અમે તો ગંગા નાહ્યાં
મારા એક દુરના સગાં સરલાબેન છે તે ઓછું ભણેલા અને અબોધ,તેમનુ દિલ એકદમ સાફ, પરંતું વહેમ અને અંધશ્રધ્ધામાં જ જીવે.વાતે વાતે અંધશ્રધ્ધા, બિલાડી આડી ઉતરી તો અપશુકન, આંખ ફરકી તો અપશુકન, દુધ ઢોળાયું અપશુકન ! કોઈ તેમને સાચુ સમજાવે તો માનવા તૈયાર ન થાય, તેમનો કક્કો સાચો કરે.સરલાબેન વાતોડીયા બહુ જો મળી ગયા તો તમને છોડે નહી એક કલાક માથુ ખાય. પરંતું તે અંધશ્રધ્ધાળુ બહુજ એટલે તેમની સાથે વાત કરીને તેમાંથી રમુજ ઉભી કરીને તેમને ચીડવવાની મઝા આવે.મને પણ નિર્દોશ આનંદ મળે અને તેમને પણ આનંદ મળે. જ્યારે પણ ભેગા થઈએ ત્યારે અમારે હમેશાં મીઠી નોક જોક ચાલે, સરલાબેન સચ્ચાઈ જાણે, હું તેમની સાથે રમુજ ખાતર જ આડા અવળા સવાલ કરું છું.મારી સાથે વાત કરીને મારા કરતાં તેમને વધારે આનંદ આવે છે, અમે બંને વાતો કરીને ખુશ ! વિવાદે ચડીને આનંદ લુંટીએ.
આમ તો હું મંદિરમાં બહુ જતી નથી ઘરેજ ભગવાનને ભજી લઉં છું, ઘરમાં મંદિર છે તેમાં ભગવાનને બેસાડ્યા છે અને બીજે મારા દિલમાં મેં સુંદર મંદિર બનાવ્યું છે તે હ્રદયસિંહાસન પર બિરાજમાન છે ત્યાંજ દર્શન કરી લઉં છું. છતાં પણ મેં મંદિર નહી જવાની કોઈ કસમ કંઈ ખાધી નથી માટે કોઈ વાર મંદિર તો અવશ્ય જાઉં છું.ભક્તિ કરું છું, મારી રીત થોડી જુદી છે.આજે મંદિર ગઈ તો દર્શન કરીને પાછી વળતી હતી ત્યાંજ મને સરલાબેન પણ પાછા વળતાં હતાં ચપ્પલ પહેરવા જતાં જ ત્યાં તેમનો ભેટો થઈ ગયો.
મેં કહ્યું – “ જય શ્રી કૃષ્ણ સરલાબેન, તમે કેમ છો ? બહુ દિવસે દેખાયાં ?”
સરલાબેન એકદમ ખુશ થઈને – “ જય શ્રી કૃષ્ણ બેન, ઓહો બહુ દિવસે દર્શન દીધાં !હું મઝામાં છુ, હું તો રોજ આવું છું તમે વરસને વચલે દિવસ મંદિર આવો છો, તમે દુજકા ચાંદ જેવાં છો,રોજ મંદિર આવો,કામ તો રોજ રહેવાનુ છે, આગળનુ ભાથુ બાંધવું પડશે, આ ભગવાન આપણી સાથે આવવાનો છે, બધું અહિયાં રહી જવાનુ છે. એક ખાસ વાત કરું ? હું તો બહુજ ખુશ છું બેન અમે તો ગંગા નાહ્યાં “
મેં પુછ્યુ – કેમ સરલાબેન તમારુ કોઈ અટકી ગયેલું કામ પુરુ થઈ ગયું ? “
સરલાબેન – “ ના ના બેન અમે તો ફરવા ગયાં હતાં ત્યાં ગંગાજીમાં નાહ્યાં હતાં “
ઓ… એમ બોલોને ગંગાજીમાં નાહીને આવ્યાં, બહુજ સરસ, તમને તિર્થ સ્થાનમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાનો મોકો મળ્યો.
સરલાબેન – “ બેન ગંગાજીમાં નાહીને મારા તો બધાં પાપ ધોવાઈ ગયાં , મારા મનને શાંતિ થઈ ગઈ.“
ગંગાજીમાં નાહીને પાપ ધોવાય એ મારા મગજમાં બેસતું નથી, હું નથી માનતી ગંગામાં નાવાથી પાપ નાશ પામે.તમને કોણે કહ્યું તમારા પાપ ધોવાયા, કોઈએ તમને પાપ ધોયાનુ સર્ટીફિકેટ આપ્યું ?
