જ્ઞાન સાગરમાં એક ડુબકી.
ગોસ્વામી તુલસીદાસજી ભક્તિની પરમ સીમાએ પહોચ્યા હતા. તેમનુ સંત હ્રદય પ્રભુના ગુણગાન ગાતાં દ્રવી ઉઠે છે.અહિયાં હનુમાન ચાલિસામાં પણ પ્રભુ પ્રેત્યેની તેમનો દ્રઢ વિશ્વાસ-આસ્થા, શ્રી રામ અને હનુમાનજી પ્રત્યેનો તેમનો પ્રેમ દેખાઈ આવે છે. તેમજ સાથે સાથે દરેક લાઈનમાં પ્રાર્થના, વિનંતિ,આજીજી અને દાસભાવ અને પ્રેમભાવ વર્તાય છે.સૌ પ્રથમ પોતાની અંદર રહેલ અવગુણો નિખાલસ ભાવથી રજુ કરે છે, ત્યાર બાદ ભગવાનના ગુણગાન કરે છે.તુલસીદાસજીના કંચન સમાન નિર્મળ હ્રદયના દર્શન આપણને થાય છે. ખુબજ ભક્તિભાવથી શ્રી હનુમાનજીના ગુણગાન ગાયા છે. અતિ સુંદર અદભુત રચના !
‘હનુમાન ચાલિસા’ એવી સ્તુતિ છે જે દરેક ઘર ઘરમાં નાના મોટા સૌ દરોજ તેનો પાઠ અવશ્ય કરે છે.
( આપણો આત્મા ચેતનમય છે, જ્યારે મન-બુધ્ધિ જડ છે. આત્માની અંદર મન-બુધ્ધિનુ પ્રતિબિંબ પડ્યુ માટે તે ચેતનવંતા બન્યા. આત્મા એ મન-બુધ્ધિનો અરિસો છે. આ અરિસા ઉપર મનના વિકારો રૂપી મેલ જામેલો છે, મન મલીન થયેલુ હોવાથી આત્મ સ્વરૂપ જોઈ નથી શકાતું. એટલે સૌ પ્રથમ તુલસીદાસજીએ મનનો મેલ સાફ કરવાની વાત કરી છે,મનની અંદર વિકારો ભરેલા હોય ત્યાં સુધી પ્રભુમાં ચિત્ત લાગે નહી,તુલસીદાજીએ કંચન સમાન નિર્મળ મન બનાવ્યુ હતું માટે જ ‘રામ ચરિત માનસ’ ‘રામાયણ’ મહાગ્રંથની રચના થઈ શકી. તુલસીદાસજી કહે છે મારુ મન સાફ કરીને પછી હરિના ગુણગાન કરીશ. )
શ્રી હનુમાન ચાલિસા
દોહા
શ્રી ગુરુ ચરન સરોજ રજ, નીજ મનુ મુકુર સુધારી
બરનઉ રઘુબર બીમલ જસુ, જો દાયક ફલ ચારી
બુધ્ધિ હીન તનુ જાનિકે, સુમિરૌં પવન કુમાર
બલ બુધ્ધિ વિધ્યા દેહુ મોહિ, હરહુ ક્લેસ બિકાર.
અર્થાત
તુલસીદાસજી કહે છે, ભગવાનની ચરણરજ લઈને આ આત્મ રૂપી અરિસાને સાફ કરીશ, હું મારા મનનો મેલ ધોઈ મન શુધ્ધ કરીને પછીથી હું શ્રી સઘુવીરના સૌન્દર્યની મહિમા ગાઈશ, કે જેમણે જીવનના અતિ મહત્વના ધર્મ-અર્થ-કામ-મોક્ષનો મર્મ સમજાવીને તે માર્ગ પર ચાલવાનો આદેશ આપ્યો. હે પવન પુત્ર , હું અલ્પ બુધ્ધિનો છું,હું આપને પ્રાર્થના કરું છું , મને બુધ્ધિ હીન સમજીને આપ મને શક્તિ આપો, સદબુધ્ધિ અને જ્ઞાન આપો જેના થકી મારા વિકારો દુર કરીને જીવનમાં આવનાર દુખો દુર કરી શકું.
