વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ
વરિષ્ઠ એટલે – સર્વોત્તમ, ઉચ્ચત્તમ, સર્વોપરિ.
અભિગમ – વિષયની વ્યક્તિનિષ્ઠ સમજ, વલણ.
સાચા અર્થમાં વરિષ્ઠ કોને કહીશું ?
આહિંયાં આપણે વરિષ્ઠને સમજીશું અને તેના સુખને પણ સમજીશું.
ખરેખર સુખ કોણ ભોગવી શકે ? જેની પાસે સત્તા છે, ખુરશી છે, ગાદી છે, ઉંચી પદવી પામ્યા છે તે ? ઘરમાં જે વડીલ છે તે ? લોકો તરફથી માન સન્માન મળે , ચારો તરફ એનુ મોટુ નામ હોય આપણને લાગે તે વ્યક્તિ કેટલી નસીબદાર અને સુખી છે. પરંતું વરિષ્ઠને જે સ્થાન મળ્યું છે તેના તરફ તેનુ વર્તન , વલણ, તેનો વ્યવહાર હકારાત્મક હોવો બહુ જ જરૂરી છે. સદગુણી માણસ હમેશાં હકારાત્મક વિચારો અને વર્તન ધરાવે છે.વ્યક્તિ પાસે જો હકારાત્મક વિચારો હશે તો જ તેનુ વલણ, તેની વાણીમાં સંયમ,બીજા તરફ તેનો વ્યવહાર અને તેનુ વર્તન હકારાત્મક હશે અને તે ચોક્ક્સ સુખી માણસ છે.હકારાત્મક વિચારો અને વર્તનથી જ માણસ સુખ ભોગવી શકે છે, સાથે સાથે તે બીજાને પણ સુખી કરે છે.સુખ-દુખ એ બંને મનનુ કારણ છે. સુખી થવાની ચાવી આપણા હાથમાં જ છે.ધારીએ તો આપણુ જીવન આપણા વિચારો,વર્તન અને વાણીથી સુખી બનાવી શકીએ.
આત્મ સંતોષ ન હોય તો પણ ઘણાને દુખી થતા જોયા છે.એક વ્યક્તિ એવી પણ મેં જોઈ છે. પતિ-પત્નીને બંનેને કંપનીમાં સારી પોસ્ટ છે, મોટો પગાર છે,સુંદર મોટું હાઉસ છે, એક સુંદર બાળક છે.બહુજ સુખી હોવા છતાં તે ભાઈ તેમની પત્ની આગળ હમેશાં ફરિયાદ કર્યા કરે મારી જૉબ પર હું હેપી નથી .મારે હજુ વધારે પૈસા વાળી જૉબ જોઈએ છીએ. એક લાખ ડૉલરમાં પણ તેમને આનંદ નથી આવતો.હવે કંપની તમારું ભણતર અને લાયકાત પ્રમાણે એક લાખ ડૉલર વર્ષે આપે છે તેનાથી વધારે કેટલા જોઈએ છીએ ? તેમની પત્ની હમેશાં તેને કહે તને આટલી સરસ લાઈફ ભગવાને આપી છે શાંતિથી જીવને ,દુખી શું થયા કરે છે . પત્ની સંતોષી જીવ છે જ્યારે ભાઈને ભગવાને જે કંઈ આપ્યુ છે તેમાં જરાય સંતોષ નથી અને દુખી થયા કરે છે. દુખ જાતે જ ઉભુ કર્યુ છે. ઘણા માણસો તેઓની પાસે સુખ હોવા છતાં તેને ઓળખી નથી શકતા, તેને માણી નથી શકતા. બધી વસ્તુ માટે બસ ફરિયાદ કર્યા કરે.
વરિષ્ઠને જો સાચે ઓળખવા હોય તો, આપણા ઘરથી શરૂઆત કરીએ, ઘરની અંદર જે વ્યક્તિ છે તે ભલે સ્ત્રી હોય યા પુરૂષ, ઘરની અંદર આપણી માતા પણ વરિષ્ઠ હોઈ શકે અને પિતા હોઈ શકે, મોટાભાઈ પણ હોઈ શકે, ઉંમરમાં વરિષ્ઠ હોવું મહત્વનુ નથી, ક્રર્મોથી શ્રેષ્ઠ બનવાની જરૂર છે.ઘરની અંદર શ્રેષ્ઠ એ છે જે આખા ઘરનો ભાર ઉઠાવે ,બધીજ કાબીલીયત ધરાવે તેની જે જવાબદારી છે તે તેનો ધર્મ સમજી ઈમાનદારીથી પોતાનુ કર્તવ્ય નિભાવે,ઘરની અંદર દરેક વ્યક્તિને બરાબર સમજીને તેની ખુશી-આનંદનો ખ્યાલ રાખીને અનુકુળ થાય. દરેક પ્રત્યે તેનુ વલણ ભેદ ભાવ વીનાનુ હોઈ દરેક સાથે એક સરખો વ્યવહાર રાખે, તેમાં તેને જે ખુશી મળે ત્યારે આત્મ સંતોષ થાય, ત્યારે ખરેખર તેમાં તેનુ સાચું સુખ સમાયેલું છે.પોતે પણ સુખી છે અને પોતાના પરિવારને સુખ આપી શકે .તે વરિષ્ઠ કહેવાને લાયક છે .