હું મનમાં વિચારવા લાગી સરલાબેન કેટલા ભ્રમમાં જીવે છે.એમ જો પાપ ધોવાતા હોય તો આખી દુનિયા ગંગામાં ડુબકી મારીને પાપ મુક્ત થઈ જાય.
સરલાબેન – “ બેન આ શાસ્ત્રો ખોટાં છે ? શાસ્ત્રોમાં લખ્યું છે ગંગામાં ન્હાવાથી પાપ ધોવાય, પાપ ધોવાયાનુ સર્ટિફીકેટ હોતું હશે ? ક્યારેય નથી સાંભળ્યું, પાપ ધોવાયા એ તો મર્યા પછી ખબર પડે,એતો ચિત્રગુપ્તના ચોપડામાં તેની નોધ થઈ જાય, આપણે જે પણ કંઈ કરીએ તે બધું જ ચિત્રગુપ્ત લખી લે.મરીને ઉપર જઈએ ત્યારે બધા હિસાબ કિતાબ આપણને બતાવે. બેન તમે તો બહુજ નાસ્તિક છો, શાસ્ત્રો પર તમને વિશ્વાસ નથી.
તમે કઈ જગ્યાએ ગંગામાં નાહ્યાં ?
સરલાબેન – “ અમે કાશીમાં નાહ્યાં “
અરે બાપરે…. એટલા ગંદા પાણીમાં નાહીને આવ્યાં ! હું તો સમજી તમે હરિદ્વાર ન્હાવા ગયા હશો. કાશીમાં તો સ્નાન ના કરાય ત્યાં ‘ રામ તેરી ગંગા મેલી ‘ જેવી હાલત છે. હરિદ્વાર આગળ વહેતાં વહેતાં કેટલા શહેરો આગળથી પસાર થાય, બધા શહેરોના ગટરના પાણી, ફેક્ટરીઓના કેમિકલ ભેગા થઈને કાશી આવતાં સુધી પાણી કેટલું બધુ દુષિત થઈ જાય, પાછું અહિયાં કાશીના ઘાટ પર અડધા બળેલા મડદાં પણ ગંગાજીમાં વહેતાં મુકી દે. બહુજ ગંદુ પાણી, ગંદા પાણીમાં સ્નાન કરીને પાપ ક્યાંથી ધોવાય !
સરલાબેન – “ જો પાછાં બોલ્યાં તમે ! અરે બેન તમે કેવી વાત કરો છો આ પવિત્ર નદીઓ માટે અપશબ્દ ના બોલાય તમે ગંગાજીને ગંદા કહ્યાં તમને કેટલુ મોટુ પાપ લાગશે, બેન હું તો પાપની ગઠડી છોડીને આવી તમે તો બાંધવા માંડી.
કંઈ નહી સરલાબેન હું હરિદ્વાર જઈને ગંગાજીમાં ડુબકી મારી આવીશ મારા પણ પાપ ધોવાઈ જશે.
સરલાબેન – “ એમ કંઈ તમારા પાપ ધોવાતા હશે, અરે રે…તમે તો પવિત્ર, પતિત પાવન ગંગાજીને ગંદાં કહ્યાં દેવી દેવતા જેની પૂજા કરે તેનુ તમે અપમાન કર્યું તમે લાખ પ્રયત્ન કરશો તમારુ પાપ નહી ધોવાય, તમે તો ઘોર પાપ કર્યું છે. “
આ સરલાબેનનો પોતાના ખીસામાંથી કાઢેલ કર્મના સિધ્ધાંતને કેવી રીતે સમજવો ! શાસ્ત્રોના સિધ્ધાંતોને પોતાની મરજી મુજબ, પોતાની સગવડ પ્રમાણે તોડ મરોડ કરી બદલી નાખવના.મેં એમને પુછ્યું સરલાબેન બીજે ક્યાં ફર્યાં ?