ચૌપાઈ
૧ – જય હનુમાન જ્ઞાન ગુન સાગર, જય કપીસ તિહું લોક ઉજાગર
હે હનુમાન આપની જય હો, આપ જ્ઞાનના સાગર છો, ગુણવાન છો,હે કપીશ્વર આપની જય હો, ત્રણેવ લોકમાં આપની કીર્તિ ફેલાયેલી છે, તે જગ જાહેર છે.
૨ – રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા.
તુલસીદાસજીએ હનુમાનજીને પ્રાર્થના કરતાં તેમના માતા-પિતાને પણ યાદ કર્યા છે.
હે પવન પુત્ર ! હે અંજની નંદન ! હે રામના દૂત ! પુરા બ્રમ્હાંડમાં આપના જેવું કોઈ શક્તિશાળી નથી.
૩ – મહાબીર બિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી.
હે બજરંગબલી ! આપ મહા શક્તિશાળી અને અપાર શૌર્ય અને હિંમતવાન છો, આપ બુરી શક્તિઓનો સામનો કરવા માટે શક્તિમાન છો,મારા મનની અંદર જે કુમતી રૂપી સેતાન છે તેને હાંકી કાઢવા માટે આપ જ સમર્થ છો.
૪ – કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેશા
આપના અપાર તેજને કારણ આપનો સોનેરી વર્ણ અતિ તેજસ્વી દેખાય છે,આપનો સુંદર શણગાર ! કાનમાં સુંદર કુંડલ ! વાંકોડીયા વાળ ! હે હનુમાનજી આપ અતિ તેજસ્વી, સુંદર શોભાયમાન છો.આપના સ્વરૂપના દર્શન માત્રથી હ્રદય આનંદ આનંદ થઈ ઉઠે છે.
૫ – હાથ વજ્ર ઔ ધ્વજા બિરાજૈ, કાંધે મૂંજ જનેઉ સાજૈ
વજ્ર સમાન,શક્તિશાળી હાથમાં શ્રી રામની ધ્વજા શોભી રહી છે. પવિત્ર જનોઈ ખભા પર આપની શોભામાં ઓર વધારો કરી રહી છે
૬ – સંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહા જગ બંદન
દેવોના દેવ ભોલેનાથ શીવ શંકરભગવાનનો અવતાર, હે કેસરી નંદન , આખી દુનિયા, પુરો સંસાર આપની અગાધ શક્તિ અને આપનુ સૌન્દર્ય, આપની અપાર યશ-કીર્તિને વંદન કરે છે, સત સત પ્રણામ.
૭ – વિધ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર
આપ અધિક પ્રતિભાશાળી,પ્રતાપી તેમજ ગુણવાન અને મહાન જ્ઞાની છો, હમેશાં શ્રી રામની સેવા કરવામાં આતુર શ્રી રામજીના સેવક શ્રી રામને સહાય કરી છે.આપે શ્રી રામની સહાય અને સેવા માટે અવતાર લીધો છે.
૮ – પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા
શ્રી રામની મહિમા, ગાવામાં આપને રુચિ છે,તેમની કીર્તિ,તેમના સૌન્દર્યમાં આપને આકર્ષણ હોવાથી તેમના ગુંણગાન સાંભળવામાં અને ગાવામાં આપ હમેશાં તત્પર છો. આપ નિરંતર રામજીનુ સ્મરણ- ચિંતન કરો છો,શ્રી રામ, મા સીતા અને લક્ષ્મણ આપના હ્રદયમાં બિરાજમાન છે.
૯ – સુક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા, બિકટ રૂપ ધરી લંક જરાવા
અશોકવાટીકામાં મા સીતાની સામે આપ એકદમ શુક્ષ્મ રૂપે પ્રગટ થયા.માની સામે આપ એક બાળક સ્વરૂપે પ્રગટ થઈને માતા પ્રત્યેનો આદરભાવ અને માતા પ્રત્યેનો પ્રેમ દર્શાવીને આપે સીતામાના હ્રદયમાં એક ખાસ જગ્યા બનાવી સીતામાનો પ્રેમ પામ્યા.જેણે સીતામાતાને દુખ આપ્યુ છે તેના પર ગુસ્સે થઈને લંકામાં આગ લગાડી હતી.ત્યારે આપે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.