ઘણી વખત ઘરની વ્યક્તિ તેના સદગુણો અને તેના બીજા સાથેના વ્યવહારથી પણ વરિષ્ઠ બની શકે છે.અનેક સદગુણો ભરેલા હોય ત્યારે દરેક તેને માન સન્માન આપે, દરેકની દ્ર્ષ્ટિ તેના માટે બદલાય, કારણ તેનામાં બીજા લોકો કરતા કંઈક ખાસ છે, તે નિસ્વાર્થ બની દરેક સારા કર્મ કરીને નિજાનંદમાં મ્હાલતો હોય,સદકર્મો કરીને તેને સાચં સુખ મળે છે. તેના માટે પૂજ્ય ભાવ ઉત્પન થાય ત્યારે શું આ વ્યક્તિ વરિષ્ઠ ન કહેવાય? ઘણા એવા ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. હિરણ્યકર્ષિપ વરિષ્ઠ રાજા હોવા છતાં પણ તેનુ નકારાત્મક વલણ હોવાને કારણ તે સાચા અર્થમાં વરિષ્ઠ બનવાને લાયક હતો જ નહી. જ્યારે પ્રહલાદ એક બાળક હોવા છતાં પણ તેણે જે માર્ગ અપનાવ્યો તેમાં તેને તે વિષયની વ્યક્તિનિષ્ઠ સમજ હતી , તેનુ વલણ હકારાત્મક હોવાને કારણ ખરેખર તો તે બાળક હોવા છતાં પણ વરિષ્ઠ બનવાને લાયક ગણાય. ધ્રુવ તેના હકારાત્મક વલણને કારણ બાળક હોવા છતાં શ્રી ક્ર્ષ્ણની કૃપાથી વરિષ્ઠ બન્યા, ઈશ્વરે તેમને એક અચલ-અવિચલ સ્થાન આપ્યું. રાવણ, કંસ ,હિટલર વરિષ્ઠ હતા શું તેઓ વરિષ્ઠ નાગરિકનુ હકારાત્મક અભિગમ સુખ ભોગવી શક્યા હતા ? માણસના ઉંચા કર્મો જ તેને વરિષ્ઠ બનાવી શકે નહી કે તેનો હોદ્દો કે ઉંચું પદ કે તેની ગાદી. કોઈના સુવાક્યો સાંભળીને કે કોઈના ઉપદેશથી જ્યારે મન તેની વૃતિ બદલે અને સાચી દિશામાં ચાલવા લાગે ત્યારે તે માણસ આપણા માટે ગુરુ સમાન છે કે જેણે સાચું જ્ઞાન આપ્યુ આપણા માટે તે વ્યક્તિ વરિષ્ઠ બની જાય.
લોકો ઉંચા હોદ્દા પર હોય ત્યારે તેને વરિષ્ઠની પદવી મળે. પરંતું ખરેખર શું તે પદવી બરાબર નિભાવે છે ? ખાસ કરીને ભારત દેશમાં ! ભારત દેશનુ તંત્ર આપણે જાણીએ છીએ જે લોકો ઉંચા હોદ્દા પર બેઠા છે, ઉંચા હોદ્દા સંભાળે છે તે સાચા અર્થમાં વરિષ્ઠ કહેવાની લાયકાત ધરાવે છે ? આશ્રમ અને મઠની ગાદી પર બેસીને વરિષ્ઠ તો બન્યા પરંતું તેમનુ વલણ જુઓ જે ભૌતિક સુખ ભોગવી રહ્યા છે, તેમની ફરજ, તેમનો ધરમ,તેમનુ કર્તવ્ય ચુક્યા છે તે તેમનો હકારાત્મક અભિગમ કહેવાય ?મોટી મોટી કંપનીઓમાં વરિષ્ઠ બનીને બેઠા છે તેઓ સાચે જ હકારાત્મક અભિગમ સુખ ભોગવી રહ્યા છે ? દેશના રાજકીય નેતા જેને આખા દેશનો ભાર સોંપવામાં આવ્યો છે, વરિષ્ઠ બનીને બેઠા છે શું તેઓ હકારાત્મક અભિગમ સુખ ભોગવી રહ્યા છે ? આપણે વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ કોને કહીશું ? તેની વ્યાખ્યા સમજવી બહુ કઠીન છે. આ વ્યાખ્યા અનુભવથી જ સમજાય.
વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ સાર્થક કરવા વાળા પણ આપણે સાંભળ્યા, જાણ્યા અને જોયા પણ છે, રાજા હરિશ્વંદ્ર સત્યને માટે જીવન જીવતા હતા, તેમાં તેમનુ સુખ સમાયેલું હતું તેને કારણ બજારમા પરિવાર સાથે વેચાઈ ગયા.છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ રાજ્ય અને પ્રજા માટે જ જીવ્યા, રાણી લક્ષ્મિબાઈ રાજ્ય અને પ્રજા માટે વફાદાર રહ્યાં આ બધાંએ પ્રજાની રક્ષા કાજે પ્રાણ અર્પણ કર્યા.દેશની સીમા પર સતત પહેરો ભરતા, દેશની રક્ષા કાજે જાનની પરવા કર્યા વીના દેશ માટે લડતા સૈનિક આપણા રક્ષણ માટે તેમની જાન આપીને પણ ખુશ થાય છે. મહાત્મા ગાંધીજી જેણે ‘ વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ ‘ આ શિર્ષકને દેશ માટે પ્રાણોની આહુતી આપીને સાર્થક કર્યું છે.વૈજ્ઞાનિકો, ડૉક્ટરો,મહાપુરૂષો, સમાજ સેવકો વગેરે સેવા જ કરે છે.
આમ ઉંચા પદ પર બેઠેલી વ્યક્તિઓના હકારાત્મક સારા કર્મોથી ઈતિહાસ રચાય છે અને નકારાત્મક ખોટા કર્મો કરીને પણ ઈતિહાસમાં અમર બની જાય છે.ઘણી વખત આપણે જોઈએ છીએ ‘નામ બડે ઔર દર્શન ખોટે’ જેવી હાલત હોય છે.
મોટા મોટા કલાકારો કે જેઓ જે જે ક્ષેત્ર અપનાવ્યું હોય તેઓએ પણ આ શિર્ષકને સાર્થક કરી જાણ્યુ છે.સંગિત સમ્રાટ તાનસેન, અકબરનો ખાસ સલાહકાર બિરબલ, રાજાના દરબારની નર્તકિયો, રાજનિતિજ્ઞ ચાણક્ય. આવા તો કંઈ કેટલા બધા ઉદાહરણો છે જેણે વરિષ્ઠ પદવી પામીને તેને બરાબર નિભાવીને જીવ્યા છે..વરિષ્ઠ વ્યક્તિનુ સુખ તેના કામ અને બીજા તરફ તેના વલણ ઉપર નિર્ભર કરે છે. તન-મન લગાડીને પોતાના કાર્ય અને કર્તવ્ય વફાદારીથી નિભાવે તો જ તેનુ પદ શોભી ઉઠે. હમણાં જ ટીવી ચેનલ પર સમાચારમાં જોયું, સાઉથ ઈન્ડિયામાં આંધળાની એક શાળામાં હેડ માસ્તરે એક છોકરાને વીના વાંકે સોટીથી ઢોર માર મારીને તેનો હાથ તોડી નાખ્યો. આ માણસ પાસે ઉંચી ખુરશી છે, વરિષ્ઠ બન્યો તે શું કામનુ ? કોઈ કોઈ વ્યક્તિઓ ભણીને ઉંચી ડીગ્રી મેળવીને વરિષ્ઠ બને તો કોઈ વળી પુષ્કર ધન – દોલત-સંપત્તિ કમાઈને તેનુ મોટું નામ થાય, પરંતું તે ગરીબ કે જરીરીયાત હોય એવા લોકોને મદદ ન કરે તો તેના ધન-દોલત શું કામના ,સુંદર પક્તિઓ યાદ આવી ગઈ
બડે ભયે તો ક્યા ભયે, જૈસે પેડ ખજુર
પન્થી કો છાયા નહી ફલ લાગા અતિ દૂર.
ખજુરનુ વૃક્ષ ઉંચુ હોવાથી તે છાંયડો ન આપી શકે.કારણ તે ઘટાદાર વૃક્ષ નથી. તેનુ ફળ પણ ઉંચે હોવાથી કોઈ તોડીને ન ખાઈ શકે. એવાજ આ વરિષ્ઠ લોકો છે.માણસ સારા ઉંચા કર્મોથી શ્રેષ્ઠ બની શકે છે નહિ કે ગાદી, ખુરસી કે કોઈ ખાસ પદ મેળવીને. શ્રેષ્ઠ કર્મો જ સાચું સુખ છે. વરિષ્ઠ નાગરિક જ્યારે પોતાને જે સ્થાન મળ્યું છે તેને ઈમાનદારીથી નિભાવી બીજાને ખુશ રાખે ત્યારે તેનુ ઉંચું પદ શોભી ઉઠે,પોતાને પણ તેમાં સાચું સુખ મળે. મને કહેતાં ઘણોજ ગર્વ અને આનંદ થાય છે, આ શિર્ષક માટે સૌથી મોટું ઉદાહરણ આપણી સામે જ છે.ભારતના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જો તેમને સમજી શકીશું તો સાચું સુખ શેમાં સમાયેલુ છે તે સમજાશે. તેઓ દેશની નિસ્વાર્થ સેવા કરીને તેમાં તેમને ખુશી –આનંદ મળે છે તેમાંજ તેમનુ સુખ સમાયેલું છે. આ શિર્ષક, ‘વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ ‘ ખરેખર સાર્થક કરીને આખી દુનિયામાં સાચા અર્થમાં વરિષ્ઠ નાગરિક બનીને તેમનુ ઉંચું પદ શોભાયમાન બનાવ્યું છે.