના મેમ્બર ઘડપણ યાદ કરાવે. અમુક જાતના કપડા પહેર્યાં હોય,મેકઅપ કર્યો હોય, નખને કલર કર્યો હોય, તરત જ બોલે ,

“આ ઉંમરે તમને આવું બધું શોભતું હોય ? “તો વળી શણગાર સજી બહાર નીકળો તો લોકો બોલે “ ઘરડી ઘોડી લાલ લગામ “ તો કોઈ વળી બોલશે “ એક પગ કબરમાં છે અને એક પગ બહાર લટકે છે, નખરાં તો જૂઓ “

ઘરડા માણસોની લોકો મશ્કરી કરે, ઠેકડી ઉડાડે.આપણે ઘડપણને ઉંબરે ઉભા છીએ એમ આપણે વિચારતા નથી પરંતુ લોકો યાદ દેવડાવે, વ્યક્તિ પોતે ના વિચારે પરંતુ લોકો મશ્કરી કરીને યાદ કરાવે.તમને વધારે વૃધ્ધ બનાવી દે. અરે ઉંમર થઈ એટલે શું જીવવાનુ છોડી દેવાનુ ? ઘરડા માણસોને કોઈ મોજ શોખ નહી કરવાના ? તેમના બધાજ હક્ક શું જવાની પુરતા જ મર્યાદીત છે ? પરંતું ત્યારે જવાબ આપવાનુ મન થાય અને મનમાં વિચાર ચોક્ક્સ આવે “ અમ વીતી તમ વીતશે ધીરી બાપુડીયા” અરે આટલી બધી માથાકુટ શું કામ ? “तन तो मंदिर है, ह्र्दय है व्रुन्दावन, व्रुन्दावनमें हे बसे राधिका किशन “ જેમાં ઈશ્વરનો વાસ છે એ કાયા જો મંદિર સમાન બનાવી હોય તો તેને સજાવવામાં કોઈ ખોટું નથી.

ઈશ્વર કેટલા દયાળુ છે ! તેમની પાસે બોલાવતા પહેલાં આરામ કરવાનો, વિસામો અને તેમને યાદ કરવાનો સમય આપે છે. જ્યાં આનંદ છે, કંઈ કરી છુટ્યા છીએ તેનો સંતોષ અને મનને શાંતિ છે. જીવનના અંતિમ પડાવ પર આવીને ઉભા છીએ અને જાણે એવું લાગે છે,

હવે બધું જ ફાવી ગયું છે.

સારા-ખોટાની આવી સમજ સારું-ખોટું પચાવતાં ફાવી ગયું,

માન અપમાનના ઘુંટ પીતાં અમને સારી રીતે ફાવી ગયું

જે હતુ તે,જે છે અને જે મળશે તે હવે બધું ફાવી ગયું

હશે,નભશે,ફાવશેના સહારે જીવન જીવતાં ફાવી ગયું

જુના ચસ્માએ અમને નવા તમાસા જોતાં ફાવી ગયું

માથાની સફેદી, કરમાયેલું મુખડુ, નિર્બલ આ કાયા,

સુકાયેલા દાડમની કળી જેવા છુટા છવાયા દાંતવાળી

આ કાયાને દર્પણમાં જોઈ મનને મનાવવાનુ ફાવી ગયું

વૃધ્ધમાંથી બાળક બની નિખાલસ બનતાં ફાવી ગયું

પાનખરની મોસમમાં વસંત બની જીવવાનુ ફાવી ગયું.

 

વિશ્રાંતિ

આપણો જે સમય વીતી ગયો છે તેને પાછો ના લાવી શકીએ પરંતું

આવતી કાલને આપણા અનુભવોથી બહેતર બનાવવાનો સમય

ઈશ્વરે જે કંઈ આપ્યુ તે ભોગવ્યુ, તેનો આભાર માનવાનો સમય

મહેકતા જીવનની, નિરાંતની ક્ષણોને માણવાનો અણમોલ સમય

સારા,ખોટા કાર્યોનો હિસાબ કરી જીંદગીનુ સરવૈયુ કાઢવાનો સમય

જે વીત્યું તે ભુલીને રળિયામળી ઘડીનો સ્વિકાર કરવાનો સમય

ના કાલ,ના આવતી કાલ, આજમાં જ ખુશ રહેવાનો સમય

જે પામ્યા તે અને અનુભવોની પુંજી અર્પણ કરવાનો સમય

નિવૃતિની ક્ષણો વસંતમાં મહાલતા રંગીન પાનખરનો સમય

જીવનની રંગીન પાનખર ઋતુનો સંધ્યાકાળનો સુંદર સમય

આ જન્મ અને બીજા જન્મ વચ્ચે સંધીકાળનો અદભુત સમય

વિષયોમાંથી ધીમે ધીમે મન હઠાવી,સર્વસ્વ ત્યાગવાનો સમય

હરિભજન,સતસંગ,ભક્તિથી પરભવનુ ભાથુ બાંધવાનો સમય

આવનાર અંતિમ ઘડીને આવકારી, પ્રેમથી વધાવવાનો સમય

મોહ માયાના બંધન તોડીને પરલોક જવાની તૈયારીનો સમય.

ઈશ્વરે બક્ષેલુ આખરે તો આ અણમોલ ઘડપણ કહેવાય.પરિવારની લીલીવાડીમાં મોગરાનાં ફુલો સમાન મહેકતું ઘડપણ ! મૃત્યુ નામની ભેખડની ઘાર પર નૃત્ય કરતું લીલુછમ ઘડપણ ! પરલોક અને સ્વર્ગને તો કદીક મોક્ષને ઝંખતું હરિયાળુ ઘડપણ.

એનો હર્ષ શોક શું કામ કરવો બસ એને જીવવાનુ છે, એમાં ના હોય કોઈ ફરિયાદ !

 

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s