૧૦ –ભીમ રૂપ ધરિ અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સંવારે
આપે આપનુ ઉગ્ર, વિકરાળ સ્વરૂપ ધરીને રાક્ષસોનો સંહાર કરીને શ્રી રામજીને સહાય કરી.
૧૧ – લાય સજીવન લખન જિયાયે, શ્રી રઘુબીર હરષિ ઊર લાયે
લક્ષ્મણ માટે સંજીવની લાવીને લક્ષ્મણનો જીવ બચાવી જીવન દાન આપ્યુ, શ્રી રામજીના પ્રિય ભાઈને નવુ જીવનદાન પ્રાપ્ત થયું, શ્રી રામજીના હૈયામાં હર્ષ ઉલ્લાસ ભરી દીધો, રામજીનુ હ્રદય ખુશીયોથી ભરાઈ ગયું.
૧૨ – રઘુપતિ કીન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ
હે અંજની નંદન, શ્રી રામે આપના ખુબજ ગુણગાન ગાયા, હે હનુમાન હું મારા ભાઈ ભરત જેટલો તમને પ્રેમ કરું છું.આમ શ્રી હનુમાનજીને શ્રી રામ અને સીતામાતા બંને તરફથી માતા-પિતાનો પ્રેમ પ્રાપ્ત થાય છે.
૧૩ – સહસ બદન તુમ્હારો જસ ગાવૈં, અસ કહી શ્રી પતિ કંઠ લગાવૈ
હે હનુમાન, હજારો લોકો હજારો મૉઢાથી, આપની મહિમા, આપની સુંદરતા,આપની યશ-કીર્તિની ગાથા ગાવામાં આવશે એમ કહીને શ્રી રામ હનુમાનજીને આલિંગન આપીને હ્રદયે લગાવે છે, અદભુત છે શ્રી રામ અને શ્રી હનુમાનજીનુ આ મિલન ! આ દ્રષ્ય, આ સ્વરૂપના દર્શન કરીને મનને શાંતિ મળે છે, જીવન ધન્ય બની જાય છે.
૧૪ –સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહિસા
સનત કુમારો, શૌનક આદી ૠષિ મુનિઓ, ભગવાન , બ્રહ્માજી વગેરે આપની પ્રસંસા કરીને સ્તુતિ કરશે, આપની ગાથા ગાશે.
૧૫ –જમ કુબેર દિગપાલ જહાં તે, કબિ કોબિદ કહિ સકે કહાં તે
આપ મહા પરાક્રમી,મહાબલી ગુણવાન છો, યમ, કુબેર,બધી દીશાના રક્ષકો, કવી,પંડિતો વગેરે પણ આપનુ વર્ણન કરી શકવા માટે અસમર્થ છે. આપનુ વર્ણન કોઈ કરી ન શકે.
૧૬ – તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા, રામ મિલાય રાજ પદ દીન્હા
આપે સુગ્રીવની સહાય કરીને રામ સાથે ભેટો કરાવીને મદદ કરીને સુગ્રીવને તેનુ રાજ્ય પાછુ અપાવીને રાજા બનાવ્યો હતો. આપે સુગ્રીવને મોટી સહાય કરી હતી.
૧૭ –તુમ્હારો મંત્ર બિભીષન માના, લંકેશ્વર ભણ સબ જગ જાના
હે હનુમાનજી, એક સત્ય આખુ જગત જાણે છે, જગ જાહેર છે, આપની સલાહ વિભિષણે માની હતી આપની સલાહ પ્રમાણે વિભિષણ ચાલ્યા હતા, આપની મહેરબાની આપની દયાને લીધે જ વિભિષણ લંકાના રાજા બન્યા હતા.
૧૮ – જુગ સહસ જોજન પર ભાનૂ, લીલ્યો તાહી મધુર ફલ જાનૂ
સુર્ય, પૃથ્વીથી હજારો માઈલ દુર છે, ત્યાં પહોચતાં હજારો વર્ષ લાગે, સુર્ય આગનો ગોળો છે, આપ તેને એક મીઠુ ફળ સમજીને મૉઢામાં મુકી દીધો હતો તે પણ બાળ વયમાં ! આપ મહા શક્તિશાળી છો !