હરખાતાં હરખાતાં બોલ્યા –“ ગયાજી ગયાં હતાં, હા પેલા બુધ્ધ ભગવાને તપ કર્યું હતું તે જગ્યા જોઈ.ના સમજ્યાં ? બેન પેલા ચીના લોકોના ભગવાન “
સરલાબેન તમે તો ભગવાનને પણ વહેચી નાખ્યા. કૃષ્ણ આપણા, બુધ્ધ ચીનાના, જીસસ ક્રિસ્ચનના,ભગવાન એકજ છે નામ જુદા, જે નામે પુકારો તે જરૂર સાંભળે
સરલાબેન – “ આતો ભેંસ આગળ ભાગવત ! બેન તમને તો બિલકુલ નોલેજ નથી કોઈ દિવસ કથા વાર્તા સાંભળો છો ? સત્સંગ કરો છો ? મંદિર જ બહુ નથી આવતાને એટલા માટે તમારી આ દશા થઈ છે,તમને શું જાણવા મળે, બધાના ભગવાન જુદા હોય તમને કોણ સમજાવે ? એક વાત પુછું ? તમે રોજ ભગવાનને યાદ કરીને ભજો છો ?“
હા સરલાબેન દરોજ ભજું છું પરંતુ મને મારા ઘરમાં રૂમની અંદર ખુણામાં બેસીને ભગવાનને યાદ કરવુ ગમે જાહેરમાં ઘોંઘાટમાં તો આપણુ મન ભગવાન તરફ ન રહે, બીજે જતું રહે.
સરલાબેન – “ રૂમના ખુણામાં બેસી રૂમ બંધ કરીને તમે બેસો એટલે બીજાને શું ખબર પડે તમે ભક્તિ કરો છો, મારી જેમ દરોજ મંદિર આવો તો લોકોને ખબર પડે તમે ભગવાનને ભજો છો, તમે ભગવાનના પાકા ભગત છો “
લોકોને બતાવવા માટે ભક્તિ થોડી કરાય, ભગવાન જાણે તોજ તેને ભક્તિ કહેવાય, બીજાને જણાવીને શું ફાયદો ? સરલાબેન તમને ખબર છે કાશીમાં મરણ થાય તો મુક્તિ મળે.
સરલાબેન – “ લો…વળી આ કોણ બોલી રહ્યું છે ? નાસ્તિક છે, જેને શાસ્ત્રોમાં વિશ્વાસ નથી એ મને કહે છે, હું કથા વાર્તા બહુ સાંભળુ છુ મને ખબર ના હોય ?હું જાણું છું કાશીમાં મોત આવે તો શીવજી આવીને કાનમાં બે શબ્દ બોલે અને સીધા ભોળેનાથના ધામમાં, ભોળેનાથ પાસે.”
તમને ઈચ્છા ના થઈ કે તમને વિચાર પણ ના આવ્યો કે મારું મોત કાશીમાં થાય તો સારું,
સરલાબેન – “હાય હાય તમે તો બહુ જબરાં હોં.. ભાઈ…, ના ના મારે હમણાં મરવાની કોઈ ઈચ્છા નથી, મરે મારા દુશ્મન.વાત વાતમાં તમે કાશીમાં મારા મોતનાં સપનાં જોવાના ચાલુ કર્યા, તમારાથી તો ભગવાન બચાવે “
ના ના સરલાબેન,તમે આમ નારાજ ના થશો, હું ભગવાનને પ્રાર્થના કરુ છું તમે ૧૦૦ વર્ષના થાઓ. હું તો મજાક કરતી હતી,મને બહુ નોલેજ નથીને માટે મારી જાણ ખાતર સામાન્ય સવાલ પુછી લીધો. તમને ખરાબ લાગ્યું હોય તો માફ કરી દેજો, કોઈના મરવાની ઈચ્છા હું ક્યારેય ન કરું.અને સરલાબેન શાંત પડ્યાં. મેં કહ્યું સરલાબેન કોઈ દિવસ તો મારે ઘરે ભુલા પડો.
સરલાબેન – “ બેન તમે બહુ હોંશિયાર હોં…ઘરે બોલાવો છો ભુલા પડોને ! ભુલી પડું એટલે તમારે ઘરે ક્યારેય પહોચી જ ના શકુ, ભણેલા ગણેલા લોકો બહુ ચાલાક, ઘેર બોલાવવાની રીત કેટલી સરસ મારા ઘરે ભુલા પડોને, ‘ભુલા પડો એમ નહી મારે ઘરે આવો’ એમ બોલાય”
હા હા સરલાબેન મારે ઘરે આવો મને બહુ આનંદ થશે બસ, હવે મારુ આમંત્રણ ગમ્યુ ?
ભલે બેન ભલે, હું જરૂર તમારે ઘરે આવીશ, અમે હશી-ખુશી છુટાં પડ્યાં.
ભોળીયાં સરલાબેનને ફરીથી કોઈ દિવસ મળીશું.