૧૯ – પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં,જલધિ લાંધી ગયે અચરજ નાહીં
શ્રી રામજીનો સંદેશ માતા સીતાને પહોચાડવા માટે નીકળ્યા ત્યારે શ્રી રામની અંગુઠી મૉમાં મુકીને સમુદ્ર ઓળંગીને રામમદુત બની સીતામાતા પાસે લંકા પહોચ્યા છતાં પણ આપના માટે સમુદ્રને ઓળંગવો એકદમ આસાન હતો. આપે અશક્ય વસ્તુને સહજ રીતે કરી બતાવી, આપ મહા શક્તિશાળી છો. મહા પ્રતાપી છો !
૨૦ – દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે
આપની કૃપા થકી, આ દુનિયાના મોટામાં મોટાં મુશ્કેલ કામ પણ આસાન બની જાય છે.આપના આશિર્વાદ અને આપની દયાથી કોઈ કામ મુશ્કેલ નથી.
ર૧ – રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે,
હે હનુમાનજી, આપ શ્રી રામચંદ્રના મહેલના દરવાજાના રખેવાળ છો ,આપની અનુમતિ વીના કોઈ અંદર જઈ ના શકે.આપ જેવા સેવક અને ભક્ત મહેલના રક્ષક હોય પછીથી આપના સ્વામિ નિશ્ચત રહી શકે.
૨૨ – સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રચ્છક કાહૂ કો ડર ના
હે પ્રભુ, આપના શરણમાં જે કોઈ આવે, તેના આપ રક્ષક છો, તેના જીવનમાં કોઈ ડર, કોઈ ભય નથી રહેતો આપનો શરણાર્થી નિર્ભય બનીને શાંતિ અનુભવે છે, અને બધી જ જાતના સુખ તેના જીવનમાં આવે છે.
૨૩ – આપન તેજ સમ્હારો આપૈ, તીનો લોક હાંક તેં કાંપૈ
આપના આકર્ષિક સ્વરૂપનુ તેજ આપ પોતે જ તેનો સામનો કરી શકવા માટે શક્તિમાન છો, આપનુ તેજ, આપની એક ગર્જનાથી ત્રણેવ લોક થર થર કાંપી ઉઠે છે.હનુમાનજીના તેજ સામે કોઈ ટકી ના શકે.
૨૪ – ભૂત પિસાચ નિકટ નહિં આવૈ,મહાબીર જબ નામ સુનાવૈ
હે અંજનીપુત્ર, જે મહાવીર હનુમાનજી નામનો પોકાર કરે તેની નજીક ભુત-પ્રેત-સેતાન, કોઈ પણ ખરાબ શક્તિઓ આવવાની હિંમત પણ નથી કરતું.આપના નામ માત્રથી બુરી શક્તિઓ દુર ભાગે છે.
૨૫ – નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા
હે મહાબલી હનુમાનજી આપના નામના સતત મંત્ર જાપથી,આપના રક્ષણ હેઠળ, અમારા શરીરમાં રહેલા રોગોથી જે પીડા થાય છે તે સદાને માટે પલાયન થઈ જાય છે.આપના નામ સ્મરણ માત્રથી અમે નિરોગી બની જઈએ છીએ.
૨૬ – સંકટ તેં હનુમાન છુડાવૈ, મન ક્ર્મ બચન જો લાવૈ
હે પ્રભુ , આપ અમારા દુખોનો અંત લાવો છો જ્યારે અમે પુરી શ્રધ્ધા અને લગનથી આપનુ સ્મરણ અને ધ્યાન કરીએ છીએ.આપના નામ અને આપનુ ધ્યાન ધરવાથી બધા દુખોનો અંત આવી જાય છે.
૨૭ – સબ પર રામ તપસ્વી રાજા, તિન કે કાજ સકલ તુમ સાજા
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, દુનિયાના મહાન ચક્રવર્તી રાજા હતા, આપે તેમના બધાજ ધ્યેય જેને માટે શ્રી રામજીએ અવતાર લીધો હતો તે પુરા કરવામાં બધીજ રીતે સહાય કરી.આપનુ મોટુ યોગ્દાન રહ્યુ છે.
૨૮ – ઔર મનોરથ જો કોઈ લાવૈ, સોઈ અમિત જીવન ફલ પાવૈ
જેના ઉપર આપની મહેરબાની થાય તેની બધીજ ઈચ્છાઓ પરિપુર્ણ થાય છે.તેણે જે ધાર્યુ પણ ના હોય, વિચાર્યુ પણ ના હોય તેવી તેની ઈચ્છાઓની બહારની વસ્તુ પણ તેને મળે છે.
૨૯ –ચારોં જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિધ્ધ જગત ઉજિયારા
સતયુગ-ત્રેત્રાયુગ-દ્વાપરયુગ-કલીયુગ આમ ચાર યુગથી આપની શક્તિ, આપની યશ-કીર્તિની ગાથા સંભળાઈ રહી છે.આપના પ્રભાવનો અનુભવ થાય છે.પુરા બ્રમ્હાંડમાં આપની ખ્યાતિ ગર્જના કરી રહી છે.
૩૦ – સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે
હે હનુમાનજી શ્રી રામના પ્રિય, આપે સાધુ સંત ઋષિ મુનિયો વગેરેની રક્ષા કરી છે.આપે અધર્મનો નાશ કરીને ધર્મનુ રક્ષણ કર્યુ છે.અધર્મનો નાશ કરીને ધર્મની રક્ષા કાજે શ્રી રામજી અને આપે આ ધરતી પર અવતાર ધારણ કર્યો છે.
૩૧ –અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા, અસ બર દીન જાનકી માતા
માતા જાનકીનુ વરદાન પામીને, આપને માતા જાનકીના આશિર્વાદ મળ્યા છે, માતા જાનકીની કૃપા થકી આપ આપના ભક્તોને આઠ સિધ્ધી અને નવ પ્રકારનો સુખનો ખજાનો આપી શકો છો.
૩૨ – રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા
આપ હમેશાં રઘુનાથજીની છત્રછાયામાં રહો છો. માટેજ આપ અસાધ્ય રોગ કે જેની કોઈ દવા નથી તેને પણ દુર કરી શકો છે, રોગને ભગાડીને રોગ મુક્ત કરો છો માટે ભક્ત નિરોગી બની જાય છે.
૩૩ –તુમ્હરે ભજન રામ કો પાવૈ,જનમ જનમ કે દુઃખ બિસરાવૈ
આપ રામ ભક્ત છો, આપના ભક્ત જે આપની ભક્તિ કરે છે, તેના પર શ્રી રામજીની પણ કૃપા દ્રષ્ટિ થાય છે.રામની દયા દ્રષ્ટીને કારણ ભક્તના જન્મો જન્મના જે દુખો છે તે પલાયન થઈ જાય છે.
૩૪ –અંત કાલ રઘુબર પુર જાઈ, જહાં જન્મ હરિ ભક્ત કહાઈ
આપની ભક્તિનો પ્રભાવ ભક્ત પર ખુબજ પડે છે, આપની ભક્તિના પ્રભાવથી દરેક જીવ માત્ર રઘુનાથજીના ઘેર વૈકુંઠમાં વાસ મળે છે.અને તેને આ નાશવંત જગતમાં જો બીજો જન્મ મળે તો પણ તે હરિભક્ત જ બનશે.
૩૫ – ઔર દેવતા ચિત ન ધરઈ, હનુમત સેઈ સર્બ સુખ કરઈ
જે પુરી શ્રધ્ધા સાથે આપની ભક્તિ કરે છે તેને બધા જ સુખ મળે છે. તો પછી બીજા ભગવાનને ભજવાની ક્યાં જરૂર છે.ભક્તો ઉપર આપની અસીમ કૃપા બનેલી હોય છે, આપ ભક્તોના રક્ષક છો.
૩૬ – સંક્ટ કટૈ મિટૈ સબ પીરા, જો સુમિરૈ હનુમત બલબીરા
હે બલવાન શ્રી હનુમાનનજી, થોડું અમસ્થુ આપનુ નામ લેવાથી, આપને યાદ કરવાથી પણ આપ આ દુન્યવી દુખો, પરેશાની, જીવનમા આવતો કોઈ ખતરો-સંકટ હોય તેમાંથી ભક્તોને મુક્ત કરો છો.
૩૭ –જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ, કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈ
હે મહાબલી હનુમાનજી આપની જય હો, આપની જય હો, જેમ ગુરુ તેના શીષ્ય ઉપર કૃપા કરે તેમ મહેરબાની કરીને મારી ઉપર કૃપા કરો, મને આપનો શીષ્ય માનીને મને સદબુધ્ધિ અને જ્ઞાન આપો.
૩૮ – જો સત બાર પાઠ કર કોઈ, છુટ હી બંદિ મહા સુખ હોઈ
કોઈ પણ માણસ, હનુમાન ચાલિસાનો પાઠ દરોજ ૧૦૦ વખત કરે તો દુનિયાના બધાજ બંધનોથી મુક્ત થઈને તેને અપાર સુખ મળશે.તેના જીવનમાં સુખ-શાંતિ અવશ્ય આવે છે.
૩૯ – જો યહ પઢૈ હનુમાન ચાલિસા, હોય દિધ્ધિ સાખી ગોરીસા
તુલસીદાસજી કહે છે, ભગવાન શીવજીએ મને હનુમાન ચાલિસા લખવાની પ્રેરણા આપી છે અને માટે જ હું એમનો જ આસરો લઈને ખાત્રી આપુ છું , જે હનુમાન ચાલિસાનો પાઠ કરશે તેને નક્કી બધી જ રીતે સફળતા મળશે.તુલસીદાજીનો પ્રભુ શ્રી રામ અને હનુમાનજી ઉપર દ્રઢ અટલ વિશ્વાસ અને પ્રેમ અહિયા દેખાય છે.
૪૦ –તુલસીદાસ સદા હરિ ચેરા ,કીજે નાથ હ્રદય મહં ડેરા.
તુલસીદાજીએ આદ્ર અને પ્રેમભાવ અને અતિ નમ્રતાથી પ્રાર્થના કરી છે, હે મારા પ્રભુ હનુમાનજી, તુલસીદાસજી સદા સદા શ્રી રામના સેવક જ છે. મારી વિનંતી છે, મારી પ્રાર્થના છે, હે પ્રભુ હમેશને માટે મારા હ્રદયમાં બિરાજમાન થઈને નિવાસ કરો.તુલસીદાસજીએ તેમનુ હ્રદય સિંહાસન શુધ્ધ કરેલુ છે માટે તેમનુ હ્રદય ઈશ્વરના નિવાસ માટે એકદમ યોગ્ય છે.સંત હ્રદયમાં ઈશ્વરનો વાસ નક્કી હોય છે જ માટે તેમને પુરુ જગત ઈશ્વરમય ભાસે છે.
દોહા
પવન તનય સંક્ટ હરન ,મંગલ મુરતિ રૂપ
રામ લખન સીતા સહીત હ્રદય બસહુ સુર ભૂપ
હે પવનપુત્ર ,આપ અમારા દરેક સંકટ દુર કરો છો.આપનુ મંગલમય સ્વરૂપ, મંગલમુરતિ રૂપ ! ઘણુજ સુંદર છે.એક જ ઈચ્છા છે મારી આશ પુરી કરશો, આપને નમ્ર વિનંતિ છે શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સહીત આપ મારા હ્રદયમાં નિવાસ કરો.
તુલસીદાજીએ દુન્યવી નાશવંત વસ્તુની માગણી નથી કરી, તેમણે ઈશ્વરનો નિવાસ હ્રદયમાં માગ્યો જેથી મનની અંદર કોઈ વિકાર પ્રવેશી ના શકે. સંત હ્રદય અતિ નિર્મલ હોય માટે ત્યાં હમેશાં પ્રભુનો નિવાસ નક્કી હોય છે.
( હનુમાન ચાલિસા સમજાવવા જેટલુ જ્ઞાન કે શક્તિ નથી પરંતુ સરળ ભાષામાં અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. )